અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દિલીપ ઝવેરી/મા

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


મા

દિલીપ ઝવેરી

એક વાર જનમ દઈને
મા વસૂલી કરતી જ રહે છે

જેમ બાળોતિયાંના રંગ અને ભોંયે મૂતરના રેલા તપાસે
તેમ પાટી પરના એકડા
શબ્દોની જોડણી
અક્ષરના માર્ક
લખોટીની ડબલી
નોટબુકનાં પૂંઠાં
ચોપડીમાં સંતાડેલાં ચિત્ર
દોસ્તારોનાં સરનામાં
બહેનપણીઓનાં નામ
નામ વગરના નંબર
બસની લોકલની સિનેમાની બચેલી ટિકિટો
સિગારેટનું ન ફેંકેલું ખોખું
બુટનાં તળિયાં ખમીસના કૉલર
ઊંઘ ઓછી તોય ‘વાટ જોતી જાગું છું’ કહેતી
ચાવી ફેરવતાં પહેલાં જ બારણું ખોલી શ્વાસ સૂંઘી લે

જાસૂસી વાર્તાનો ભેદ ખૂલવાનો હોય
તે જ વખતે દૂધનો પ્યાલો લઈને આવે
રેડિયો પર ગમતું ગીત આવતું હોય
ત્યારે ગણિતના દાખલા અધૂરા પડ્યા છે એની ટકોર કરે
પાસ થવાશે કે કેમ એવા ફફડાટે પરીક્ષા આપવા જતાં
‘દીકરા દાક્તર થવાનું છે’ એવા આશીર્વાદ દે
નોકરીના ઇન્ટરવ્યૂ માટે નીકળતાં
ટપાલઘરથી ટિકિટ લઈ આવવા કહે
ઘરવાળીને સિનેમામાં લઈ જતાં
કામવાળીએ કરેલા ખાડાનો કકળાટ માંડે
નાહીને બરડો લૂછો તો દેખાડે કાન પછવાડે ચોંટેલો સાબુ
ઝિપ ખૂલા પાટલૂનનો પટ્ટો બાંધતે ટાણે કહે
‘ભાત ખાવામાં ભાન રાખતો નથી.’
અંબોડી ખોલી વાળમાં ઝીણી કાંસકી ફેરવતી ખરેલા વાળની ગૂંચ બાંધતી બોલે
‘અત્યારથી જ તારાં ઓડિયાં ધોળાં થવા માંડ્યાં છે’

મારા દીકરાને નિશાળે જતાં પહેલાં ગાલે પાઉડર થપેડતાં યાદ કાઢે.
‘તારા બાપના દેદારનાં કદી ઠેકાણાં નો’તાં’
ભાણે બેસી દોઢું જમે પણ સંભળાવે
‘રસોઈમાં ભલેવાર નથી’

બપોરે એકલી હોય ત્યારે કબાટ ખોળે
‘પહેરવી નહીં તો આટલી સાડી કેમ ખડકી?’
‘બે છોકરાંની માને સગાંવહાલાં કે અજાણ્યાં સામે
ખી ખી કરતાં લાજ નહીં
ને ધણીના મોંમાં મગ ભર્યા છે’
‘પિયરિયાંને ચામાં ખાંડ ઝાઝી મફતની આવે છે’
‘ઘાઘરાને કાંજી ચડાવે પણ વરના લેંઘાને ઇસ્ત્રી કરતાં બાવડે મણિયાં બાંધ્યાં છે’
‘ટીવી જોતાં સાંભરતું નથી કે રસોડામાં ઉઘાડે ઠામડે બચેલામાં વાંદા ફરશે’
સૌની પહેલાં પોતે છાપું ઉઘાડી ઓળખીતાં પાળખીતાં અજાણ્યાંનાં
મરણની નોંધ વાંચી રામ રામ રટતી
પોતાની આવતી કાલને જે શ્રી કૃષ્ણ જે શ્રી કૃષ્ણ કરે
ભાગવત પાઠ કરતાં ચશ્માંમાંથી આંખ ઊંચી કરી
ધવરાવેલાને જોઈ જોઈ નિસાસે નિસાસે સૂકવતી જાય
હાથે ઝાલવાની ટેકણલાકડી બનાવવા

એક વાર જખમ દઈને મા આખરે ખાંડી લાકડાં વસૂલ કરે છે.
નવનીત સમર્પણ, ઑક્ટોબર