અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ધીરુ પરીખ/નિરુત્તર

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
નિરુત્તર

ધીરુ પરીખ

ગાડીમાં બેસવું એટલે શું?
બાજુમાં બેઠેલા પ્રવાસીએ મને પૂછ્યું.
કેમ, હું બરાબર બેઠેલો નથી?
મેં વળતો પ્રશ્ન કર્યો.
ના, એમ તો બરાબર બેઠેલા છો;
પણ આમ અધ્ધર શ્વાસે કેમ બેઠા છો?
ઓત્તારી! સ્ટેશન આવશે ત્યારે ઊતરવું તો પડશેને ?
તે મારે ય ઊતરવાનું તો છે જ,
એટલે કહું છું કે બેઠા ત્યાં સુધી હેઠા શ્વાસે બેસો
અરે ભાઈ, અધ્ધર શ્વાસે કે હેઠા શ્વાસે —
ગાડી કંઈ ઘર નથી, ઊતરી તો જવું જ પડશે.
વાત સાચી; પણ જરા વિચારો તોઃ
જ્યાં સુધી ગાડીમાં છો ત્યાં સુધી ઘરમાં બેઠા છો
ને ઘરમાં છો ત્યાં સુધી ગાડીમાં બેઠા છો.
એટલે તમે શું કહેવા માગો છો?
મારાથી પુછાઈ ગયું.
તમને નથી ગાડીમાં બેસતાં આવડ્યું.
કે નથી ઘરમાં પેસતાં આવડ્યું.
ગાડી એ તો ચાલતું ઘર છે
અને ઘર છે ઊભેલી ગાડી.
બોલો, જવાબ દો, ગાડીમાં બેસવું એટલે શું?
જ્યાં સુધી ચાલે ત્યાં સુધી શાન્તિથી બેસી રહેવું
ઊભી રહે ત્યારે ભ્રાન્તિ છોડી ચાલવા માંડવું.
એમ જ ને?
પેલો પ્રશ્ન પૂછનાર નિરુત્તર રહ્યો.
હાથમાં લીધાં કલમને દોત.



આસ્વાદ: પ્રવાસ–કથા–સંવાદની ગતિશીલતા… – રાધેશ્યામ શર્મા

કૃતિના શીર્ષક – ‘નિરુત્તર’ – નું સાદ્યન્ત વહન અને સમાપન આ રૂપકસદૃશ પ્રવાસ–કથા–ઉપનિષદની વિશિષ્ટતા છે.

ગાડીમાં પ્રવાસ કરતા કાવ્યનાયકને કોઈકે વણનોંતરે પૂછ્યું, ‘ગાડીમાં બેસવું એટલે શું?’ ત્યાંથી રચનાનો પ્રારમ્ભ થયો અને અંતે પુછાયેલા પ્રશ્નો પછી ખુલાસો આવ્યો, ‘પેલો પ્રશ્ન પૂછનાર નિરુત્તર રહ્યો.’ ક્વાયટ–ઇઝિલી–ડન (Q.E.D.) આમ પ્રારમ્ભનો પ્રશ્ન, પછી અન્ય પ્રશ્ન અને છેવટે સચોટ સમાધાન સીધીસાદી બોલચાલની ભાષામાં અવતર્યું છે. કાંઈ કહેતાં કાંઈ સમજાવવું પડે એવું નથી.

પરંતુ આ વાત તો વસ્તુવિષયના સપાટી પરના પ્રથમ સ્તરની જ થઈ. આની નીચે એક અન્ય સ્તર છે જે આ પ્રવાસ–સંવાદ–કથાને, અભિધાથી ઉગારી પ્રતીકાત્મક રૂપક(allegory)નો પરિચય આપે છે.

વળી ચિંતન છે છતાં એનું વજન ભાવકના માથે મરાયું નથી એટલી સહજ એની ગતિ છે.

નાયકનો સહપ્રવાસી એવી રીતેભાતે પ્રશ્ન કરે છે કે નાયકે શરૂઆતમાં પ્રતિપ્રશ્ન છંછેડાઈને કરવો પડે છે, ‘કેમ, હું બરાબર બેઠેલો નથી?’ આગળ બીજી વાર છંછેડે છે, ‘પણ આમ અધ્ધર શ્વાસે કેમ બેઠા છો?’

રચનામાં સંબોધનચિર્નિ નથી એટલે સવાલના મિજાજ અને જવાબની ઝાપટ પરથી પરિસ્થિતિ–પાત્રનો અંદાજ આવી જાય.

સ્ટેશન આવશે ત્યારે ઊતરી તો જવાનું છે જ, પણ બેઠા છો ત્યાં સુધી અધ્ધર નહીં, હેઠા શ્વાસે બેસવાનો મુદ્દો ઊપસે છે.

એકનો આગ્રહ છે હેઠા યા અધ્ધર શ્વાસે બેસીએ પણ ગાડી કંઈ ઘર નથી એટલે ઊતરી તો જવું જ પડશે.

સહપ્રવાસીની દલીલ છે: જ્યાં સુધી ગાડીમાં છો ત્યાં સુધી ઘરમાં બેઠા છો ને ઘરમાં છો ત્યાં સુધી ગાડીમાં બેઠા છો.

કવિએ, ગાડીને ઘરની અને ઘરને ગાડીની સમ–તુલના, સૂચક–મૂલ્યની રીતે રજૂ કરી છે.

પણ નાયક તો પુનઃ સામો સવાલ ફેંકે છે, ‘એટલે તમે કહેવા શું માગો છો?’

જવાબ, કોઈ સામાન્ય સહપંથી ના આપે એવી કડકાઈથી પ્રક્ષેપાયો છે.

‘તમને નથી ગાડીમાં બેસતાં આવડ્યું.
કે નથી ઘરમાં પેસતાં આવડ્યું.
ગાડી તો ચાલતું ઘર છે.
અને ઘર છે ઊભેલી ગાડી.’

(જીવન) ગાડીને ઘરનું સ્થિરત્વ અને (સંસાર) ઘરને ગાડીની ચલત્વ ગતિ અર્પીને ઉભયના ગુણોની અદલાબદલી કરી છે.

ચિંતન–બોધ અહીં મુખ આગળ ધરી મુખરિત થયો નહિ ત્યાં કૃતિનો કેન્દ્રીય કીલ અનુભવાય. ફરી પ્રશ્ન ઘૂંટાયો છે છેડે; બોલો, જવાબ દો, ગાડીમાં બેસવું એટલે શું? હવે નાયકથી નથી રહેવાતું. એટલે જવાબ છે: ‘જ્યાં સુધી ચાલે ત્યાં સુધી શાન્તિથી બેસી રહેવું – ઊભી રહે ત્યારે ભ્રાન્તિ છોડી ચાલવા માંડ્યું. એમ જ – ને?’ જ્ઞાનીસદૃશ સહપ્રવાસીને જ જુનૂનથી, જે તીવ્રતાથી નાયકે પ્રતિશબ્દ દીધો કે ‘પેલો પ્રશ્ન પૂછનાર નિરુત્તર રહ્યો.’ પ્રશ્નોથી છેડવાની અને સ્પષ્ટતાથી છંછેડાવાનો સહપાંથી–નાયકના મિજાજનો સંવાદલય એ કૃતિનો આસ્વાદ્ય અંશ છે.

બ્રિટિશ લેખક સિબિલ બેડફોર્ડે યથાર્થ કહ્યું છે, પ્રવાસ સંદર્ભે:

A part, a large part of travelling is an engagement of the ego against the world. (‘Esquire’ 1964)

કવિશ્રી ધીરુ પરીખે ગાડીપ્રવાસ નિમિત્તે બે પાત્રોના અહમ્–પ્રવર્તનનું કાવ્યમાં સમુચિત ગુંફન કર્યું છે. (રચનાને રસ્તે)