અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/બકુલેશ દેસાઈ/અહીં છે
અહીં છે
બકુલેશ દેસાઈ
અહીં કાચ ને પથ્થરો પણ અહીં છે,
બરડ શ્વાસનાં ઝુમ્મરો પણ અહીં છે.
કડડભૂસ ગીતો તણા કાંગરા અહીં
બચેલો મધુર અંતરો પણ અહીં છે.
ટહુકવાને ઉત્કંઠ જો કે મયૂરો,
ચૂક્યા હોય એ અવસરો પણ અહીં છે.
ખબર પણ પડે ના અને ખોઈ બેસો,
પળો ચોરતા તસ્કરો પણ અહીં છે.
અહં ખારપાટી ભૂમિ છે, ‘બકુલેશ’,
કહો, સંસ્મરણનો ઝરો પણ અહીં છે.