અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/બેન્યાઝ ધ્રોલવી/જોઉં છું
જોઉં છું
બેન્યાઝ ધ્રોલવી
શબ્દની ડાળો નમેલી જોઉં છું,
દૂર ગઝલોની હવેલી જોઉં છું.
ગાલગાગા દુર્ગના પડઘા પડે,
છંદની ખંડેર ડેલી જોઉં છું.
કાફિયાનું એક મઘમઘતું ચમન,
હું રદીફોની ચમેલી જોઉં છું.
શેરનો દરિયો ભરી લે શ્વાસમાં,
નાવ મક્તાની ભરેલી જોઉં છું.
કાવ્યનાં ગૂંથાય સપનાં રાતભર,
ચંદ્રની ભાષા મઢેલી જોઉં છું.