અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભાનુપ્રસાદ પંડ્યા/આયખું
આયખું
ભાનુપ્રસાદ પંડ્યા
આયખું ના આજ અને કાલ, મારા બેલીડા,
આયખું તો અવસરની ડાળ!
કૂંપળની જેમ એને ફૂટે છે દિવસો,
ને મંજરીની જેમ રાત મ્હોરે;
જીવતાં હોઈએ ન જાણે જીવતર સુવાસનું,
મંન એમ હળવું થઈ ફોરે;
આયખું તો ફાગણનો ફાલ, મારા બેલીડા,
આયખું તો આંબાની ડાળ!
કાગળમાં મંડાતો આંકડો એ હોય નહિ,
આયખું તો ઘર ઘરની વાત;
વેળાના વાયરામાં રજોટાય નહિ એવી,
વિરલાં વરસોની રૂડી ભાત!
ડગલાંનો સરવાળો નહિ, મારા બેલીડા,
આયખું તો હરણાંની ફાળ.
(યાદગાર કવિતા : ૧૯૭૦, (સં.) પૃ. ૪૩)