અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મંગળ રાઠોડ/મારા ભાથામાં
મારા ભાથામાં
મંગળ રાઠોડ
મારા ભાથામાં
હજી ઘણાં તીર છે.
એકાદ તીર
તને પણ વીંધી નાંખશે
ક્યારેક
તું મારી રેંજમાં જ છે
મને કોઈ ઉતાવળ નથી.
ભસ, તારે જેટલું
ભસવું હોય તેટલું ભસ.
મારા ભાથામાં
હજી ઘણાં તીર છે.
આદિવાસીઓમાં
હું એકલવ્ય છું!
અને મેં હજી
મારો અંગૂઠો
કાપી આપ્યો નથી કોઈને.
મારા ભાથામાં
હજી ઘણાં તીર છે.
←