અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રમેશ પારેખ/મનજી ઓઘડદાસ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


મનજી ઓઘડદાસ

રમેશ પારેખ

મનજી ઓઘડદાસ રહેવાસી ગોધરા ઉંમર સાઠ (કે ઓગણસાઠ)ને ધંધો તરગાળાનો,
ત્યાં ઠોકેલી રાવટી આજે અહીં તો કાલે ક્યાંક ને મારગ તડકેછાંયે પગપાળાનો.

મનજીને (મા’દેવની) અફર માનતા છે કે ઘરવાળાંની કૂખમાં દીવો થાશે,
એટલે એણે ટેક લીધી કે અડવાણા ને અવળા પગે હાલતો કાશી જાશે.

ઘરવાળાંની કૂખને ઘણી ખમ્મા કહેવા ઊપડે અને લબડી પડે હોઠ,
કૂખદીવાને થાપવા કાજે પાથરેલા ને પાથરેલા રહી જાય ખાલી બાજોઠ.

લીલબાઝેલી આંખમાં હવડ જળ ને એમાં એક હજી ગંધાય છે ટાપુ પરવાળાનો.

કોઈ વેળા સગાળશા જેવા વેશમાં સગા દીકરાને પણ ખાંડતો સગા હાથે,
મનજી પોતે પણ ખંડાતો હોય ખંડાતો હોય ખંડાતો હોય છે સાથે સાથે.

ખેલમાં ઝાંખી પડતી કિસનલાઇટની સામે કોઈ રાતે તરવાર ખેંચેલો રાજા,
દિવસે જ્યારે મનજી વેશે હોય છે ત્યારે ગામનું નામ જ—કોઈ નથી દરવાજા.

આમ તો પોતે સાવ ખુલ્લોફટ્ટાસ ને ગામેગામ ઉઘાડેછોગે થતો વહેવાર તાળાનો.
૧૭-૯-’૭૭/શનિ