અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાજેન્દ્ર શુક્લ/અપને ધામ ચલો

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
અપને ધામ ચલો

રાજેન્દ્ર શુક્લ

અંદરથી ઊભરાવા દે,
બે કાંઠે છલકાવા દે,
પછી મને તું ખા.
કાયકા રૂપ ઔર કાયકા નામ,
ચલ ભંભોટિયા અપને ગામ.
ડૂબકી દઈને નહાવા દે,
ભીતરથી ભીંજાવા દે,
પછી મને તું ખા.
કાયકા રૂપ ઔર કાયકા નામ,
ચલ ભંભોટિયા અપને ગામ.
થાય બધું તે થાવા દે,
પૂરું કૈં પરખાવા દે,
પછી મને તું ખા.
કાયકા રૂપ ઔર કાયકા નામ,
ચલ ભંભોટિયા અપને ગામ.
ગુનગુન ગુનગુન ગાવા દે,
કાં મૂંગું કૈં મમળાવા દે.
પછી મને તું ખા!
કાયકા રૂપ ઔર કાયકા નામ,
ચલ ભંભોટિયા અપને ધામ.



આસ્વાદ: દબાણનો દબદબાપૂર્વક સ્વીકાર કરનાર કોલસો, હીરાને નામે ઓળખાય છે – ઉદયન ઠક્કર

મૂળ બંગાળની એક બાળવાર્તા, ગિજુભાઈ બધેકાને લીધે ગુજરાતીઓમાં બધે લોકપ્રિય થઈ હતી. એક ડોશી દીકરીને ઘેર જાવા નીકળી. રસ્તામાં મળ્યો વાઘ. બોલ્યો, ‘ડોશી, ડોશી, તને ખાઉં!’

ડોશી કહે, દીકરીને ઘેર જાવા દે શીરોપૂરી ખાવા દે તાજીમાજી થાવા દે પછી મને તું ખા.

વાઘને દયા આવી, ડોશીને જાવા દીધી. આગળ જતાં ડોશીને વરુ, ચિત્તો, દીપડો અને સિંહ પણ મળ્યાં. દરેકને આવો જ વાયદો આપી ડોશીએ છુટકારો મેળવ્યો. દીકરીને ઘેર પહોંચીને ડોશી દિવસે દિવસે દૂબળી પડવા માંડી. દીકરીએ કહ્યું માડી, ફિકર નહીં કર. દીકરીએ ડોશીને ભંભોટિયા (ધાતુના ઘડા)માં બેસાડી દીધી. ભંભોટિયાને ગબડાવતી ડોશી નીકળી. વાઘે પૂછ્યું, ‘ભંભોટિયા, ડોશીને દીઠી?’ માંહેથી ડોશી બોલી,

કિસકી ડોશી, કિસકા કામ? ચલ ભંભોટિયા અપને ગામ.

વાઘ પાછળ પાછળ ચાલ્યો. ડોશીએ વરુ, ચિત્તો, દીપડો, સિંહ સૌને આવા જવાબ આપ્યા. સૌ પાછળ પાછળ ચાલ્યા. જેવું ઘર આવ્યું કે ડોશી તો કૂદીને પેસી ગઈ અંદર. વાઘ, વરુ વગેરે મૃત્યુનાં પ્રતીક છે. દીર્ઘ પ્રવાસે નીકળેલા કવિને મૃત્યુ વારંવાર સામે મળે છે. ડોશીની જેમ કવિ પણ થોડો સમય માગી લે છે. ‘બે કાંઠે છલકાવા દે’ — વરસાદ પડે ત્યારે પૂર આવે. પરંતુ આ વરસાદ ઉપરથી નહીં, અંદરથી થવાનો છે. પોતે જીવનરસથી છલકાઈ જાય, ત્યાં સુધીની મહેતલ કવિ માગે છે. ‘ડૂબકી દઈને નહાવા દે.’ — ડૂબકી ગંગા કે ગોદાવરીમાં નહીં પણ તન-મનના સંગમતીર્થમાં દેવાની છે. ભીતરથી ભીંજાવાનું છે. ‘થાય બધું તે થાવા દે’ — કુંભાર ટપાકા મારીને ગાગરને ઘડે તેમ પરિસ્થિતિઓ પ્રહાર કરીને કવિને ઘડે છે. દબાણનો દબદબાપૂર્વક સ્વીકાર કરનારો કોલસો, હીરાને નામે ઓળખાય છે.

‘મૂળ મહીં તું જાવા દે’. — ધરતીમાં ધરબાયેલું બીજ પ્રકાશ અને પવનથી વંચિત થઈ ગૂંગળાય, છેવટે હર્યુંભર્યું હરખાય. ‘ગુનગુન ગુનગુન ગાવા દે, કાં મૂંગું કૈં મમળાવા દે.’ — કાં કલાકારની અભિવ્યક્તિ જોઈએ, કાં સાધકનું મૌન.

મૃત્યુ પાસે મુદત માગીને કવિ આગળ નીકળ્યા. બે કાંઠે છલકાયા પછી, ભીતરથી ભીંજાયા પછી, પૂરું પરખાયા પછી, હરુભરુ હરખાયા પછી અને ગુનગુન ગાયા પછી, તેમને જ્ઞાન થઈ ગયું કે નામ-રૂપ તો આજે છે અને કાલે નથી. આત્માના અવિનાશી ભંભોટિયામાં બેસીને, કાળની ઠેકડી ઉડાવતાં — ઉડાવતાં કવિ ચાલ્યા :

કાયકા રૂપ ઔર કાયકા નામ, ચલ ભંભોટિયા અપને ધામ.

અંતિમ પંક્તિમાં શબ્દફેરે ‘ગામ’નું ‘ધામ’ કરીને કવિએ પરમ ધામ ભણી સંકેત કર્યો છે.

ચાળીસ કિલો ઊંચકી શકતો માણસ ગરગડીઓ વાપરે તો ચારસો કિલો ઊંચકી શકે. લોકવાર્તા કે પુરાકથન (ફોકટેલ કે મિથ)નો ઉપયોગ કરનારો કવિ વિશેષ અર્થવહન કરી શકે. તેનું ઓછું લખેલું ભાવક ઝાઝું કરીને વાંચે. (‘હસ્તધૂનન’)