અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાવજી પટેલ/મિસ જૂલિયટીનું પ્રણયગીત

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


મિસ જૂલિયટીનું પ્રણયગીત

રાવજી પટેલ

(હો રાજ રે હું તો તળાવપાણી ગૈ’તી — એ ઢાળમાં ગાવા માટે)

મારા રળજી રે અમોને કૂવે પાણી મોકલ્યાં,
અમારે ન’તું જવું ને તોય તમે ધક્કેલ્યાં!
કાજળકૂણા કાંટા વાગ્યા…

મારા રળજી રે અમારી પરવાળાની પાની,
દેડકો જોઈ ગયો ઉઘાડી — તીતીઘોડે પાડી તાલી,
કાળજકૂણા કાંટા વાગ્યા…

મારા રળજી રે કાંટા છાનામાના વાગ્યા
નબળા મેળ વગરના પાક્યા —
કાળજકૂણા કાંટા વાગ્યા…

મારા રળજી રે તમે જૈ રશિયે તાર કરાવો (કે)
ઝટઝટ ચાંદલિયો મંગાવો, મારી પાનડિયો ઢંકાવો,
કાળજ કાંટા અમને વાગ્યા…

મારા રળજી રે તમારો હોઠ તણો શો હધડો,
પોપટ-પેટ કપાવી લાવો — નાજુક પાની પર બંધાવો,
કાળજકૂણા કાંટા વાગ્યા…

મારા રળજી રે વચમાં મંદિરના શ્રીજીએ
મારી પાનીને પંપાળી — ઓય મા પાંપણથી પંપાળી
કાળજકાંટા અમને વાગ્યા…

મારા રળજી રે અમારે ન’તું જવું ને તોયે તમે ધક્કેલ્યાં
કૂવે પાણી ભરવા ઠેલ્યાં — અમને કાળજકાંટા વાગ્યા.
(અંગત, પૃ. ૪૯)