અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સિતાંશુ યશશ્ચંદ્ર/જન્મીલું મરણ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


જન્મીલું મરણ

સિતાંશુ યશશ્ચંદ્ર

આ પૂનમ કેરો ચાંદ ઊગ્યો ને તળેટીઓને લાગ્યો એવો ભય હે રે
કે થીજેલી ભરતી જેવાં આ શિખરોનો સળવળશે કે શું લય હે રે.

થિર માનીને અમે ટોચ પર પ્રભુનાં મંદિર ચણ્યાં હતાં રે
નદીઓના આ છેડાને તો અડગ પ્હાણના ગણ્યા હતા રે
હવે જોયું ને થાય
થાય કે હેલારે ઊંચકાયેલાં છલક્યાં જ જાણજો પય હે રે.

મોજાં જેવા પહાડમાંથી પહાડ જેવાં મોજાં જો પ્રગટી પડશે તો?
તૂટે કળશ કમાડ ને ગર્ભાગાર છેક આને જડશે તો?
અધ્ધર અટકી રહેલા ધસમસ આકારોનો બદલાશે નિશ્ચય હે રે.

પછી ઘૂઘવ્યા પહાડ-સાગર, ડૂબ્યાં કૂપ તળાવ નદી હો,
ડૂબ્યો દરિયો ડૂબી ધરતી ડૂબી વીસેવીસ સદી હો,
પીતપર્ણ શો ખર્યો ચંદ્ર
રે
પીતપર્ણ શો ખર્યો ચંદ્ર
આ પીતપર્ણ પર પોઢેલા એ, સાંભળજો, નવજાત શિશુનો
સ્મિતકલરવ અક્ષય હે રે.’
(ઓડિસ્યુસનું હલેસું, પૃ. ૩૭)