અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સિતાંશુ યશશ્ચંદ્ર/દૂધ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


દૂધ

સિતાંશુ યશશ્ચંદ્ર

ચઈ બચરીનું પીવે દૂધ, ગોંધીડો?
ચયો નેસડો જીતસે જૂધ? – કનો ગોંધીડો?
ઃ એન્યે બધ્ધાથી બમણી બૂધ. મારો વાલો ગોંધીડો!

બઉ બઉ નસલનોં બચરોં છે
તે ચલણવલણમોં ફેર.
સપલાયનો કંત્રાત મલે
એ ખોયડાને લીલાલેર!
ગોંધી જે પીવે તે દૂધની
બરાંડ બજારમોં ચાલે.
પણ પેલો તો પરખંદો છે
તે કોઈને કોઠું ન આલે.
જાંણે સહુની ઊછળ-કૂદ, ગોંધીડો
ચઈ બચરીનું પીવે દૂધ, ગોંધીડો?

બે પૂળા પાલા પાઢે બેં-બેં કરતી? — ના ચાલે.
(ને) આ તો, એલા, વળતી મોદીખાનેયે મોં ઘાલે!
વળી ખાટકીને ઘર-ઓંગણ બોંધેલી આ ખેરી
માલ-મલીદા ખાતી, માતેલી થાતી, ઓત્તેરી!
ચ્યોંથી આને ચાલે આવી-આવી? તમો જ કો’ને,
બોંધી દીધી ગોંધી રોડે સરકારોએ છો ને.
એ તો આ સઉનીય વીરૂધ – ગોંધીડો.
ચઈ બચરીનું પીવે દૂધ, ગોંધીડો?

ઘણો ઘશાયો શેવામોં, થઈ શકલ સળેખોં જેવી,
તો વૈદ કહેઃ ‘યે તીન ગોળીયોં દૂધ શાથમોં લેવી.’
તૈણ તૈણ ગોળીયો ગળવા જોગુ દૂધ જોઈએને પાછુ?
તે, એ જ વચારે એને હશવુ આયુ આછુ આછુ.
ઘણો ચતુર ને છેક અબૂધ, ગોંધીડો.
ચઈ બચરીનું પીવે દૂધ, ગોંધીડો?

ગોતતો ગોતતો ગોંધી હીંડ્યો આરપાર અંદાવાદ,
આગળ ગોંધીનગર નોમનું વન આયુ; બઉ ગાઢ,
ગોંડા બાવળ, ખવીસ ખીજડા, ભતપીપળા ઘણોં
ઝાડી-ઝાંખર અડાબીડ, ના કાંટ-કોહરની મણોં.
એવામોં એન્યે સંભળાયું એક થાચ્યુ-પાચ્યુ બેં-બેં,
ભેળો ભૂખ્યો ઘુર્રકાટ, – કાચોપોચો તો ફેં-ફેં!

(પણ) આ તો માણસ મરદ, તે મક્કમ પગલે ચાલ્યો ત્યોં,
ઘટાદાર એક ઝાડ તળે બચરી બોંધેલી જ્યોં.
બચરું શ્યેનું? એનું નોંમ હવે તો એક જઃ માંરણ.
શોમી ઝાડી માંહ્ય ઘૂરકતો વાઘ. ન એનું વારણ.
પેલી કૂદે, કકળે, મૂતરી પડે – બધુંયે ફોગટ.
ભચભચ આને ખાવાનો, આને પીવાનો એ ગટગટ.
ખોઈ બેઠી’તી એ શૂધબૂધ; જુએ ગોંધીડો.
(અવઅ) ચઈ બચરીનું પીવે દૂધ, આ ગોંધીડો?
(પણ આ) આખો ખેલ ચ્યોં અતો આવડો જ? – એને કળતોં ન લાજી વાર
શિકાર કરનારાનો વળતો ગોઠવાયો છઅ શિકાર!
શિકાર-મારણ મારણ-શિકાર શિકાર-મારણ મારણાં
– લાવ, કરી નાંખું હું લોંબી લાંઘણ, ન જેનાં પારણાં.
પછી થયું કે ના ભાઈ, પાછી કરવાની ને પેલી – शेबा?
એમોં ને એમોં એણે જીવશટોશટ જોખમ ખેડ્યોં ચેવોં-ચેવોં?
એણે તો ચશ્મોં ચડાયોં, તે ઝાડની ઘટાઓમાોં શંતાયલો
વરતી લીધો તરત મોંચડો, શિકારનો, ઊંચો બંધાયલો.
મોંચડે બેઠા છે મા’રાજા, ને ભેળા વાઇશર-ગવંડર,
એમ્પી-બેમ્પી, શીયેમ-પીયેમ, વર્લ-બૅન્ક તવંગર
શંધુ શમજ્યો – શમજ્યા પાળે અટકે તો ગોંધી શેનો?
તરત જ લોંબી ડાંફે હેંડ્યો – અવઅ કોય રોકણહાર ન એનો.

ઝાડ હતું, દુખડોંનું ઘેઘૂર; ઊભો આ ત્યોં જઈને
(ને) બોંધેલાને બુચકાર્યું, આ બોલાયું, આ ભાળ્યું ઓંખ ભરીને,
(ને) આ હળવે પંપાર્યું, લે આ તો ગારિયો છોડી નોંછ્યો,
આ ઊંચક્યું, આ હીંડ્યો આ તો – કોઈ હૈ? ઈશ્યે રાછ્યો-રાછ્યો!
વાઘ ને વાઇશરૉય શરખેશરખા હોંફળા-ફોંફળા થયોં
– એલા શિયાળ-લોંકડી, શીપાઈ-શપરાં, ગોલીનોં ચ્યોં ગયોં?
(તે અમારે) લોઈ છાંડી પીવાનું દૂધ? – મરે ગોંધીડો.
ચઈ બચરીનું પીવે દૂધ – આ ગોંધીડો?
(પરબ, માર્ચ)