અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સિતાંશુ યશશ્ચંદ્ર/વખાર : ૮. ઉકેલ
સિતાંશુ યશશ્ચંદ્ર
આવો આવો સાયેબ પધારો નાંમદાર, આપ આમ ક્યોંથી અમારે ત્યોં?
ફરિયા, નાંમદાર? અમારા વસ્તીવારાઓની હાંમે? વખારવારાની? ફોજદારી?
હોય એ તો સાયેબ, ફરિયાદો તો હોય, દીવાની ને ડાહી, એમોં આપે દોડવાનું?
આપ કચેરીએ બેસી ફરિયાદો સોંભળવા જોગ છો, અમે બધા
કચેરીએ આવી ફરિયાદકરવા જોગ છીએ. સઉયે. વસવાટવારા ને વખારવારાયે.
આપે. નાંમદાર, સોંભળી લેવાની, બઉ બઉ તો બંગલે બોલાવીને.
ના ના, નાંમદાર, અમે કરીએ ગુનો? ને તેયે પાસામોં આવે એવો? અમે તો, સાયેબ, આપ ગણતરી મોંડો તો આખી વસતીના હજારેક કુટંબ, પોંચ-છ હજાર જણ, એકેકુ બબેવાર વોટ આલે તો દસ-બારે ઓંકડો પોંચે, પોંચ સાલમાં એક વાર, ને હવે તો દૈ જાણ બે વાર. તૈણ વારે પેલું થાય, તો, નાંમદાર, ઓંકડો છત્રી હજારે પોંચે.
હવે આપ જ કો, જાણતલ છો, છત્રી હજાર તે કંઈ ગુનો કરે?
ના કરેને, નાંમદાર? વાહ, આપ છો જ સાગરપેટા ને સમજુ,
અમે તો તમારાં છોરુ, માઈબાપ; આપ કંઈ કમાવતર થાવ, ઓણ સાલ? ને વખારનું તો આખું કોકડું જ ઊકલી ગયું, સાયેબ. ખોલી નાંખી, અમીં તો.
અડધીક વસ્તી જ અમારી વખાર ખોલીને ત્યોં રે’વા ચાલી ગઈ. નાંમદાર. આમે અમારા રે’ણાક વસ્તારમાં ભીડ બહુ થઈ જઈ’તી, હવડોંની.
ચીજવસ્તુઓ, નામદાર? સેની ચીજવસ્તુઓ?
ચીજોમાં ને વસ્તુઓમાં, સાયેબ, થોડીક તો એક્ષપોટ કરી નાખી, પસંદગીની,
બીજી થોડીક, મીં કયું’તું તુંને, એમ ડિછપોજ કરી નાખી. ને નાંમદાર,
સુ કઉં આપને,
બાકીની બધીય ચીજો ને વસતુઓ, નાંમદાર,
અમે વસતીવારા જ બધા,
બધી કંઈ ને કંઈ રીતે, દા’ડાજોગી થોડીક દા’ડે
તે રાતે થોડીક રાતજોગી, થોડીક ઘૈડાં
તો થોડીક છોરાં, થોડીક બૈરાં
ને બાકીની અમો ભાયડાભાયડા, નાંમદાર,
એ ય ને લે’રથી વાપરીયે છીયે, સાયેબ, વસતુઓ ને ચીજો, વખારવારી.
ચીજોયે કેટલીક ઊંચા માયલી હતી, વખારમાં, સરકાર; સડેલી
ને ગંધાતી યે નો’તી એવુ નંઈ, તેવી-તેવડી નોંખી દીધી ખાડા-ખાબડા પુરાણ ખાતે,
બાકીની વપરાસ ખાતે લઈ લીધી, મે’રબાન.
પેલા નોનકાને કોડે ઘડિયાળ જોઈ, સાયેબ?
એલા ટેમ કે’ તો તારો, સરકારને.
સાયેબ, ઘડિયાળમલી તો ટેમ જોતાંય સીખી જ્યો છે સાલો ટેણી,
કાઢેલું છે, હોં સાયેબ. — સોભે છે ને વાલામૂઅને નાકે-કાને,
નાંમદાર? આસરવાદ આલો, લાય’લા, પેલી એક્ષપોટવારી અગરની
ફુસફુસ લાય, કાચની, ને સાયેબને લગાય. લગાવો લગાવો, મારા
સાયેબ, બગલમાં યે મઘમઘાટ. નકર કેવી ગંધાતી’તી પે’લાં,
આની આ જ વખાર, વગરવાપર્યીં.
ના, નાંમદાર, બીજી કોય રાવફરિયાદ નથી, હાલ તો.
આપ હવે પધારવું હોય તો પધારો.
વખારનો કોયડો તો જુઓને આ વસતીએ જ ઉકેલી નાખ્યો, નાંમદાર.
(ઑક્ટોબર, ૨૦૦૩)