અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સુધીર પટેલ/કંકુવરણા
કંકુવરણા
સુધીર પટેલ
તમને લાગે છે મારા શબ્દો કંકુવરણા!
વાસ્તવમાં એ છે મારા જખ્મો કંકુવરણા!
એના પર ચાલી ચાલી ચરણો કંકુવરણાં!
અમને આપ્યાં છે એણે પંથો કંકુવરણા!
મિલન હોય મજાનું એ તો સૌ જાણે છે પણ
ભૂલાશે નહિ વિરહનાં વર્ષો કંકુવરણાં!
ફૂલગુલાબી સ્વપ્ન ગમે છે જોવાં અમને, પણ
સામે મળતાં જ રહે છે તથ્યો કંકુવરણાં!
રક્ત રહે છે એથી કાયમ લાલ લાલ ‘સુધીર’,
જોવા મળતાં રોજ રોજ દૃશ્યો કંકુવરણાં!
(જળ પર લકીર)