અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હરીશ મંગલમ્/કૅન્સર

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


કૅન્સર

હરીશ મંગલમ્

સુખની લાગણીઓ
દુઃસ્વપ્નની જેમ ટાંપી બેઠી છે
અનંતકાળથી
ને, ના-જોવાનું જોઈ રહ્યો છું
વિસ્ફારિત — લાલચોળ — સૂકીભઠ્ઠ આંખોથી —
વૃક્ષની પીઠે વિસ્તરતી જતી કૅન્સર ગાંઠ,
એમાંથી સતત દદડ્યા કરતું પીળું-ઘટ્ટ પરુ...
કે’ છે —
કૅન્સર જીવલેણ રોગ છે
જે ધીરે ધીરે
ઉકરડામાં ખદબદતા કીડાઓની જેમ ફોલી ખાશે આ
મૂલ્યોને.
સાચ્ચે જ!
મને પણ હળુ હળુ પરચો થ્યો’તો આ કૅન્સરનો
પ્રથમાચાર્ય બાલકદેવ ગોકળદાસ
અને, સાચા ધર્મી ‘હોવાના’ દેખાવ પૂરતી
ટેબલ પર મૂકેલી ગીતા.
પછી, નાકનાં ટેરવાં સુધી ઉતારેલ ચશ્માંમાંથી કરડી નજરે
જોઈ
છૂટી ફટકારી’તી નેતરની સોટી (અભડાઈ જવાની બીકે!)
જે સોંસરવી વાગી’તી મારા અસ્પૃશ્ય કાળજે.
એ ઘા થકી
અસ્પૃશ્ય સોજો એવો ને એવો અકબંધ છે મારા કાળજે
બા.ગો.ની નેમ પ્લેટ સાથે!
કદાચ
કાળ હશે એ પળ — મારા જન્મટાણે?
રોગ હશે એ પળ — મારા શાળાપ્રવેશે?
ઉદ્વેગ હશે એ પળ — મારા સમાજને કપાળે??
અકળ મૂંઝવણમાં અટવાઈ ગયો છું વર્ષોથી
હવે, બા.ગો. નથી
પણ અગણ્ય જંતુઓ ભમે છે કૅન્સરનાં બા.ગો.ના
વારસામાં
સાચ્ચે જ!
કૅન્સર જીવલેણ રોગ છે
ને, એની કોઈ દવા નથી.
પાછી એ જ નેતરની સોટી, બા.ગો., અસ્પૃશ્ય સોજો...
હવે, એક પછી એક પાંદડાંનું ખરવું...
ને,
વૃક્ષ હાંફતું જ જાય છે,
પવનના ઝપાટે તડ્ તડ્ કરતીક ડાળીઓ તૂટે છે...
એકાએક આકાશમાં
સંધ્યાનો લાલચોળ રંગ
મારી આંખોમાં ક્યાંથી ઊતરે છે ધીમે ધીમે
અંધકારના ઓળા લઈ?