અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/‘ધૂની’ માંડલિયા/દરિયો નીકળ્યો
દરિયો નીકળ્યો
‘ધૂની’ માંડલિયા
માછલી સાથે જ દરિયો નીકળ્યો,
લ્યો ઋણાનુબંધ પાછો નીકળ્યો.
હું જ મારા ભારથી થાકી ગયો,
હું હતો એ ‘હું’ જ ખોટો નીકળ્યો.
ચાંદની સમજી અમે મુઠ્ઠી ભરી,
મૂઠ ખોલી ત્યાં જ તડકો નીકળ્યો.
સાંજ પડતાંયે ફર્યું ના એટલે
શોધવા પંખીને માળો નીકળ્યો.
આશરો કેવળ નદીને જે હતો,
એક સાગર એય ખારો નીકળ્યો.
આગિયાઓ ઊજળા છે કે પછી —
વેશ બદલી સૂર્ય ઊડતો નીકળ્યો?
થોભવાનો થાક વસમો હોય છે,
માર્ગ સમજ્યો એ ઉતારો નીકળ્યો.
(માછલી સાથે જ દરિયો નીકળ્યો, ૧૯૮૨, પૃ. ૧)