અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ ‘નાઝિર’ દેખૈયા/તો સારું

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
તો સારું

‘નાઝિર’ દેખૈયા

પ્રભુના શીશ પર મારું સદન થઈ જાય તો સારું;
ભલે ગંગા સમુંય મુજ પતન થઈ જાય તો સારું.

નહીં તો દિલ બળેલાં ક્યાંક બાળી દે નહીં જગને;
પતંગા ને શમા કેરું મિલન થઈ જાય તો સારું.

એ અધવચથી જ મારાં દ્વાર પર પાછાં ફરી આવે;
જો એવા માર્ગમાં કંઈ અપશુકન થઈ જાય તો સારું.

નહીં તો આ મિલનની પળ મને પાગલ કરી દેશે;
હૃદય ઉછાંછળું છે, જો સહન થઈ જાય તો સારું.

કળીને શું ખબર હોયે ખિઝાં શું ને બહારો શું;
અનુભવ કાજ વિકસીને સુમન થઈ જાય તો સારું.

જીવનભર સાથ દેનારા! છે ઇચ્છા આખરી મારી;
દફન તારે જ હાથે તન-બદન થઈ જાય તો સારું.

વગર મોતે મરી જાશે આ ‘નાઝિર’ હર્ષનો માર્યો;
ખુશી કેરુંય જો થોડું રુદન થઈ જાય તો સારું.

(નાઝિરની ગઝલો, ૧૯૮૮, પૃ. ૨)