આચમની/૩૭

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૩૭

ભારતમાં મહારુદ્રનો ભીષણ પડછાયો પથરાઈ રહ્યો છે. ક્યારે તેનું વિનાશક તાંડવનૃત્ય શરૂ થાય તે કહેવાય નહીં. આ રુદ્રનું સ્વરૂ૫ શું છે? તે કેવી રીતે ઉત્પન્ન થાય છે? મહાભારતના શાંતિપર્વના ૭૪મા અધ્યાયમાં તેનું વર્ણન મળે છે. આજના સમયને પણ તે બરાબર લાગુ પડે છે. ઐલ અને કશ્યપના સંવાદ રૂપે આ કથા કહેવામાં આવી છે. ઐલ પૂછે છેઃ ‘મહાજ્ઞાની કશ્યપ, જેના દ્વારા જગતમાં લોકોની પરસ્પર હત્યા થાય છે તે રુદ્રનું સ્વરૂપ શું છે? તે રુદ્ર કેવી રીતે ઉત્પન્ન થાય છે?’ જવાબમાં કશ્યપ કહે છે : ‘મનુષ્યના હૃદયમાં જ રુદ્ર રહે છે અને સમય સમય પર કામ-ક્રોધની જ્વાળાઓ રૂપે એકબીજાની હત્યા કરે છે. રૂદ્રનું સ્વરૂ૫ પ્રચંડ વાયુના જેવું છે. એ સર્વનાશ કરે છે.’ ઐલ ફરી પૂછે છે : ‘આ પ્રચંડ રુદ્ર તો પાપી અને પુણ્યકર્તા, સજ્જન અને દુર્જન – બંનેનો નાશ કરે છે, તો પછી મનુષ્યે પુણ્યકર્મો શા માટે કરવાં જોઈએ?’ આપણા સહુના મનમાં ઊગતી આ શંકાનું સમાધાન કરતાં કશ્યપ કહે છે : ‘પુણ્યકર્તાનો વિનાશ પાપીઓ સાથે સંબંધ રાખવાથી થાય છે. જેવી રીતે સૂકાં લાકડાંની સાથે લીલું લાકડું પણ બળી જાય છે તેમ દુરાચારીઓનો સંસર્ગ રાખવાથી સદાચારી બળી મરે છે.’ દુરાચારનો સામનો કરવો તો બાજુએ રહ્યો પણ તેમાં અસંમતિ પ્રગટ ન કરવી, એ પણ મહાભારતની દૃષ્ટિએ દુરાચાર છે. સમાજમાં આવી પ્રતિકાર-શક્તિ ઘટી જાય છે ત્યારે ‘મિશ્રભાવ’ ઉત્પન્ન થાય છે. તે કહે છે :

ન મિશ્ર: સ્યાત પાપકૃદૂભિ: કથંચિત્
પાપાચારીઓ સાથે ક્યારેય પણ ભળવું નહીં.

મહારુદ્રના કોપમાંથી બચવાનો એક માર્ગ છે : અસત્યનું આચરણ તો નહીં જ પણ એને સાથ કે મૂક સંમતિયે નહીં ને નહીં જ.

***