આચમની/૩૬

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૩૬

ચીનમાં આવેલું ઝેચુઆન શહેર. તેની નદીને કિનારે છોકરીઓ કપડાં ધૂએ. ત્યાં એક જણ ખબર લાવ્યો કે ગામમાં એક વિચિત્ર સાધુ આવ્યો છે. જુંગ ચીંગ નામની છોકરી સિવાય બીજી બધી છોકરીઓ ઝટપટ લૂગડાં ધોવાનું પતાવી સાધુને જોવા દોડી. પણ ત્યાં તો સાધુ જ સામેથી ચાલતો આવતો દેખાયો. તેને જોઈ છોકરીઓ તો થંભી જ ગઈ. મેલોદાટ ઝબ્બો પહેરેલો, મોઢા પર કરચલીઓ, ડગુમગુ માંડ ચાલે અને શરીરમાંથી ન સહેવાય તેવી દુર્ગંધ છૂટે. સાધુ તો આવ્યો નદી કિનારે. છોકરીઓ દૂરથી જોઈ રહી. સાધુએ ખોબો ભરી પાણી પીધું અને છોકરીઓ પાસે ખાવાનું માગ્યું. પણ જુંગ ચીંગ સિવાય કોઈએ તેનું સાંભળ્યું નહીં. જુંગ ચીંગ સાધુનો હાથ પકડીને તેને પોતાને ઘેર લઈ ગઈ. તેની બહેનપણીઓ ના પાડતી રહી પણ તેણે સાધુને ઘેર લાવી જમાડ્યો અને ચોખ્ખી પથારી કરી આપી સુવડાવ્યો. બીજે દિવસે જુંગ ચીંગ કપડાં ધોવા નદીએ જવા લાગી ત્યારે તેણે જોયું કે સાધુનો ઓછાડ લોહીના ડાઘથી ખરડાયેલો હતો. તેણે ઓછાડ ધોવા લીધો. સાધુ કહે, ‘મારો ઝબ્બો ધોઈ આપીશ?’ જુંગ ચીંગે ગંધાતો ઝબ્બો પણ ધોવા લીધો અને નદી પર ચાલી. તેની બહેનપણીઓ તો ક્યાંય આઘે ઊભી રહી. જુંગ ચીંગ અને ફાટેલી ચાદર ઓઢેલો સાધુ સાથે જ ચાલતાં હતાં. જુંગ ચીંગે ઝબ્બો પાણીમાં પલાળ્યો ત્યાં તો એ ઉજળોબાણ થઈ ગયો. છોકરીઓ આશ્ચર્યથી અવાક બની જોઈ રહી. જુગ ચીંગે ઝબ્બાને હાથથી મસળ્યો ત્યાં એમાંથી કમળ ખર્યા. જુગ ચીંગ જેમ જેમ મસળે તેમ તેમ કમળ ખરતાં જાય. તેની સુગંધથી નદી કિનારો મહેકી ઊઠ્યો. કમળ વહેતાં વહેતાં નીચાણે આવેલા પાઈ હુઆ તળાવમાં પહોંચી ત્યાં તરવા લાગ્યાં. એક છોકરી બોલી ઊઠી : ‘આ તો અમૂલ્ય ચમત્કારિક ઝબ્બો છે’ અને તે એ લેવા ગઈ પણ ત્યાં તો ઝબ્બો ઊડીને સાધુના પગ પાસે પડ્યો. સાધુએ ઝબ્બો લઈ લીધો. તેના મોઢા પરની કરચલીઓ દૂર થઈ ગઈ. અંગ પરના ઘાવ રુઝાઈ ગયા અને સુવર્ણ પ્રકાશથી તે ઝળહળી ઊઠ્યો. જુંગ ચીંગને આશીર્વાદ આપી તે આકાશમાર્ગે ઊડી ગયો. આજે પણ એ નદી ‘મેલ ધોતી નદી’ તરીકે ઓળખાય છે. પાઈ હુઆ તળાવ કમળથી ઊભરાય છે. અને જુંગ ચીંગની સ્મૃતિમાં દર વર્ષે ત્યાં મેળો ભરાય છે.

[ચીની લોકકથા]

***