આત્માની માતૃભાષા/11

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


આશાવાદની અભિનવ અભિવ્યક્તિ

નીતિન વડગામા

બીડમાં સાંજવેળા

વિશાળ સહરા સમું નભ પડ્યું વડું વિસ્તરી,
કહીંય રણદ્વીપશી નજર ના'વતી વાદળી.
ડૂબ્યો સૂરજ શાંત, ગોરજ શમી, અને રંગ સૌ
ઘડી અધઘડી સ્ફુરી અવનિ-ઓઢણે, આથમ્યા.
સર્યું ક્ષિતિજઘેન, લોચનની રક્તિમા નીતરી.
બીડેલ જડબાં ખૂલે જરી ન પૂર્વપશ્ચિમ તણાં.
જરી થથરી કંપતાં, પણ ન આંખકીકી હસે.

હવે નભનું શું થશે? પ્રબળકંધ ડુંગર, ગિરિ,
વનસ્પતિ વિશાળ ગુંબજ ઉપાડનારાં અહીં
નથી! રવિવિયોગમાં ત્રુટી જશે? તૃણો માત્ર હ્યાં!
ડરું ગભરુ માનવી — અયુતવર્ષ કેડેય જે
ન આદિનરભિન્ન — વામન કરો કરું ના ઊંચા,
તહીં, થરથરી, ટટાર થઈ, ડોક ઊંચી કરી
તૃણો ટચલી આંગળી ઉપર તોળતાં આભને!
બામણા, ૩૦-૧-૧૯૩૩

ઉમાશંકર જોશી એમનાં અનેક કાવ્યોમાં કોઈ પદાર્થને અનુલક્ષીને કે પ્રકૃતિના કોઈ તત્ત્વને નિમિત્તે કશાક વિચારવિશેષને વ્યક્ત કરવાનું વલણ દાખવે છે. ‘બીડમાં સાંજવેળા’ સૉનેટમાં પણ એ કવિવલણ જોઈ શકાય છે. કવિની બાવીસેક વર્ષની યુવાવયે (ઈ. સ. ૧૯૩૩) રચાયેલું આ વિશિષ્ટ સૉનેટ પ્રકૃતિની પશ્ચાદ્ભૂમાં વિચારપ્રેરક ભાવને અભિવ્યક્ત કરે છે. એમ કહીએ કે, પ્રકૃતિને નિમિત્ત બનાવીને કવિ અહીં વિચારલક્ષી ભાવ-સંવેદનને આસ્વાદ્ય શબ્દરૂપ બક્ષે છે. સાંજવેળાએ નોધારા બની જતા નભની કરુણગર્ભ કલ્પનાના પ્રવાહમાં આ સૉનેટ આગળ વધે છે અને અંતે એને સાંપડતા તૃણના ટેકામાંથી પ્રગટતા કવિના આશાવાદી અભિગમ સાથે, સૉનેટનું સમાપન થાય છે. મતબલ કે, વ્યોમની વ્યથા-કથાથી આરંભાતું સૉનેટ અંતે જતાં વ્યોમ જેવા જ વ્યાપક અને ગહન વિચારનો ઉપહાર આપી જાય છે. સાંજના સમયે ઘાસના મેદાન પર તોળાતા નિરાધાર એવા નભના ચિત્રાત્મક વર્ણનથી સૉનેટનો આમ, ઉઘાડ થાય છે — 

વિશાળ સહરા સમું નભ પડ્યું વડું વિસ્તરી,
કહીંય રણદ્વીપ-શી નજર ના'વતી વાદળી.
ડૂબ્યો સૂરજ શાંત, ગોરજ શમી, અને રંગ સૌ
ઘડી અધઘડી સ્ફુરી અવનિ-ઓઢણે, આથમ્યા.

સાંધ્ય સમયે આભ કેવું દીસે છે? વિશાળ સહરા સમા આભનો પહોળો પટ વિસ્તર્યો છે અને એમાં રણદ્વીપ-શી એકાદ વાદળી પણ નજરે ચડતી નથી! વાદળીવિહોણું એ અફાટ આભ જાણે વધુ એકાકી ભાસે છે! પશ્ચિમની ક્ષિતિજે સૂરજ ડૂબી ગયો છે અને ચંદ્ર કે તારકો હજુ ઊગ્યા નથી. આભના મનોહારી રંગો પણ ઊગીને આથમી ચૂક્યા છે. સમગ્ર પરિવેશમાં શાંતિ વ્યાપી વળી છે, બલ્કે શૂન્યતા ફેલાઈ ગઈ છે. સ્થગિત થઈ ગયેલી પૂર્વ અને પશ્ચિમની દિશાઓમાં કશો જ સંચાર અનુભવાતો નથી, એ વેળાની આભની દયનીય દશાને કવિ આ રીતે આલેખે છે — 

સર્યું ક્ષિતિજઘેન, લોચનની રક્તિમા નીતરી.
બીડેલ જડબાં ખૂલે જરી ન પૂર્વપશ્ચિમ તણાં.
જરી થથરી કંપતાં, પણ ન આંખકીકી હસે.

આભનો આધાર કદાચ ઊંચા ડુંગર કે ગિરિશૃંગો બની શકે કે પછી વૃક્ષો અને વનસ્પતિ પણ કદાચ આભને ચપટીક અવલંબન પૂરું પાડી શકે. પરંતુ અહીં તો, ધીમેધીમે એ બધું પણ અંધકારમાં ઓગળતું જાય છે ત્યારે, આભને માટે હવે કશું જ આશ્વાસન રહ્યું નથી. આ સ્થિતિમાં, ‘હવે નભનું શું થશે?’ અને ‘રવિવિયોગમાં ત્રુટી જશે?’ જેવા કવિસહજ સવાલો ઊઠે છે — 

હવે નભનું શું થશે? પ્રબળકંધ ડુંગર, ગિરિ,
વનસ્પતિ વિશાળ ગુંબજ ઉપાડનારાં અહીં
નથી! રવિવિયોગમાં ત્રુટી જશે? તૃણો માત્ર હ્યાં!

નભને નસીબે એક બાજુ નથી વાદળીનું વહાલ, તો બીજી બાજુ રવિએ પણ વિદાય લઈ લીધી છે! અને એટલે નિરાધાર થઈ ગયેલું નભ તૂટી તો નહિ પડે ને, એવો સવાલ થવો સ્વાભાવિક છે. અલબત્ત, ત્યાં માનવી છે પરંતુ નભની નિરાધારતા નિવારવા માટે માનવી પણ અસમર્થ છે! વર્ષોથી, બલ્કે યુગોથી ભીરુતા ત્યજી નહિ શકેલો માનવી કશી જ સહાય નથી કરી શકતો એ કેવી કમનસીબી છે! — 

ડરું ગભરુ માનવી — અયુતવર્ષ કેડેય જે
ન આદિનરભિન્ન — વામન કરો કરું ના ઊંચા,

જીવંત વ્યક્તિ પણ આમ, એના વામન કર ઊંચા નથી કરી શકતી અને પોતાની પંગુતા સ્વીકારી લે છે! પ્રકૃતિ માનવીને જીવનનું રસાયણ પૂરું પાડે છે પરંતુ એ જ માનવી પ્રકૃતિ પાસે કેવો પાંગળો પુરવાર થાય છે? પંચતત્ત્વને ટેકે ઊભેલો માણસ એના જ પ્રાણપ્રદ તત્ત્વને ટેકો નથી આપી શકતો એ કેવી વિડંબના છે? સૉનેટને અંતે કવિ ઉમાશંકર જોશી તૃણને વિચારાભિવ્યક્તિનું માધ્યમ બનાવે છે અને કવિના ગહન દર્શનને પરિણામે આવી ઉદાત્ત પંક્તિ પ્રગટે છે — 

તહીં, થરથરી, ટટાર થઈ, ડોક ઊંચી કરી
તૃણો ટચલી આંગળી ઉપર તોળતાં આભને!

આભને આશ્વસ્ત કરવા માટે માણસે જ્યારે હાથ હેઠા કરી નાખ્યા ત્યારે આભને કોણ અવલંબન પૂરું પાડે છે? કવિ કહે છે તેમ, એવે વખતે આભને ઊગીને ઊભા થતાં તૃણનો ટેકો સાંપડે છે! કવિની આવી ચમત્કૃતિજન્ય કલ્પના અને ચિંતનપ્રવણતા સૉનેટને આસ્વાદ્ય બનાવવા ઉપરાંત નિરાળી ઊંચાઈ પણ બક્ષે છે. ‘થરથરી', ‘ટટાર થઈ’ અને ‘ડોક ઊંચી કરી'માંનાં ત્રણત્રણ ક્રિયાપદો પ્રયોજીને કવિ અહીં, તૃણની મક્કમતાની ધાર કાઢે છે, તો દેખીતી રીતે વિરાટ લાગતી વ્યક્તિની તુલનાએ ક્ષુદ્ર જણાતાં તૃણની શ્રેષ્ઠતા પણ સાબિત કરે છે. એ સાથે જ, ‘તૃણો ટચલી આંગળી ઉપર તોળતાં આભને!’ એ અંતિમ પંક્તિ, ટચલી આંગળીએ ગોવર્ધન પર્વતને તોળતા શ્રીકૃષ્ણનું સહજ સ્મરણ કરાવે છે. એ પુરાણકથાનો વિલક્ષણ સંદર્ભ કાવ્યને વિશેષ અર્થક્ષમ અને આસ્વાદક્ષમ બનાવે છે. ‘બીડમાં સાંજવેળા’ સૉનેટ આમ, એના વિચારોત્તેજક ભાવ-સંવેદનની કાવ્યાત્મક અભિવ્યક્તિને કારણે વિશેષ ધ્યાનાર્હ બને છે. કહીએ કે, પ્રસ્તુત સૉનેટમાં પ્રકૃતિ અને વિચારસંપત્તિની સામગ્રીનો સર્જનાત્મક આવિષ્કાર થયો છે અને એ કારણે આ રચના, કવિના કાવ્યરાશિમાં એનું આગવું સ્થાન અંકે કરે છે