આત્માની માતૃભાષા/25

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


બારેસોળે તો ખીલ્યાં આવડાં

હરિકૃષ્ણ પાઠક

મ્હોર્યા માંડવા

સખી, ગણું ગણું તે કઈ મંજરી,
ગણતાં કંઈ કંઈ રહી જાય રે
સહિયરના મ્હોર્યા માંડવા.

સખી, બારેસોળે તે ખીલ્યાં આવડાં,
કાંઈ ખીલ્યાં ભૂમિનાં ભાગ્ય રે
સહિયરના મ્હોર્યા માંડવા.

સખી, સેંથે ચડતાં આંખડી
અંજાતી ને અટવાય રે
સહિયરના મ્હોર્યા માંડવા.

સખી, ઊતરે કેશલટે નજર
પાની લગ લપટી જાય રે
સહિયરના મ્હોર્યા માંડવા.

સખી, નેહછલકતાં નેણને
ભમ્મરની આડી પાળ રે
સહિયરના મ્હોર્યા માંડવા.

સખી, પાંપણ ઢોળે વીંજણા,
કીકીમાં પ્રજળે નેહ રે
સહિયરના મ્હોર્યા માંડવા.

સખી, અણબોટ્યા બે હોઠની
એ જડે ન કહીં ગુલજોડ રે
સહિયરના મ્હોર્યા માંડવા.

સખી, આંખે વણબોલ્યાં રહ્યાં
એ બોલે ગૌર કપોલ રે
સહિયરના મ્હોર્યા માંડવા.

સખી, ગાલે ખાડા શા પડે,
મહીં હૈયાં ઘૂમરી ખાય રે
સહિયરના મ્હોર્યા માંડવા.

સખી, ઊંચેરી ડોલર-ડોકના
રત રત શા નિત્ય મરોડ રે
સહિયરના મ્હોર્યા માંડવા.

સખી, ધરા ઘૂમે ઉર ઊંચેનીચે
ત્યમ હૈયાં ઊછળી જાય રે
સહિયરના મ્હોર્યા માંડવા.

સખી, શિખરો વીંધે વ્યોમને,
છાતી વીંધે બ્રહ્માંડ રે
સહિયરના મ્હોર્યા માંડવા.

સખી, પર્વતથી નદીએ ઢળ્યાં
કમ્મર લે નદીવળાંક રે
સહિયરના મ્હોર્યા માંડવા.

સખી, ગણું ગણું તે કઈ મંજરી
ગણતાં કંઈ ના'વે પાર રે
સહિયરના મ્હોર્યા માંડવા.

સખી, નમણાં ચાલો ત્યાં દીસો
રમતેરી મેઘકમાન રે
સહિયરના મ્હોર્યા માંડવા.

સખી, પગલાં પડતાં પોયણાં
પગલે ધરતી ધનભાગ્ય રે
સહિયરના મ્હોર્યા માંડવા.

સખી, બારેસોળે તે ખીલ્યાં આવડાં,
વળી ખીલશો અદકે રૂપ રે
સહિયરના મ્હોર્યા માંડવા.

મુંબઈ, ૧-૧૨-૧૯૩૪


એક સખીનો સખી પ્રત્યેના આનંદ-ઉમળકાના ઉદ્ગાર રૂપે પ્રગટેલું આ કાવ્ય છે, જે સમુચિત રીતે ગીતમાં ઢળ્યું છે. સખીની દેહલતા પર મ્હોરતી આવતી રૂપ-મંજરીઓનો ક્રમશ: ઉલ્લેખ થતો આવે અને દ્વાદશ વયની કિશોરી સોળની-ષોડશી થવા તરફ વિકસી રહેલાં રૂપની છટાઓ પ્રગટાવતી જાય, અને એ રૂપ-મંજરીઓ ગણતાં કંઈનું કંઈ તો પાછું રહી જાય તેટલું કહેવા ‘બારેસોળે તો ખીલ્યાં આવડાં'માં યોજાતો શબ્દ ‘આવડાં’ નોંધવા જેવો છે. ‘આવડાં’ એટલે ‘એવડાં’ કે જેનાથી ધરતીનાં — ભૂમિનાં ભાગ્ય ખીલી ઊઠે! પછી તો સખીને સેંથે ચડતી આંખડી અંજાઈને અટવાતી રહે, તો વળી કેશલટે પડતી નજર તો કાંગસીની પેઠે પાની લગી લપટી જાય! આપણે ત્યાં લોકવાઙ્મયમાં રૂપને વર્ણવતી ઉક્તિ છે: પદમણી નારીનો પાની લગ ચોટલો — એ યાદ આવી જાય. નેણમાં નેહ તો છલકે છે પણ તે છાકટો નથી, તેને ભમરની પાળ છે પાછી. સંસ્કારિતા પણ એક આભૂષણ ગણાયું છે ને! પાંપણના પલકારાને વીંઝણા રૂપે જોતી નજર પ્રજળતો નેહ પણ જોઈ લે છે, પછી જે ઉલ્લેખ છે અણબોટ્યા બે હોઠનો તે અનાઘ્રાત પુષ્પ જેવી રૂપવતીના કુંવારાપણાનો સંકેત કરે છે, ને એ હોઠ પણ કેવા કે જેના જેવી બીજી કોઈ ગુલ-જોડ પણ ન જડે તેવા! ‘ગુલજોડ’ જેવો શબ્દ અહીં ગીતના ભાષા-પોતમાં સલુકાઈથી ગોઠવાઈ ગયો છે. વળી આંખ અબોલ થઈ જાય, કહો કે કશુંક ગોપવે તો ગૌર કપોલ તે કહી દે છે, તે સખીની નજરથી તો કેમ અછાનું રહે? ગાલના ખંજન એવા કે એને જોનારનું તો હૈયું એમાં ઘૂમરી ખાઈ જાય અને આ ઓછું હોય તેમ પાતળી ડાળી પર ઝૂલતા મોગરાના પુષ્પ સાથેની સરખામણી ‘ઊંચેરી ડોલર-ડોકના’ ઋતુ ઋતુના અવનવા મરોડ સાથે થઈ છે. કવિશ્રી કાન્તની એક પંક્તિ અહીં સ્મરણે ચડે: નયન નમણાં, ગ્રીવા ધોળી, લલાટ સુહામણું… પછીના બે અંતરામાં ઊંચે-નીચે ઘૂમતી ધરા રૂપે ઊછળતાં હૈયાં અને સૌંદર્યનાં શિખર વ્યોમને વીંધે ને છાતીમાં — હૃદયમાં ભર્યો ભાવ બ્રહ્માંડને આવરી લે તેવો અર્થ વાંચી શકીએ. પર્વતની વહી આવતી નદી પતિરૂપ સાગરને મળવા પ્રયાણ કરતી હોય છે; પણ અહીં તો નદીનો ઉલ્લેખ તો સખીની કમ્મરના વળાંક ને નદીના વ્હેણ-વળાંક સાથેની સરખામણી માટે થયો લાગશે. ફરીથી, ‘ગણું ગણું તે કંઈ મંજરી'ની પુનરુક્તિ એવી રીતે થઈ છે કે આ રૂપ-મંજરીઓનો ગણતાં પાર આવે એવું નથી જ! સખીની ચાલ તો એવી નમણી છે કે જાણે સપ્તરંગી મેઘકમાન એની ભવ્ય સુંદર રૂપછટાને પરહરીને જાણે કે ‘રમતેરી’ થઈ જાય છે, લહેરાતી ચૂંદડી જેમ! અને વળી ચાલે ત્યાં પગલાં પડે ત્યાં પોયણાં ખીલી ઊઠે, ને વળી પાછી ધરતી ‘ધનભાગ્ય’ બની રહે. આટઆટલું કહ્યા પછી ફરીથી ‘બારે સોળેથી ખીલ્યાં આવડાં’ કહીને હજી અદકા રૂપે ખીલશો એવી મંગલકામના કર્યા વિના આ સખીની સહિયર કેમ રહી શકે? ‘મ્હોર્યા માંડવા'નો પ્રયોગ કદાચ આવી રહેલા કોઈ મંગલ પ્રસંગનો સંકેત કરે છે. પૂરા સત્તર અંતરામાં વહેતું આ ગીત કવિએ ધરેલું એક મોંઘું નજરાણું છે.