ઇન્ટરવ્યૂઝ/કલાસૌંદર્યનો આકંઠ આસ્વાદ
પ્રશ્ન : છેક 1941માં આપે ‘સર્જનમાં આનંદનું તત્ત્વ’એ નામક લેખ લખેલો. એ અભ્યાસપૂર્ણ લેખનાં કેટલાંક વિધાનો હવે આજે મને ચિંત્ય લાગે છે. આપ લખો છો :
“કલાકાર સર્જકપ્રતિભાને બળે પોતાના આનંદનું ભાવકના હૃદયમાં નિઃશેષ સંક્રમણ કરે છે. એ સંક્રમણ નિઃશેષ થયેલું હોવાથી ભાવક પણ કલાકારના અનુભવને યથાતથ સાંગોપાંગ અનુભવી શકે છે. એ અનુભવ શુદ્ધ કલ્પનાત્મક ભૂમિકાનો હોવાથી દુઃખનો હોય તોપણ ભાવકને તે નિરતિશય આનંદ જ આપે છે. આમ નિરતિશય આનંદ એ કલાકૃતિનું એક માત્ર અને અનિવાર્ય લક્ષણ બને છે.”
ઝવેરીસાહેબ, આવું યથાતથ, સાંગોપાંગ અને નિઃશેષ સંક્રમણ (Communication) થઈ શકે? ભાવકનું ચિત્ત માત્ર દર્પણ જ છે એમ આપણે કયા આધારે સ્વીકારી શકીએ? ભાવકચિત્ત કશુંયે Recreate નથી કરતું? કલાકૃતિના સંપર્કમાં આવતાંની સાથે જ ભાવક પોતાના અંગત-સ્વકીય ચિત્તને આકારવા નથી માંડતો? વળી એમ સ્વીકારીએ કે કલાકૃતિ ‘Anti-object’ છે; તે જગતની પદાર્થતાને ખસેડીને કલાકૃતિ એક Illusive વિશ્વની રચના કરે છે. અનેક વિવિધ સંસ્કારો અને અધ્યાસોથી યુક્ત અને સંકુલતાબહુલ ભાવકચિત્ત કોઈ સર્જકના અનુભવોને યથાતથ અને નિઃશેષ કેવી રીતે ઝીલી શકે?
‘સંક્રમણ’ (Communication) તો નહીં જ, પણ ‘Interpretation’ પણ નહિ – એવી સર્જન અને ભાવનની બદલાયેલી વિભાવના વિષે હવે આજે આપ શું વિચારો છો?
ઉત્તર : નિઃશેષનો અર્થ ‘કંઈ જ શેષ ન રહે તેવી રીતે; પૂરેપુરું’ એવો થાય છે એ વાત ખરી; પણ મને લાગે છે કે એ પ્રકારનું નિઃશેષ સંક્રમણ થવા માટે કલામાં અવકાશ નથી. કારણ કે કલાકારે જે સંક્રમણ કરવાનું હોય છે તે કોઈ ને કોઈ પ્રકારના ઉપાદાન દ્વારા જ કરવાનું હોય છે. અને પ્રત્યેક ઉપાદાનની જેમ વિશિષ્ટ શક્તિ હોય છે તેમ વિશિષ્ટ મર્યાદા પણ હોય છે. જુદી જુદી કલાઓનાં જુદાં જુદાં ઉપાદાનો ક્યાં અને એમાંના પ્રત્યેક ઉપાદાનની વિશિષ્ટ શક્તિ કઈ તેમ જ વિશિષ્ટ મર્યાદા પણ કઈ તેની ચર્ચા મેં મારા ‘કાવ્યવિમર્શ’માં યથામતિ કરી છે. એટલે તેની પુનરુક્તિ હું નહિ કરું. હું માત્ર એટલું જ કહીશ કે ઉપાદાન જેટલું સ્થૂલ તેટલી તેની મર્યાદા પણ નિશ્ચિત; ને ઉપાદાનની જે મર્યાદા તે તેની સંક્રમણ શક્તિ પર અસર કરે જ કરે. એટલે એમ કહી શકાય કે કલાકાર પોતાના આનંદનું —અથવા વધારે સાચી રીતે કહીએ તો પોતાના ભાવસંવેદનનું — ભાવકના હૃદયમાં શક્ય હોય તેટલે અંશે નિઃશેષ સંક્રમણ કરે છે.
‘શક્ય હોય તેટલે અંશે’નો અર્થ ‘કલાકારને શક્ય હોય’ એવો નહિ પણ ‘વિશિષ્ટ ઉપાદાનને શક્ય હોય’ એવો કરવો મને અભિપ્રેત છે. કારણ કે વાત આપણે કનિષ્ટ કે મધ્યમ કક્ષાની સર્જક-પ્રતિભાવાળા નહિ, પણ ઉત્તમ કક્ષાની સર્જક-પ્રતિભાવાળા કલાકારની જ કરી રહ્યા છીએ. અને એવા કલાકારને પણ તેના ઉપાદાનની મર્યાદા નડતી જ હોય છે.
કાવ્યનું ઉપાદાન–સાર્થ શબ્દ–સદ્ભાગ્યે અત્યંત સૂક્ષ્મ છે. એ ઉપાદાન કોઈ ભૌતિક પદાર્થ ન હોવાથી, ભૌતિક પદાર્થને નડે છે તે સ્થૂલ અને ઇન્દ્રિયગોચર મર્યાદાઓ એને નડતી નથી હોતી એ વાત ખરી; પણ એને પોતાની મર્યાદાઓ તો છે જ. એ જેટલી સહેલાઈથી ને સ્વાભાવિકતાથી ગતિનું – કાલનું – નિરૂપણ કરી શકે છે તેટલી સહેલાઈથી ને સ્વાભાવિકતાથી સ્થિતિનું – દિક્નું – નિરૂપણ કરી શકતું નથી. અને જગતમાં એકલી સ્થિતિ જ કે એકલી ગતિ જ નથી હોતી, સ્થિતિ અને ગતિ, દિક્ અને કાલ — બંને હોય છે. અને કલાકારે નિરૂપણ એ બંનેનું કરવાનું હોય છે.
કલાકાર પોતાના ઉપાદાનની સ્વભાવગત મર્યાદા પાસે લાચાર થઈને, અલબત્ત બેસી નથી રહેતો. એને જે ભાવવિશ્વનું સર્જન કરવાનું છે તે એના ઉપાદાનની સ્વભાવગત મર્યાદાને લીધે અપૂર્ણ ન રહી જાય તે માટે તે અનેક તરકીબો કરે છે. એ તરકીબો કઈ તેની ચર્ચા પણ મેં ‘કાવ્યવિમર્શ’માં કંઈક કરી છે. પણ એ અહીં પ્રસ્તુત નથી.
મુદ્દાની વાત છે કે કલાકાર પોતાની કલ્પનામાં કોઈક ભાવવિશ્વનું સર્જન કરે છે. પોતાની કલાના વિશિષ્ટ ઉપાદાન દ્વારા એ પોતાના ભાવવિશ્વને ભાવકની કલ્પનામાં સંક્રાન્ત કરવા મથે છે, એ સંક્રમણ ‘યથાતથ, સાંગોપાંગ અને નિઃશેષ’ ક્યારેક થતું હોય છે; તો ક્યારેક – ક્યારેક શા માટે? ઘણી વાર નથી પણ થતું હોતું.
સંક્રમણ ‘યથાતથ, સાંગોપાંગ અને નિઃશેષ’ ન થતું હોય તો તે માટે મુખ્ય બે કારણો હોઈ શકે : કાં તો કલાકારને તેનાં ઉપસ્કરો પર પૂરો કાબૂ નથી હોતો તે; ને કાં તો ભાવકની પોતાની સજ્જતા ઓછી હોય તે. કલાકારનાં શક્તિ, વ્યુત્પત્તિ અને અભ્યાસ, ત્રણે ઉત્તમ હોય અને ઉત્તમ કલાના સર્જન માટે આ ત્રણેત્રણનું મહત્ત્વ એક સરખું છે અને ભાવકની સજ્જતા એટલે કે એનાં ભાવયિત્રી પ્રતિભા, વ્યુત્પત્તિ અને અભ્યાસ : એક જ શબ્દમાં કહીએ તો અધિકાર – ઉત્તમ હોય તો સર્જકે જે ભાવસંવેદન અનુભવ્યું હોય તે ભાવક પણ યથાતથ અને સાંગોપાંગ અનુભવ્યા વિના રહે નહિ. અને ભાવક જ્યારે (અલબત્ત, પોતાની કલ્પનામાં જ) સર્જકના ભાવસંવેદનની યથાતથ અને સાંગોપાંગ અનુભૂતિ કરે ત્યારે જ સંક્રમણ નિઃશેષ થયું ગણાય.
આનો અર્થ એવો નથી કે ભાવકનું ચિત્ત માત્ર દર્પણ જ છે. કલાકારે જે Create કર્યું હોય તે ભાવક પોતાની કલ્પનામાં Recreate કરતો જ આવતો હોય છે. પણ એ Re-creation એ સર્જકનો સમાનધર્મા બનીને કરતો હોય છે; સર્જકનો પ્રતિસ્પધી કે વિરોધી બનીને નહિ. બીજા શબ્દોમાં કહીએ તો, સર્જકે પોતાના ભાવવિશ્વ માટે નિશ્ચિત કરેલી રેખાઓને એ સ્વીકારી જ લેતો હોય છે. પણ ભાવન કરતી વેળા તેણે સર્જકના ભાવવિશ્વ સાથે ગમે તેટલું તાદાત્મ્ય સાધ્યું હોય તોપણ તેનું તાટસ્થ્ય, તેની વિવેકબુદ્ધિ પણ જાગ્રત રહેતી જ હોય છે. એટલે સર્જક પોતે નિશ્ચિત કરેલી રેખાઓની બહાર ક્યાંય ચાતર્યો કે કલાકૃતિમાં ક્યાંય અસંગતિ, અસંભવિતતા કે અનૌચિત્ય દેખાયું તો ભાવકને તે ખટકતું હોય છે.
કંઈક પુનરુક્તિદોષ જેવું વહોરીને પણ કહ્યું તો, કલાકાર — અહીં ચર્ચા આપણે કલાસામાન્યની નહિ, પણ મુખ્યત્વે કાવ્યની કરી રહ્યા છીએ, એટલે કવિ પોતાની કલ્પનામાં યથેચ્છ સર્જાયેલા ભાવવિશ્વને શબ્દદેહે સાકાર કરે છે. અને શબ્દદેહે સાકાર કરીને આઘો ખસી જાય છે. ભાવક પાસે હોય છે સાકાર થયેલો એ શબ્દદેહ જ કેવળ; કવિ પણ નહિ અને કવિએ પોતે કે બીજાંઓએ એના પર કરેલાં વિવેચન-વિવરણો પણ નહિ ને રસિક શાસ્ત્રીય ભાષ્યો પણ નહિ. વિવેચન – વિવરણો અને રસિક શાસ્ત્રીય ભાષ્યો હોય તો પણ તેમની સહાય અમુક હદ સુધી જ મળતી હોય છે. કાવ્યનો રસાસ્વાદ તે, અન્તતોગત્વા, ભાવકે કરવાનો હોય છે એની પોતાની સજ્જતા પ્રમાણે જ. વિવેચન, વિવરણ, ભાષ્ય આદિનો ઉપયોગ હોય છે ભાવકની અંદરની આંખ ઉઘાડવા પૂરતો જ; ને ભાવક જોઈ શકતો હોય છે એની અંદરની આંખ ઊઘડી હોય તેટલું જ. બાકી, જે કંઈ જોવાનું છે તે તો ભાવકે પોતાની અંદરની આંખે જ. અન્યોએ કરેલાં વિવેચન –વિવરણના ભંડાર ભાવકની સ્મૃતિમાં ભર્યા પડ્યા હોય અને છતાં એની અંદરની આંખ જો ઊઘડી જ ન હોય તો ભાવક, ખરેખર તો, કશું જ જોઈ શકતો હોતો નથી; આંખ અધૂકડી જ ઊઘડી હોય તો અરધું-પરધું જોઈ શકતો હોય છે; અને આંખની પૂતળી અવળી થઈ ગઈ હોય તો અવળું જ જોતો હોય છે. આમ, કાવ્યને સાંગોપાંગ સુરેખ અને સૌન્દર્યમંડિત બનાવવા માટે કવિને પક્ષે જો એક પ્રકારની સજ્જતાની – અગાઉ કહ્યું તે શક્તિ, વ્યુત્પત્તિ અને અભ્યાસની જરૂર હોય છે તે કાવ્યનું ભાવન કરવા માટે ભાવક પક્ષે બીજા પ્રકારની સજ્જતાની – ભાવયિત્રી પ્રતિભા, વ્યુત્પત્તિ અને અભ્યાસની જરૂર હોય છે.
કવિ અને ભાવક, બન્ને જોકે પૂરેપૂરા સજ્જ હોય — એટલે કે કવિએ પોતાના ભાવવિશ્વને સુરેખ શબ્દદેહે સાકાર કર્યું હોય અને ભાવક જો પૂરેપૂરા અધિકારી હોય – તો કવિ હસાવે ત્યારે ભાવક હસતો હોય છે, રડાવે ત્યારે રડતો હોય છે, થથરાવે ત્યારે થથરતો હોય છે ને પુલકાવે ત્યારે પુલકિત થતો હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો, શબ્દદેહે કંડારાયેલાં કવિના ભાવસંવેદનોને અધિકારી ભાવક યથાતથ અને સાંગોપાંગ ઝીલતો અને અનુભવતો હોય છે.
ચિત્ત તો ભાવક તેમ જ કવિ બન્નેનું ‘અનેકવિધ સંસ્કારો અને અધ્યાસોથી યુક્ત અને સંકુલતાબહુલ’ હોય છે. પણ કાવ્યનો રસોપભોગ કરતી વેળા ભાવકનું willing suspension of disbelief થઈ જતું હોય છે. કવિ જો એમ કહે કે હું જે સૃષ્ટિનું સર્જન કરવા માગું છું તેમાં ત્રણ, છ કે દસ માથાંવાળી વ્યક્તિઓ હશે કે તેમાં નહિ હોય જરા, નહિ હોય વ્યાધિ કે નહિ હોય મૃત્યુ કે તેમાં ઋતુએ એમના નિયત પ્રકૃતિક્રમ પ્રમાણે નહિ, પણ મારી ઇચ્છા કે અનુકૂળતા પ્રમાણે પ્રવર્તતી હશે તો આપણે એ સ્વીકારી જ લેતાં હોઈએ છીએ. સ્વીકારી જ લેવું જોઈએ. ન સ્વીકારીએ તો એ સૃષ્ટિમાં પ્રવેશ કરવાનો આપણને અધિકાર જ ન રહે.
આપ disbelief a willingly suspend કરીને આપણે કવિની સૃષ્ટિમાં પ્રવેશ કરીએ ત્યાર પછી પણ, અલબત્ત, આપણી વિવેકબુદ્ધિ – કાવ્યશાસ્ત્રની પરિભાષામાં કહીએ તો ઔચિત્યબુદ્ધિ જાગ્રત રહેતી જ હોય છે. એટલે એક તરફથી જે આપણે કવિની સૃષ્ટિ સાથે તાદાત્મ્ય સાધતા હોઈએ છીએ તો બીજી તરફથી કવિએ પોતાની સૃષ્ટિની જે વિભાવના રચી હોય તે વિભાવના અનુસાર રચાતાં જતાં પાત્ર અને પરિસ્થિતિના સંદર્ભની મર્યાદામાં રહીને જ એ સૃષ્ટિનો વ્યવહાર ચાલે છે કે નહિ તે આપણે આપણી ઔચિત્યબુદ્ધિથી પ્રેરાઈને તપાસતાં જતાં હોઈએ છીએ.
આ બંને ક્રિયાઓ યુગપત્ ચાલતી હોય છે. કવિની સૃષ્ટિ બ્રહ્માની સૃષ્ટિ કરતાં જુદી હોય છે તે વાત ખરી; પણ એ સૃષ્ટિના વ્યવહારને તપાસવાનું આપણું ધોરણ બ્રહ્માની સૃષ્ટિના વ્યવહારને તપાસવાના આપણા ધોરણ કરતાં જુદું નથી હોતું, એમ હું માનું છું. બ્રહ્માની સૃષ્ટિમાં જે વ્યવહાર અનુચિત કે નિષિદ્ધ ગણાતો હોય તે કવિની સૃષ્ટિમાં પણ અનુચિત કે નિષિદ્ધ જ ગણાય. કવિની સૃષ્ટિમાં આપણે આપણા અહંત્વ અને મમત્વથી અનાયાસે ને આપમેળે મુક્ત થઈ ગયાં હોઈએ છીએ. બ્રહ્માની સૃષ્ટિમાં દર વખતે એમ થતું નથી હોતું પણ બ્રહ્માની સૃષ્ટિના આપણા જે અનુભવોમાં આપણે પોતે કે આપણા પોતાના કોઈ સંડોવાયા નથી હોતા તે અનુભવોને જે સમભાવશીલ તટસ્થતાથી આપણે વિલોકતા અને મૂલવતાં હોઈએ છીએ તે જ સમભાવશીલ તટસ્થતાથી આપણે કવિની સૃષ્ટિના આપણા અનુભવોને પણ વિલોકતા અને મૂલવતાં હોઈએ છીએ.
આમ, કાવ્યમાં આપણે રસોપભોગ કે રસભંગ, જેનો પણ જે કંઈ અનુભવ કરતાં હોઈએ છીએ તેનું નિયામક બળ આપણી પોતાની સહૃદયતા, સજ્જતા અને ઔચિત્યબુદ્ધિ હોય છે. ભાવકના પોતાના ચિત્તના અનેક વિવિધ સંસ્કારો અને અધ્યાસો અને સંકુલતાની અસર તેની સહૃદયતા, સજ્જતા અને ઔચિત્યબુદ્ધિ પર થતી હશે અવશ્ય; કારણ કે ‘હૅમ્લેટ’ કે ‘ઑથેલો’ જેવી કોઈ એક જ કૃતિ એક ઉત્તમાધિકારી ભાવકને ગમતી હોય ને એવા જ ઉત્તમાધિકારી કોઈ બીજા ભાવકને ન ગમતી હોય એવું પણ બન્યું છે, બને છે ને બનશે. મુદ્દો એ છે કે આપણે કોઈ પણ કૃતિનો રસોપભોગ કરી શકતાં હોઈએ છીએ, જેટલે અંશે સર્જકનું ભાવસંવેદન આપણામાં સંક્રાન્ત થઈ શક્યું હોય તેટલે જ અંશે; કૃતિ જો ઉત્તમ હોય અને આપણે જો પૂરેપૂરા ઉત્તમાધિકારી હોઈ એ તો સર્જકનું ભાવસંવેદન આપણામાં યથાતથ અને સાંગોપાંગ સંક્રાન્ત થાય અને આપણે જો રસભંગ અનુભવતાં હોઈએ તો સર્જકને પક્ષે જો કંઈ કચાશ રહી ગઈ તો તેને લીધે કે આપણે પક્ષે જો કંઈ કચાશ રહી ગઈ હોય તો તેને લીધે પણ.
કલાકૃતિ એક illusive વિશ્વની જ રચના કરે છે એ વિશે મારા મનમાં કશી શંકા નથી. કારણ કે વાસ્તવિક પંચમહાભૂતાત્મક જગતની રચના જગદીશ્વર જ કરી શકે. કલાકાર તો કોઈ જુદા જ ઉપાદાન દ્વારા, મૂળ જગતનું, જગતના કોઈ પદાર્થનું કે જીવનનું પુરસ્કાર અને તિરસ્કાર બન્નેની પ્રક્રિયા સમેત પ્રતિનિર્માણ કરીને મૂળનો માત્ર આભાસ જ ઊભો કરી શકે. કલાની સૃષ્ટિ રચાતી હોય છે સર્જકની કલ્પનામાં ને; આસ્વાદાતી હોય છે, ભાવકની પણ અંતે તો, કલ્પનામાં જ. કલાકારે આલેખ્યું હોય તે જ સ્વરૂપમાં એનું અસ્તિત્વ વાસ્તવિક જગતમાં ક્યાંય હોતું નથી. એ અર્થમાં એ illusory – માયાવી છે એ વાત ખરી છે. પણ એનો અર્થ એવો નથી કે એ અસત્ય છે. ઉત્તમ કલાકૃતિનું અનુસંધાન દિક્કાલાતીત સત્ય સાથે થયું હોય છે. એટલે એ કૃતિની સૃષ્ટિ બ્રહ્માની સૃષ્ટિ કરતાં વધારે સ્થિર, વધારે શાશ્વત અને તેથી જ વધારે સત્ય હોય છે.
સર્જન અને ભાવનની મારી વિભાવના આજે પણ આ છે. મનુષ્યજાતિના ઉત્તમાધિકારી ભાવકોએ જે કૃતિઓને किमपि द्रव्यम् ગણી છે અને કાલાગ્નિની આંચ જેને અડી શકી નથી તેવી કેટલીક કૃતિઓના સૌન્દર્યને હું, અલબત્ત મારા પોતાના ગજા પ્રમાણે, મનભર માણી શક્યો છું તેમાં આ વિભાવનાનો ફાળો ઓછો નથી. મૂળ વાત કલાસૌન્દર્યનો આકંઠ આસ્વાદ કરવો તે છે. ગન્તવ્યસ્થાન એ છે. કોઈ એક માર્ગે ત્યાં પહોંચે; તો કોઈ વળી જુદા જ માર્ગે. આમાં મારો જ માર્ગ સાચો છે ને બીજા બધા માર્ગો ખોટા, એમ તો કોણ કહી શકે? જે કૃતિઓના પરિશીલને મારા ચૈતન્યને સ્ફુરાયમાણ કર્યું છે તે જ કૃતિઓના સૌન્દર્યની અનુભૂતિ બીજા કેટલાક ઉત્તમાધિકારી ભાવકોએ; મારા કરતાં જુદી જ વિભાવના સ્વીકારીને પણ કરી છે તે હું જાણું છું. ભિન્ન ભિન્ન પ્રવાહોના પંથનો આ ઝઘડો કોઈ ભાંગી શક્યું નથી, ભાંગી શકે તેમ લાગતું નથી.
પ્રશ્ન : ત્રીશી પછી ગુજરાતી સાહિત્યમાં ‘કલાવાદીઓ’ અને ‘જીવન ખાતર કલા’–વાળાઓ વચ્ચે સારો એવો ગજગ્રાહ ચાલ્યો. ‘કલાવાદીઓ’ની દૃષ્ટિએ કલાનું પ્રયોજન, કલાથી વ્યતિરિક્ત એવું બીજું કશું જ નથી, એ એક પલ્લે; તો ‘કળા મારફતે જીવનનો સદાચાર પરિપુષ્ટ કરી શકાય. કળા મારફતે સમાજવ્યવસ્થામાં સમાધાન, સહકાર, સામર્થ્ય, સમૃદ્ધિ અને સુસંગતિનું સંગીત દાખલ કરી શકાય. એટલું મિશન જો કળા માટે સ્વીકારીએ...’ એ બીજે પલ્લે... આમ ચર્ચા ચાલેલી.
ઝવેરીસાહેબ, માનવીની ભૂગોળ કેટલા મોટા વ્યાપ પર પથરાયેલી છે! નૈતિક અને અનૈતિક જેવાં વિશેષણોની સરહદોમાં તેના શબ્દને કેવી રીતે ગૂંગળાવી શકાય? નીતિ-અનીતિ અને કલાકૃતિ વિષે આપ શું વિચારો છો? કલાકૃતિ તો સમાજ મૂલ્યરિક્ત જ ન હોવી જોઈએ? કલાકૃતિનો સંબંધ Aesthetic Pleasure સાથેનો – ‘આનંદ’ સાથેનો હોવો જોઈએ. કેટલીક વાર આપણી વિવેચના નીતિ-અનીતિના આડફાંટે વહેલી એમ આપને નથી લાગતું?
ઉત્તર : કલાને સરહદો, અલબત્ત, હોતી નથી. તેમ છતાં આ પણ યાદ રાખવા જેવું છે કે દરેકે દરેક પ્રજાને એના પોતપોતાના રસ અને રુચિના સંસ્કારો હોય છે. આ સંસ્કારો પ્રજાએ પ્રજાએ જુદા જુદા હોય છે. એટલે એક પ્રજાને જે સુન્દર લાગે તે બીજી પ્રજાને સુન્દર ન પણ લાગે. માનવદેહનાં સૌષ્ઠવસૌંદર્ય, કાવ્ય, સંગીત, ચિત્ર, શિલ્પ, સ્થાપત્ય, નૃત્ય આદિ વિશેના ખ્યાલ માત્ર પૂર્વ અને પશ્ચિમના જ નહિ, પણ પ્રજાએ પ્રજાએ જુદા જુદા હોય છે. એક પ્રજા પોતાના જે લેખક પર ઓવારી જતી હોય તે લેખક બીજી કોઈ પ્રજાને એટલો મહાન ન પણ લાગે તેવું પણ બનતું હોય છે. એટલે કોઈ પણ એક પ્રજાનાં રસ અને રુચિનાં ધોરણો કોઈ બીજી પ્રજા પર વિવેકહીન રીતે લાદવાનો આગ્રહ રાખવામાં આવે તો તેને લીધે લાભ કરતાં વિશેષ તો હાનિ જ થતી હોય છે.
આ વિષયની કંઈ વિગતવાર ચર્ચા મેં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીને ઉપક્રમે આપેલી કમળાશંકર પ્રાણશંકર ત્રિવેદી વ્યાખ્યાનમાળા – ગુજરાતી ભાષા-સાહિત્યના ત્રીજા વ્યાખ્યાનમાં કરી છે. એટલે અહીં તેની પુનરુક્તિ કર્યા વિના, તમારા પ્રશ્ન સાથે સંબંધ હોય તેટલે અંશે જ આ મુદ્દાની ચર્ચા કરું તો હું એમ કહ્યું કે જીવ, જગત અને જગદીશ્વર પ્રત્યે જોવાની ગુજરાતી સર્જકની અને ભાવકની દૃષ્ટિ ભારતીય સર્જકની અને ભાવકની દૃષ્ટિ કરતાં તત્ત્વતઃ જુદી નથી. એ દૃષ્ટિ પ્રમાણે મનુષ્યજીવનનું ધ્યેય ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચતુર્વિધ પુરુષાર્થને અથવા ગોવર્ધનરામ વિશેષ વ્યવસ્થિત સમજાવે છે તે પ્રમાણે ધર્મમૂલક અર્થ અને ધર્મમૂલક કામ પુરુષાર્થોને સિદ્ધ કરીને મોક્ષ પુરુષાર્થને સિદ્ધ કરવાનું’ છે અને મનુષ્યનાં મન, વચન અને કર્મ, ત્રણેની ગતિ એ દિશામાં જ હોવી જોઈએ. હકીકત આ હોવાથી, મેઘદૂત જેવી કોઈ કોઈ કૃતિને કલા ખાતર કલાના દૃષ્ટાન્ત જેવી ગણીએ તોપણ, કેવળ કલાના એટલે કે કલા ખાતર કલાના વાદનો પુરસ્કાર કે પ્રચાર આપણે ત્યાં વીશીના ઉત્તરાર્ધ પહેલાં કદી થયો હોય તો મારા ખ્યાલમાં નથી.
વીશીના ઉત્તરાર્ધમાં આપણે એ વાદને પશ્ચિમમાંથી લાવ્યા ને આપણી ભૂમિમાં રોપી દીધો. આવે કોઈ પણ પ્રસંગે થાય જ તેમ તે વખતે પણ પક્ષાપક્ષી શરૂ થઈ, ચર્ચા થઈ, ઉગ્ર ચર્ચા થઈ, ગાળાગાળી સુધી પણ વાત પહોંચી ને સામસામી આત્યંતિકતાઓ પરથી ઉદ્ઘોષાતા અભિપ્રાયોના કોલાહલમાં પરમેશ્વર ભાગ્યો – સત્ય અદૃશ્ય થઈ ગયું. કાલક્રમે પક્ષો થાક્યા કે પ્રેક્ષકો થાક્યા; અને ધીમે ધીમે વાત થાળે પડી.
Say not, the struggle not availeth! આ વાદાવાદીને પરિણામે સાહિત્યને નુકસાન થયું કે કેમ અને થયું હોય તો કેટલું તેનો અંદાજ કાઢવાનું આ સ્થળ નથી. પણ અંતે તેનું એક શુભ પરિણામ તો આવ્યું જ : અને તે એ કે કલા અને નીતિ વચ્ચેના સંબંધની આપણી વિભાવનાનું વિશોધન થયું. આપણી શતાવધિઓની પરંપરાને પરિણામે દૃઢમૂલ થયેલા આપણા પ્રજાકીય રુચિ-સંસ્કારને લીધે આપણે કલાને નીતિથી અવિયોજ્ય ગણતાં આવતાં હતા. તેને લીધે ‘જ્યાં જ્યાં કલા ત્યાં ત્યાં ઉચ્ચ નીતિ’ એવી વ્યાપ્તિ જેવું પણ બંધાયું : અને કાલક્રમે, એની પ્રતિવ્યાત્તિ, ‘જ્યાં જ્યાં ઉચ્ચ નીતિ ત્યાં ત્યાં કલા’ને પણ આપણે સત્ય તરીકે સ્વીકારી લીધી. પરિણામે, કૃતિ કલાતત્ત્વની દૃષ્ટિએ કચાશવાળી હોય પણ તેમાં જો ઉચ્ચ નીતિસૂત્રોનો ઉદ્ઘોષ હોય તો તેને નિર્વાહ્ય ગણવાનું વલણ વધવા લાગ્યું. અને તેમાંથી, અંતે ઉચ્ચ નીતિસૂત્રોનો ઉદ્ઘોષ એ જ કલા એવી માન્યતા પ્રાકૃત જનસમાજમાં અને મન્દ કવિયશઃ પ્રાર્થીઓમાં કંઈક રૂઢ જેવી થઈ ગઈ. આ vulgarisation આ જ ક્રમે થયું એવું કહેવાનો મારો આશય નથી. પણ કોઈ પણ ઉચ્ચ ભાવના કે આદર્શનું જતે દહાડે vulgarisation થયા વિના રહેતું નથી અને vulgarisation થતું હોય ત્યારે લગભગ આ જ ક્રમે થતું હોય છે. ટપકી કે તિલક જો ધાર્મિકતાનું ચિહ્ન ગણાતું હોય તો પ્રાકૃત ને વ્યવહારપટુ જનસમાજ આંતરશુદ્ધિની કે નાહવાની પણ પરવા કર્યા વિના, માત્ર મોઢું ધોઈને તિલક કે ટપકી કરી લેવાનો ને ધર્માવતારમાં ખપવાને મથવાનો. કવિ કે કલાકાર ગણાવું સૌને ગમતું હોય છે. પણ સાચા કવિ કે કલાકાર થવું તે સહેલું નથી; ને આપણા હાથની વાત પણ નથી. તો જો નીતિમાન થયે – થયે શાના? માત્ર દેખાયે જો કવિ કે કલાકારમાં ખપાતું હોય તો ઉચ્ચ નીતિનાં સૂત્રોનો ઉદ્ઘોષ જ શા માટે ન કર્યા કરવો? આજનો લહાવો લીજિયે જી, કાલ કોણે દીઠી છે?
આપણે ત્યાં કલા ખાતર કલાના વાદનો જે પુરસ્કાર અને પ્રચાર થયો ને તેનો અતિરેક થતાં, અનીતિને કલા ગણવાનો પણ જે આગ્રહ રખાયો તે એક તો આપણી સૈકા જૂની તાસીરને અનુકૂળ નહોતો ને બીજું એ સમયમાં ગાંધીજીના લોકચમત્કારક વિભૂતિમત્વનો પ્રભાવ એવો હતો કે નીતિવિરોધી કે અનીતિપોષક વાદ કે વિચારનાં મૂળિયાં જ ન બાઝે, તેથી એ કેવલ કલાનો વાદ આપણે ત્યાં ન દૃઢમૂલ થઈ શક્યો, ન સર્વવ્યાપી બની શક્યો. જ્યારે ગાંધીયુગ ગઈગુજરી બની ગયો છે ત્યારે પણ એ યુગની જે કલાકૃતિઓ ટકી રહી છે તેમાંથી એવી કૃતિઓ કઈ ને કેટલી, જેમાં નીતિ કલાની વિષકન્યા તરીકે ઉવેખાઈ હોય?
આજના ક્ષણબિન્દુએથી ગાંધીયુગનું સિંહાવલોકન કરતાં એ યુગના કલા ખાતર કલાના વાદનું એક જ પરિણામ મારી તો નજરે પડે છે : અને તે એ કે કલા કલા બને છે કલાગુણે; નીતિસૂત્રોના કર્ણ ભેદી ઉદ્ઘોષે પણ નહિ; ને નીતિસૂત્રોના અભાવે પણ નહિ. Art is a moral કલાનું જીવતું ભૂત તત્ત્વ આનંદદાયિત્વ છે, નીતિ કે અનીતિ નહિ. આ માન્યતા સાચી છે એમ મને લાગે છે.
તેમ છતાં, હું એમ પણ માનું છું અને એ ચર્ચા મેં બાવીસમી સાહિત્ય પરિષદના સાહિત્યવિભાગના પ્રમુખ તરીકેના મારા ભાષણ ‘થોડી કાવ્યચર્ચા’માં મારા ‘કાવ્યવિમર્શ’માં અને મારી ક. પ્રા. ત્રિ. વ્યાખ્યાનમાળામાં પણ કરી છે કે વાઙ્મયકલા અને બીજી કલાઓની વચ્ચે એક સૂક્ષ્મ ભેદ છે, બીજી કલાઓના કલાકાર જે ઉપાદાનો – આરસ, પથ્થર, ધાતુ, રંગ, સૂર વગેરે વડે કલાનિર્મિતિ કરતા હોય છે તે ઉપાદાનો ભૌતિક હોય છે. સૃષ્ટિને પહેલો મનુષ્ય જન્મ્યો તે પહેલાં પણ એ ઉપાદાનો પ્રકૃતિમાં પડ્યા હતા ને સૃષ્ટિનો છેલ્લે મનુષ્ય મરણને શરણ થશે ત્યાર પછી પણ એ ઉપાદાનો પ્રકૃતિમાં પડ્યા રહેશે. વાઙ્મયકલાનું ઉપાદાન — સાથે શબ્દ કે અર્થસંપૃક્ત વાણી – પ્રકૃતિની નહિ પણ મનુષ્યની સરજત છે. મનુષ્યના મૃત્યુ પછી એ નહિ હોય, એ વાણી જન્મી ભલે હોય કદાચ स्वान्तः सुखाय; પણ વિકસી છે સામાજિક સંબંધો માટેના અનિવાર્ય સાધન તરીકે. એટલે એને ન સામાજિક સંદર્ભથી સર્વથા વિચ્છિન્ન કરી શકાય; ન સામાજિક મૂલ્યોથી રિક્ત રાખી શકાય અને નીતિ એ મોટામાં મોટું સામાજિક મૂલ્ય હોવાથી, મનુષ્યને યોગ્ય સમાજના તો રક્ષણ અને ધારણનો પાયો જ નીતિ હોવાથી, વાઙ્મયકલા અને નીતિનો સંબંધ સવિશેષ ગૂઢ ને સવિશેષ માર્મિક હોય છે. એટલે કવિ વાઙ્મયકલાનું સર્જન ભલે નીતિનિરપેક્ષ અન્તઃ પ્રેરણાને કે સિસૃક્ષાને વશ વર્તીને કરતો હોય, પણ ભાવક એને નીતિનિરપેક્ષ ભાવે આસ્વાદી જ શકતો નથી. કાવ્યનો આસ્વાદ લેતી વેળા, ભાવકના હૃદયમાં અનાદિ કાળથી રૂઢ થઈ ગયેલા નીતિનિયમને ખટકે એવું કશુંક પણ આવ્યું કે ભાવકનો રસભંગ થયો જ અને કાવ્ય એને માટે કાવ્ય મટી ગયું.
નીતિનિયમો, અલબત્ત, બે પ્રકારના હોય છે; નિત્ય અને નૈમિત્તિક અથવા બીજા શબ્દોમાં કહીએ તો સનાતન અને પ્રાસંગિક, આમાંના સનાતન નીતિનિયમો દેશ અને કાળથી અબાધિત હોય છે; પ્રાસંગિક નીતિનિયમો દેશ અને કાળ પરત્વે બદલાતા જતા હોય છે; એટલું જ નહિ પણ એક જ દેશમાં કે એક જ કાળમાં પણ જુદા જુદા વર્ગો કે જાતિઓ પરત્વે એ જુદા જુદા પણ હોઈ શકે છે, હોય છે. ખાનપાન આદિના જે રૂઢાચાર એક વર્ગને નીતિસંગત લાગતા હોય છે તે બીજા કોઈ વર્ગને અનીતિમય લાગતા હોય છે, તે આપણે જાણીએ છીએ. હું વાત એવા પ્રાસંગિક નીતિનિયમો કે રૂઢાચારોની નથી કરતો; સનાતન નીતિનિયમોની કરું છું.
પ્રશ્ન : ‘કલાનો ધર્મ’ એ નામક લેખમાં લેખકના સારાંશરૂપે અંતમાં આપ લખો છો :
‘જે કલા મનુષ્યને મનુષ્ય મટાડીને પશુ બનવાને પ્રેરે તે કલા પોતાનો ધર્મ બજાવતી નથી એમ કહેવાય એટલે નિરતિશય આનંદ આપીને કોઈ પણ કૃતિ કલાકૃતિ ભલે બની શકે, પણ તેની ઉચ્ચતાનો કે અવચતાનો નિર્ણય કરતી વેળા એ કલાકૃતિ ભાવકના હૃદયમાં કયું દૃષ્ટિબિંદુ મૂકે છે ને કઈ જાતની વૃત્તિઓને સ્પર્શે છે તેને વિચાર કરવો પણ આવશ્યક બની જાય છે.’
પંડિતયુગમાં ને ગાંધીયુગમાં આપણે ધર્મ અને સાહિત્યિક વિચારણાને સંબંધવાનું કર્યા કર્યું – તે આપને આજે યોગ્ય લાગે છે? કલાકૃતિ ભાવકના હૃદયમાં કયું દૃષ્ટિબિંદુ મૂકે છે – એ તો Purposeની વાત થઈ. વળી સમાજ અને ધર્મને આપણે દાખલ થવા દીધા!
...અને એક વાર આપ સ્વીકારો કે ‘નિરતિશય આનંદ આપીને કોઈ પણ કલાકૃતિ ભલે બની શકે...’ અને એ કૃતિ જ્યારે કલાકૃતિ લેખે સિદ્ધ થઈ જાય અને નિરતિશય આનંદ આપે તો પછી તેને વિષે અન્યથા કેવી રીતે વિચારી શકાય? ‘આનંદ’–મીમાંસામાં Purposeનું મહત્ત્વ કેવી રીતે હોઈ શકે?
ઉત્તર : પંડિતયુગમાં અને ગાંધીયુગમાં આપણે ધર્મ અને અને સાહિત્યક વિચારણાને સંબંધવાનું કાર્ય કર્યું, એ વાત સાચી છે. પણ એ કાર્ય માત્ર ગુજરાતમાં જ નથી થયું, ભારતના પ્રત્યેક પ્રદેશમાં અને દુનિયાના પ્રત્યેક દેશમાં થયું છે; અને તે 1885 પછીના સમયમાં જ નહિ, પણ સંસ્કૃતિના ઊગમકાળથી થયું છે. એટલું જ નહિ, પણ ભારતમાં અને પશ્ચિમના દેશોમાં પણ પ્રાચીન તેમ જ મધ્યકાળમાં કલાસૌન્દર્યની દૃષ્ટિએ ઉત્તમોત્તમ ગણાય તેવી જે કૃતિઓ સર્જાઈ છે તેમાંની ઘણી ખરી કૃતિઓની પ્રેરણા ધર્મમાં રહી છે, એ આપણે ભૂલવા જેવું નથી. એમ શા માટે થયું તે પ્રશ્ન જુદો છે; પણ થયું છે તે હકીકત છે.
‘કૃતિ જ્યારે કલાકૃતિ લેખે સિદ્ધ થઈ જાય અને નિરતિશય આનંદ આપે તે પછી તેને વિષે અન્યથા કેવી રીતે વિચારી શકાય’ તે વિશેની મારી માન્યતા તમારા બીજા પ્રશ્નના ઉત્તરમાં આવી જાય છે એટલે અહીં તેનું પિષ્ટપેષણ કરતો નથી.
મેં જે કહ્યું છે તેમાં Purposeની વાત થાય છે જરૂર; પણ કલાકાર પોતાની કલા દ્વારા ભાવકને માત્ર નિરતિશય આનંદ આપીને જ નથી અટકી જતો, જીવનને અને જગતને જોવાનું પોતાનું દૃષ્ટિબિંદુ પણ ભાવકના હૃદયમાં રોપી દેતો હોય છે. કલાકાર ભાવકને નિરતિશય આનંદ આપવા માટે અને સાથોસાથ ભાવકને ખબર પણ ન પડે તેવી રીતે તેને પોતાની (કલાકારની) આંખે જોતો કરી દેવા માટે કલાનું સર્જન કરે છે એમ, અલબત્ત, ન કહેવાય. એમ કહીએ તો એ પણ Purposeની જ વાત થઈ. એટલે કલાકાર પોતાની અદમ્ય સિસૃક્ષાને વશ થઈને, કેવળ લીલાર્થે જ કલાનું સર્જન કરતો હોય છે એમ કહેવું વધારે ઠીક થશે, જો કે સહેતુક સર્જાઈ હોય તેવી કલાકૃતિઓ પણ સાવ વિરલ કે અલ્પસંખ્ય નથી. તાજમહાલ જેવી કેટલીક સ્થાપત્યકૃતિઓ, મિલાનના વિશ્વવિખ્યાત કબ્રસ્તાનમાં છે તેવી વિરલ સૌન્દર્યમંડિત કેટલીક શિલ્પકૃતિઓ, માઈકલ એન્જલો જેવાનાં કેટલાંક ચિત્રો, ભરત, કથક એને મણિપુરી જેવા પરંપરા પ્રાપ્ત કેટલાક નૃત્ય પ્રકારો, કેટલુંક સંગીત ને કેટલાંક મિલ્ટન, શેક્સપિયર આદિ જેવાનાં પણ કાવ્ય નાટકાદિ સહેતુક સર્જાયાં છે એ આપણે જાણીએ છીએ. તેમ છતાં, કલાસર્જનનો હેતુ સર્જનથી વ્યતિરિક્ત બીજે કશો હોતો નથી એમ આપણે સ્વીકારીએ તો પણ કલાના ભાવનને અંતે ભાવકને જીવનનું સૌન્દર્ય પારખવાની ને માણવાની દૃષ્ટિ મળતી હોય છે. ભાવકનો ચેતોવિસ્તાર થતો હોય છે, જીવનની એની સમજણ વધતી જતી હોય છે અને ક્યારેક તો ભાવકના જીવનની ભાત પલટાઈ જતી હોય છે એ આપણે જાણીએ છીએ. વાઙ્મયકલા ભાવકના માત્ર ભાવને કે ઊર્મિને જ નહિ, વિચારને પણ સ્પર્શતી હોવાથી, ભાવકની ભાતને પલટી નાખવાનું સામર્થ્ય એમાં સવિશેષ હોય છે. એટલે કલાકાર ભાવકના હૃદયમાં કયું દૃષ્ટિબિંદુ મૂકે છે તેનો વિચાર ભાવક કે વિવેચક કરે તો તેમાં કંઈ ખોટું થાય છે એમ મને લાગતું નથી.
પ્રશ્ન : ફાર્બસ ત્રિમાસિકના શતાબ્દી અંકમાં નવી કવિતા વિષે આપે રોષિત પ્રતિભાવ પ્રગટ કરેલો. પણ તે પછી આપના પુસ્તક ‘કાવ્યવિમર્શ’ના અંતમાં અને ‘મુંબઈ સમાચાર’ની કૉલમમાં કવિતાનો આસ્વાદ કરે છો તેમાં ‘સમકાલીન સર્જક પ્રતિભાના નિત્યનૂતન આવિષ્કારો પર’ આપની નજર મંડાયેલી રહે છે તેમ મને લાગે છે. વળી કાવ્ય ‘થયું છે શું?’ (કવિતા : ડિસેમ્બર; ‘67) દ્વારા આપ પણ નવી કવિતાની ભાષા-ટેકનિક પ્રમાણે કવિતા રચતા થયા છો.
ટૂંકમાં હવે આજે 1956થી 1971 સુધીની દોઢ દાયકાની કવિતાનાં વહેણો જ્યારે સ્થિર અને પારદર્શક થયાં છે ત્યારે આપનો તે વિષે શો અભિપ્રાય છે?
ઉત્તર : મારી રસવૃત્તિ થોડીક પ્રશિષ્ટ કૃતિઓના યથાશક્તિમતિ વાચન, મનન અને પરિશીલનથી બંધાઈ છે એ ખરું; પણ ‘સમકાલીન સર્જક પ્રતિભાના નિત્યનૂતન આવિષ્કારો’ પણ મને ઘણી વાર ડોલાવી જાય છે. મેં મારો નાતો કવિતાની સાથે બાંધ્યો છે. અને કવિતા કવિતા હોય તે જ મારે માટે પર્યાપ્ત છે. ‘નવી’ અને ‘જૂની’ તો માત્ર સાપેક્ષ શબ્દો છે. આપણે આજે જેને ‘જૂની’ કહીએ છીએ તે કવિતા ગઈ કાલે ‘નવી’ હતી; ને આજે જેને ‘નવી’ કહીએ છીએ તે કવિતા આવતી કાલે ‘જૂની’ થઈ જવાની છે. જૂના અને નવા વચ્ચેની આ ‘સોરાબ-રૂસ્તમી’ આદિથી જ ચાલતી આવી છે, ને માનવસ્વભાવ બદલાશે નહિ તે અંત સુધી ચાલ્યા કરવાની છે. કાલિદાસને પણ ક્યાં નહોતું કહેવું પડ્યું કે –
पुराणमित्येव न साधु सर्वम्।
न चापि काव्यं नवमित्यवद्यम्।।
ને ભવભૂતિને પણ કહેવું જ પડ્યું હતું ને કે –
उत्पत्स्यतेऽस्ति मम कोऽपि समानधर्मा।
कालोऽह्ययं निरवधिर्विपुला च पृथ्वी।।
મને લાગે છે કે આપણે આ ‘નવી’ અને ‘જૂની’ પ્રત્યેના રાગ કે દ્વેષથી બને તેટલા મુક્ત થઈ જઈએ તો સારું, મુક્ત થઈશું તો જ આપણા રસના વિશ્વનો વ્યાપ વધશે ને તો જ આપણું આનંદાનુભૂતિનું ક્ષેત્ર વિશાળ બનશે.
મારી રસવૃત્તિને, અલબત્ત, એક મર્યાદા છે. જેમાં વક્તવ્ય અને અભિવ્યક્તિ, બન્નેનું અદ્વૈતરસાયણ સિદ્ધ થયું હોય અને જે મને આનંદરસમાં પરિપ્લાવિત કરીને કશુંક અદૃષ્ટપૂર્વ દેખાડતી હોય કે દૃષ્ટપૂર્વને કોઈક નવા જ કે જુદા જ દૃષ્ટિકોણથી દેખાડીને અદૃષ્ટપૂર્વ જેવું બનાવી દેતી હોય તેવી કૃતિઓ જ મને ગમે છે. એટલે કેવળ શબ્દરમત, કેવળ ચાતુર્ય, કેવળ લયલીલા કે અભિવ્યક્તિની કેવળ અપૂર્વતા કે અનન્યતા મને ઝાઝું આકર્ષી શકતાં નથી. નવીનતાનું નવીનતાને ખાતર જ આકર્ષણ તો હું જ્યારે નવીન કવિઓમાંનો એક ગણાતો હતો ત્યારે પણ મને કદી હતું નહિ. અને મને સમજાતી ન હોય એવી કવિતાને હું કદી માણી શક્યો નથી, માણી શકતો નથી.
‘થયું છે શું?’ દ્વારા હું પણ નવી કવિતાની ભાષા ટેકનિક પ્રમાણે કવિતા રચતો થયો છું એમ તમને લાગે છે તે જાણીને રાજી થયો. રાજી એટલા માટે થયો કે ભલે નવી કવિતાની ભાષા–ટેકનિક પ્રમાણે પણ રચાઈ છે કવિતા, એ તમારા જેવા પાસેથી સાંભળીને મને ધરપત મળે છે કે ‘નથી નથી વસંતે હજી ગઈ.’
પણ સાચું કહું તો ભાઈ, જૂનાની કે નવાની, કોઈની પણ પંગતમાં ‘હમ ભી ડીચ’ કરીને બેસી જવાની લાલચમાં, મારો ખ્યાલ છે ત્યાં સુધી, હું કદી લપટાયો નથી. હું જાણું છું કે નવીનોને acceptable થવા માટે હું ગમે તેટલાં નખરાં કરું તો પણ નવીનો મને નવીન તરીકે સ્વીકારવાના નથી અને હું હું મટી જઈશ એ નફામાં.
‘થયું છે શું?’ ને અન્તસ્તત્ત્વની દૃષ્ટિએ નવી કવિતામાં સ્થાન ન હોય. અભિવ્યક્તિ માટે હું અછાંદસ તરફ વળ્યો તે છેલ્લાં થોડાં વર્ષથી વારંવાર જોવા મળતા અછાંદસોની અજાણતાં પણ અનુભવાતી અસરને પરિણામે હોય તો હોય. હું ખાતરીપૂર્વક કશું કહી શકતો નથી.
1956થી 1971 સુધીની દોઢ દાયકાની કવિતામાં મારી કાવ્યવિભાવનાને વત્તે-ઓછે અંશે તર્પે એવી જે કવિતાઓ છે તે મને ગમે છે. અને એવી કવિતાઓ ઘણી છે. પણ એ કવિતાના સર્જકોમાંથી કોઈ major poet પાકે એમ મને દેખાતું નથી; કદાચ મારી દૃષ્ટિનો દોષ હશે.
પ્રશ્ન : ઝવેરીસાહેબ, કવિનો સ્વભાવ તેના કાવ્યસર્જનમાં ઉપયોગી કે બાધક ન નીવડે? વાત ભલે કવિના interiorની હોય પણ તેના આત્મલક્ષી ગમા–અણગમા તેની કાવ્યપ્રવૃત્તિમાં ભાગ ભજવતા હોય છે એમ મને લાગે છે. આપના કવિસમગ્રની પડતી મુદ્રાને શ્રી અનંતરાય રાવળે : ‘તેઓ શિષ્ટ પ્રણાલિકાની સંયમશોભન પ્રાસાદિક કવિતાના સ્વરથ (classical) કવિપ્રકૃતિના સર્જક છે’ કહીને વર્ણવી છે; તો બીજી બાજુ મને આપની કવિતામાં primitive force, લાગણીનો દદડાટ અને કૌતુકરાગીપણું ઓછાં વર્તાય છે; તેના કારણમાં પેલી ‘સ્વસ્થતા’ હશે એમ માનું છું. શ્રી ગુલાબદાસ બ્રોકરે આપનો પરિચય આપતા આપને ‘આશુરોષ’ અને પરસ્પર વિરોધી તત્ત્વસંઘર્ષી કહ્યા છે. ‘વિસંવાદ’, ‘બદલો’, વર્ષગાંઠોને પ્રસંગે ઉદ્ભવેલાં કાવ્યો, સ્વજનોપ્રતિ લખાયેલાં કાવ્યો અને અન્ય કાવ્યો આ પરસ્પર વિરોધી layersમાંથી કે એવા કશાક સંઘર્ષમાંથી નથી પ્રગટતાં? શું લાગે છે આપને? આપની સમગ્ર કવિતા પર દૃષ્ટિપાત કરતાં શી લાગણી થાય છે?
ઉત્તર : કવિનો સ્વભાવ એટલે કવિનો temperament એ જો તમને વિવક્ષિત હોય તો તેની અસર વિશેષ તો એના સામાજિક સંબંધો પર થાય; અને તેનો રંગ કવિની કવિતા વિશેના સમકાલીનોના પ્રતિભાવને પણ ક્યારેક લાગે. અને સમકાલીનોના પ્રતિભાવની અસર કવિના કાવ્યસર્જન પર પણ ક્યારેક થાય; જો કે સમકાલીનોએ કરેલા ધૂત્કાર કે ઉપેક્ષા વચ્ચે પણ જેમનો સર્જનસ્રોત સજીવ રહ્યો હોય તેવાં દૃષ્ટાન્તો જગત-સાહિત્યમાં વિરલ નથી. મનુષ્યમાત્રની જેમ કવિને પણ love, admiration અને hope જોઈતાં હોય છે. કવિને એ love, admiration અને hope એના સ્વભાવ દ્વારા મળ્યાં કે ન મળ્યાં હોય તો તેની અસર તેના સ્વભાવ પર અને સર્જન દ્વારા મળ્યાં કે ન મળ્યાં હોય તો તેની અસર તેના સર્જન પર થાય એમ સ્વીકારવું મને ઠીક લાગે છે.
કવિના આત્મલક્ષી ગમા–અણગમા તેની કાવ્યપ્રવૃત્તિમાં ભાગ ભજવતા હોય છે એમ તમને લાગે છે. મને લાગે છે કે વ્યક્તિઓ પ્રત્યેના ગમા–અણગમા અને વૃત્તિઓ, વિચાર, ભાવનાઓ આદિ પ્રત્યેના ગમા–અણગમા, એ બે વચ્ચેનો ભેદ આપણે સ્પષ્ટતાથી સમજવો જોઈએ. એમાંથી, વ્યક્તિઓ પ્રત્યેના ગમા–અણગમાની અસર કવિની કાવ્યપ્રવૃત્તિ એટલે કે કાવ્યસર્જન પ્રવૃત્તિ પર થતી હોય એમ મને નથી લાગતું. વ્યક્તિગત ગમા–અણગમાની અસર, કેટલીક વાર મનુષ્યની કાવ્ય ભાવન પ્રવૃત્તિ પર થતી હોય છે ખરી, પણ એ પણ થતી હોય છે મનુષ્ય જ્યાં સુધી mature – પક્વબુદ્ધિ ન થયો હોય ત્યાં સુધી જ. વૃત્તિઓ, વિચારો, ભાવનાઓ આદિ પ્રત્યેના મનુષ્યના ગમા–અણગમા એની કાવ્યપ્રવૃત્તિમાં ભાગ ભજવતા હોય છે. એ અમુક અંશે સાચું છે એમ કહીએ ત્યારે એનો અર્થ એટલો જ થતો હોય છે કે એવા ગમા–અણગમા તેનાં કાવ્યોમાં – કાવ્યવસ્તુની પસંદગીમાં કે ઊર્મિની અભિવ્યક્તિમાં – વારંવાર દેખાતા હોય છે, એવા ગમા–અણગમાને લીધે કવિની કાવ્યપ્રવૃત્તિ દ્રુત કે વિલંબિત, પૃષ્ટ કે ક્ષીણ થતી હોય છે એવો તેનો અર્થ નથી.
મારી કવિતાને માટે હું શું કહું? એને માટેનો અભિપ્રાય, અંતે તો, અધિકારી સહૃદયોનો જ પ્રમાણભૂત ગણાય. પ્રો. અનંતરાય રાવળે જે અભિપ્રાય આપ્યો છે તે મારી કવિતા વિશે આપ્યો છે અને શ્રી ગુલાબદાસ બ્રોકરે જે ખાસિયત નોંધી છે તે મારા સ્વભાવની કે વ્યક્તિત્વની, એમને જે દેખાઈ તે છે. પ્રો. રાવળ અને ગુલાબદાસભાઈ, બંનેની સૂઝ અને સમજ માટે મને આદર છે. હું જો સ્વસ્થ કવિપ્રકૃતિનો સર્જક હોઉં તો મારી કવિતામાં તમને Primitive force, લાગણીનો દદડાટ અને અને કૌતુકરાગીપણું ઓછાં વર્તાય તેમાં નવાઈ નથી; ઓછાં વર્તાવાં જ જોઈએ.
મારી પોતાની વાત બાજુએ મૂકીને કહું તો રુચિભેદે કોઈને કલાસિકલ પ્રકારની કવિતા વધારે ગમતી હોય છે; તો કોઈને રોમૅટિન્ક પ્રકારની. પણ સાચા કાવ્યરસિકને સંબંધ કવિતા સાથે હોય છે. અને સારી કવિતા, ઊંચી કવિતા પણ મળી જ આવે છે બન્ને પ્રકારોમાં.
મારા જે કાવ્યોનો નિર્દેશ તમે કરો છો તે કાવ્યો મારા વ્યક્તિત્વનાં પરસ્પરવિરોધી બે જુદાં જુદાં પાસાંઓ વચ્ચેનાં સંઘર્ષમાંથી નહિ, પણ મારી બુદ્ધિ અને હૃદય વચ્ચેની ઘડભાંજમાંથી જન્મ્યાં છે એમ મને લાગે છે.
મારી સમગ્ર કવિતા પર દૃષ્ટિપાત કરતાં, ખરું કહું તો મને ખાસ કંઈ લાગતું જ નથી; સિવાય કે ગુજરાતનો હું ઋણી છું ને આવતી કાલમાં મને શ્રદ્ધા છે.
પ્રશ્ન : આપે કુરુક્ષેત્ર વિષયક સાત કાવ્યોનું સર્જન કર્યું છે. એમાંયે આપનું ‘મહાપ્રસ્થાન’ ખંડકાવ્ય કલાની દૃષ્ટિએ સવિશેષ નોંધપાત્ર રહ્યું છે. ખંડકાવ્યના સર્જનનો આટલો અનુભવ આપને છે અને કાન્તનાં ખંડકાવ્યોને આપે પ્રશસ્ય અભ્યાસ કર્યો છે. આપણાં ખંડકાવ્યોના ઉપલક્ષમાં એવું વિધાન છે કે ‘કાન્ત પહેલાં અને પછી ગુજરાતીમાં ખંડકાવ્યો લખાયાં જ નથી!’ આ વિધાન અંગે આપનો શો પ્રતિભાવ છે?
ઉત્તર : ‘કાન્ત પહેલાં અને પછી ગુજરાતીમાં ખંડકાવ્યો લખાયાં જ નથી!’–એ વિધાન કોનું છે તેની મને ખબર નથી. પણ એ વિધાન મને આત્યન્તિક કોટિનું લાગે છે. કાન્ત પહેલાં પણ ખંડકાવ્ય લખાયાં છે; ને કાન્ત પછી પણ ખંડકાવ્યો લખાયાં જ છે. હું ન ભૂલતો હોઉં તો પ્રો. ચિમનલાલ શિ. ત્રિવેદીઓ ‘આપણાં ખંડકાવ્યો’ નામના એક સંગ્રહનું સંપાદન કર્યું છે. તેના પર નજર ફેરવી જવાથી આ હકીકતની પ્રતીતિ થશે.
એટલે ઉપર્યુક્ત વિધાનનો અર્થ માત્ર એટલો જ થાય કે એ વિધાન કરનાર વિદ્વાનની દૃષ્ટિએ ઉત્તમ ખંડકાવ્યો માત્ર કાન્તે જ આપ્યાં છે; બીજા કોઈએ પણ નહિ અને સાહિત્યમાં સ્થાન માત્ર ઉત્તમને જ હોય.
મને લાગે છે કે આ અભિપ્રાય કાન્તનાં પણ ખંડકાવ્યોનું સૂક્ષ્મ અને સવિવેક પરિશીલન કર્યા વિના ફેંકવામાં આવ્યો છે. એની ચર્ચા શી કરવાની હોય?
પ્રશ્ન : સંયોગશૃંગાર અને પ્રણયોલ્લાસ આપની કવિતામાં અલબત્ત છે જ; પણ ચિરવિરહ, પ્રતીક્ષા અને વિષાદની અનુભૂતિ આપની કવિતામાં સવિશેષ પ્રગટ થાય છે. તાત્ત્વિક અર્થમાં વિષાદ એટલે શું? આપને તેનું કેમ આકર્ષણ રહે છે?
ઉત્તર : ‘વિષાદ એટલે ખેદ; દિલગીરી, નિરાશા, હતાશા; અનુત્સાહ; વૈયર્થ્ય. એ બે રીતે જન્મે : જેને પામવાને ઝૂરતાં હોઈએ તે ન જ મળતું હોય ત્યારે; અને જે મળ્યું હોય તે તૃપ્તિનો ઓકાર ન ખવડાવતું હોય ત્યારે.
મારા સ્વભાવમાં આ બંને પ્રકારનો વિષાદ સ્થાયી થઈને પડ્યો છે એમ મને લાગે છે. વિષાદમાં પડ્યાં રહેવું મને ગમે છે કે I find luxury in grief કે હું વિષાદને સામે ચાલીને શોધવા જઉં છું એવું નથી; પણ કોણ જાણે કેમ પણ મારાથી વાસ્તવિકતાનો સ્વીકાર થઈ જ શકતો નથી. આટલું જાણે ઓછું હોય તેમ દુનિયાના રંગઢંગ જોઈને પણ મારી અકળામણનો પાર નથી રહેતો. હું બરાબર સમજું છું કે દુનિયા તો સદાકાળ આવી જ છે ને આવી જ રહેવાની છે, ને જે પરિસ્થિતિ સાથે માટે નાહવા – નિચોવવાનોયે સંબંધ નથી ને જે પરિસ્થતિ પર મારો કશો કાબૂ નથી તેનાથી દુઃખી થવું એ નકામું છે, તો પણ અકળાયા વિના હું રહી શકતો નથી. મારે જોઈએ છે એવી દુનિયા જ્યાં સામ્રાજ્ય સ્નેહ ને સૌમનસ્યનું હોય; જ્યાં મનુષ્ય મનુષ્યને શોભે તેવી રીતે જીવતો હોય, સ્વમાન અને ગૌરવપૂર્વક. જ્યાં સાધ્યની શુદ્ધિ જેટલું જ મહત્ત્વ સાધનોની શુદ્ધિને પણ અપાતું હોય; ને જ્યાં ભૌતિક સફળતાને જ જીવનનું ચરમ લક્ષ્ય બનાવવામાં ન આવતી હોય. મારી આસપાસના નાનકડા વર્તુળમાં હું એવી દુનિયાને ઉતારવાને ઝંખું છું, મથું છું; મારી પોતાની, મારા સાથીઓની ને મારા મિત્રોની નિર્બળતા મને નડે છે, ખટકે છે; ને ઢગલો થઈને હું ઢળી પડું છું; મૂંઝાઉં છું; ચિડાઉં છું; હતાશ થઈ જઉં છું. હું એેવો જડ અને અબુધ છું કે દુનિયાદારીના આટઆટલા અનુભવ પછી પણ હું નથી કંઈ શીખતો કે નથી ‘ચલતી હય’ કરી ને મારી જાતની સાથે સમાધાન કરી શકતો.
મારા વિષાદનું મૂળ, મને લાગે છે કે, આ છે.
પ્રશ્ન : આપના કાવ્યસર્જનમાં ઈશ્વર વિષેની શ્રદ્ધા પ્રગટ થાય છે. ‘થળથળ ઘેરી એ ઊભો આંખડી હોજી’ અને ‘ફૂલડાંની ફોરે એ તે ઘટડે ઘુટાણો’ આપ અનુભવો છો.
દરેક કવિને, જો એ ઈશ્વરમાં માનતો હોય તો, એ જુદે જુદે રૂપે પ્રતીત થાય છે. ડબલ્યુ. બી. યેટ્સે એ વિષે ઊંડા નિરીક્ષણથી કહ્યું છે :
My Christ, a legitimate deduction from the creed of st. Patric as I think, is that unity of Being Dante compared to a perfectly proportioned human body, Blake’s ‘Imagination’, what the Upanishads have named ‘Self’ nor is this unity distant and therefore intellectually understandable, but imminent, differing from man to man and age to age taking upon itself pain and ugliness, ‘eye of newt, and toe offrog.’
ઝવેરીસાહેબ, આપના ઈશ્વરનું કયું રૂપ છે? આપનો શો Concept છે ઈશ્વર વિષે?
ઉત્તર : મને ઈશ્વરમાં શ્રદ્ધા છે એ વાત સાચી છે; પણ મારી શ્રદ્ધા હજી એવી પ્રબળ નથી કે ઈશ્વરનું સાન્નિધ્ય હું પ્રતિક્ષણ અનુભવું ને મારી જાતને સર્વભાવથી તેને શરણે ધરી દઉં. મારી શ્રદ્ધા એવી પ્રબલ બને તો હું કૃતાર્થ થઉં એમ મને વારંવાર થયાં કરે છે ખરું; પણ એમાં મને મારા હૃદયમાં ઊંડે લપાઈ રહેલા ગૂઢ ને અકળ ભયનું કે જે મને નાગચૂડમાં જકડી રાખી મને મારા કોચલાની બહાર નીકળવા જ નથી દેતું જે મારા અહંનું કે જેણે હજી સુધી તો મોટે ભાગે કામ કર્યું છે સંશયો શમાવવાનું નહિ, પણ સંશયો ઉઠાવવાનું જ એવી મારી બુદ્ધિનું વ્યવધ્યાન મને નડ્યાં કરે છે. મારા ગુરુજી(જેમનું રેખાચિત્ર મારા ‘ચિત્રાંકન’માં મેં આલેખ્યું છે તે)નો કૃપાપ્રસાદ મેં જીવનમાં અનેક વાર અનુભવ્યો છે. તેમની આજ્ઞા પ્રમાણે હું અનુકૂળતા હોય ત્યારે યથાશક્તિ સ્તવન, પૂજન આદિ કરું છું; પણ મારી જાતને હું ભક્ત માનતો નથી, કારણ કે ભક્તનું ભાવપ્રવણ હૃદય મારી પાસે નથી; મારી જાતને હું જ્ઞાની માનતો નથી, કારણ કે મારી દૃષ્ટિ પરથી પૃથ્વીનાં પડળ ઊતર્યા નથી, મારી દૃષ્ટિ સમ બની નથી અને ચિત્ત ચૈતન્યવિલાસતદ્રુપ થયું નથી. હું આવો થઉં એવો મનોરથ હું સેવું છું ખરો; પણ એવા થવા માટે ઈશ્વરની જે કૃપા જોઈએ તેને પાત્ર હું થઈ શકતો નથી તેનું મને દુઃખ છે.
પ્રત્યક્ષ અનુભૂતિના પ્રમાણથી નહિ કે નિશ્ચલ શ્રદ્ધાભાવથી પણ નહિ, પણ મનન ચિંતન આદિથી જ ઈશ્વરનું જે સ્વરૂપ હું નિર્ધારું છું તે કંઈક આવું છે :
મોરમુગટ પિતાંબરધારી મુરલીધર મુરારી મારી કલ્પનામાં કોઈ કોઈ વાર તરી રહે છે; ને ભાવાર્દ્ર કંઠે ગવાતાં મીરાં જેવાના કોઈ ભજનમાં એનો ઉલ્લેખ સાંભળતાં કોઈ કોઈ વાર મારાં રૂંવાડાં ખડાં થઈ જાય છે ને હૃદયના મર્મો હાલી ઊઠે છે. પણ મારો ઈશ્વર એ નથી. પણ મારા ઈશ્વરને હું ભલે અલૌકિક પણ માનવદેહધારી વ્યક્તિ તરીકે કલ્પી શકતો નથી.
મારા ઈશ્વર આ સચરાચર વિશ્વની સદ્ તેમ જ અસદ્, એકએક, નાની કે મોટી કોઈ પણ વસ્તુની પાછળ જે ચૈતન્યતત્ત્વ રહેલું છે તે છે. એ ચૈતન્યતત્વ, એ यिति, સ્વયંભૂ છે, શાશ્વત છે. અનાદિ અને અનંત છે, સર્વવ્યાપી અને સર્વાધાર છે. આ સદસદાત્મક વિશ્વના અણુરેણુમાં એ વ્યાપ્ત હોવા છતાં અને વિશ્વના પદાર્થ માત્ર ઉત્પત્તિ, સ્થિતિ અને લયના અવિરત ચક્રની સાથે બંધાયા હોવા છતાં એ ચૈતન્યતત્ત્વને નથી ઉત્પત્તિ, નથી સ્થિતિ, નથી લય; કારણ કે ભૂતમાત્રની ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરનાર શક્તિ એ પોતે જ છે. એ ચૈતન્યતત્ત્વ માત્ર બાહ્ય વિશ્વનાં જ જડ અને સજીવ તત્ત્વોમાં વ્યાપ્યું છે એવું નથી; માનવમનની સદ્ વૃત્તિમાત્રમાં પણ વ્યાપ્યું છે. શ્રી, મેધા, કાન્તિ, તુષ્ટિ, દયા અને ક્ષમા આદિ જ નહિ, પણ ભીતિ, તૃષ્ણા, ક્ષુધા આદિનાં સ્ફુરણ પાછળ પણ એ જ ચૈતન્યતત્ત્વ રહેલું છે. એને આધારે સૌ ટકે છે. એ કોઈને આધારે ટકતું નથી. એ સૌને નિયમથી નિયંત્રે છે; એને કોઈ નિયમ નિયંત્રતો નથી; કારણ કે સર્વનિયન્તા નિયમ એ પોતે જ છે. એ એક જ છે; તેના સિવાય બીજું કશું નથી. એ પૂર્ણ પારાવાર છે. બાહ્યભ્યન્તર
જગતના પદાર્થો તો તેના છે આવર્ત, બુદબુદ ને તરંગો જ કેવળ.
પ્રશ્ન : સાહિત્યના સુદીર્ઘ શિક્ષણ–અનુભવને અંતે આપ કંઈ કહેવા ઇચ્છો છો?
ઉત્તર : ના જી. સિવાય કે પુનર્જન્મ હોય ને તે માનવીને એની ઇચ્છા પ્રમાણે મળતો હોય તો હું जननान्तरेडपि શિક્ષક અને તે પણ સાહિત્યનો જ શિક્ષક થવા ઇચ્છું તે.
પ્રશ્ન : આ વસુંધરા પરથી જતાં જતાં એક કવિ તરીકે વસિયતનામામાં શું લખી જાઓ, ઝવેરીસાહેબ?
ઉત્તર :
વેદના મારી હું મારી સાથે લેતો જાઉં છું;
જાઉં છું મારો મૂકી આનંદ, કાજે આપને;
જો ઘડી એ આપની હળવી શકે કરી વેદના!