ઉવેખાયેલી વાર્તાઓ/જૅકબ સર્કલ, સાત રસ્તા
સુમિત્રાની મૂંઝવણનો પાર નહોતો નવરાત્રિના દિવસોમાં જ અતુલે એની ગાડી ‘સર્વિસ’માં નાખેલી, તેથી સુમિત્રાને ગરબાનાં રિહર્સલો માટે છેક દાદરથી ઓપેરા હાઉસ સુધી પહોંચવામાં પારાવાર મુશ્કેલી પડતી હતી. બે દિવસ તો એણે ઓળખીતાઓની ગાડીમાં ‘લિફ્ટ’ માગીને રોડવેલું. પણ આજે રિહર્સલનો સમય જરા કઢંગો નક્કી થયો હોવાથી એ સમયે કોઈ સ્નેહીની ગાડી સુલભ નહોતી. દશેરાને દહાડે જ ઘોડું - એટલે કે ગાડી - ન દોડે એ આનું નામ. સુમિત્રાએ અતુલ ઉપર જે ચીડ ચડી એ બધી મહારાજ અને ઘાટી ઉપર ઠાલવી અને તો પણ જે થોડોક રોષ વધ્યો એનો લાભ નાનાં બાળકોને આપી દીધો. મારા નસીબમાં - એટલે કે પગમાં - વાહનયોગની રેખા જ નથી. અને અતુલના પગમાં જે વાહનયોગ અંકિત છે, એ બરોબર સુસ્પષ્ટ નથી લાગતો. લગ્ન પહેલાં ભેટેલો પેલો બદમાશ જ્યોતિષી મને બનાવી જ ગયો લાગે છે: ‘બહેન, તમારા પતિભવનમાં વાહનનું સુખ છે!’ પથરા વાહનનું સુખ મળ્યું મને! જ્યોતિષીની આગાહી સાંભળીને સહીપણીઓએ સાચી જ મજાક કરેલી: ‘સુમિત્રા, તું તો ટૅક્સી ડ્રાઇવરને પરણવાની!’ કપાળ વાહનયોગ! અતુલ મહિનામાં બે વાર તો એની ઠોચરા જેવી જૂની શેવ્રોલેટને સર્વિસમાં નાખી આવે છે અને ઑફિસે જવા માટે બસ-સ્ટૅન્ડ ઉપર લાંબી લાંબી ક્યૂમાં ઊભે છે... બીજી એક બહેનપણીએ પેલા વાહનયોગની વાત ઉડાવી નાખેલી એ છેક ખોટી નહોતી. એમ જોવા જઈએ તો તો બધા જ બસ-કન્ડક્ટરોનાં પગમાં વાહનયોગની રેખા હોવાની જ, ફેર માત્ર એટલો કે એમણે બેઠા બેઠા પ્રવાસ કરવાને બદલે ઊભા ઊભા જ વાહનસુખ ભોગવવાનું હોય છે! આ બધું યાદ કરીને સુમિત્રા સમસમી રહી. અને હવે તો બાળકો પણ બધાં શાળાએ સિધાવી ગયાં હોવાથી આ નવો રોષ પોતાની ઉપર ઠાલવી રહી: મારી અક્કલ બહેર મારી ગઈ હતી કે હું અતુલને પરણી! અતુલ! કેવો મૂંજી માણસ છે! ગાડી રિપેરમાં આપે એટલા દહાડા કારખાનાવાળાની ગાડી વાપરવા નથી લાવતો. કારણ? સર્વિસના પૈસા પૂરા નહીં આપતો હોય. એનો સ્વભાવ જ ચિંગૂસ છે. નહિતર આ ખડખડપંચમ જેવો ખટારો કાઢી નાખીને પેલાં લીનાબહેન પાસે છે એવી નવા મૉડેલની ‘લેન્ડમાસ્ટર’ ન વસાવી લે! ગાડીનું કલર-કોમ્બિનેશન પણ કેટલું સરસ છે! બોડી સિલ્વરનું ને હુડ ચોકલેટનું. લીનાબહેન મરૂન બ્લાઉઝ ને ચંદેરીની સફેદ સાડી પહેરીને બેસે છે ત્યારે ગાડી સાથે કેવાં ‘એકરંગ’ થઈ જાય છે! આવા વિચારમાંથી અનાયાસે સુમિત્રાની નજર ડ્રેસિંગ મિરર ઉપર પડી ગઈ. છિ: છિ: મારે તે હવે શા રંગો પહેવાના! પથરા વેશપરિધાન કરવાના! મારે તો જિંદગીનો એક જ શાશ્વત રંગ રહ્યો: ‘બેસ્ટ’ની સાર્વજનિક બસમાં રંગ સાથે સુમેળ સાધતો સિન્દૂરિયો જ... સિન્દૂરિયો? હાય રે હાય! એ તો ભગવા જેવો રંગ; વૈરાગ્યનો, વિરક્તિનો રંગ; બાવાસાધુ ને અતીત-અભ્યાગતનો રંગ... પણ એમાં શો વાંધો? મને આ સંસારમાં હવે શો રસ રહ્યો છે? આ તો બાવાસાધુ કરતાંય બદતર જીવન છે. બુદ્ધિ બહેર મારી ગઈ હતી તે અતુલ જોડે પનારા પાડ્યા! અત્યારે અતુલ હાજર હોત તો એને મોઢામોઢ પરખાવી દેત. હા, સાચી વાત કહેવામાં શરમ શાની વળી?... પણ અત્યારે એ હાજર નથી તેથી શું? ઘરમાં ટેલિફોન તો છે ને! ચાલ, ટેલિફોન ખખડાવું, ને ભેગો અતુલને પણ ખખડાવી નાખું... ક્રુદ્ધ સુમિત્રાએ રોષથી કંપતે હાથે રિસીવર ઉપાડ્યું. દાંત કચકચાવતાં, ડાયલને ભયંકર આંચકા આપતાં આપતાં એણે નંબર ફેરવ્યો... ‘હલ્લો!’ કહેવા જેટલો શિષ્ટાચાર પણ આજે સુમિત્રાને પરવડી શકે એમ નહોતો. એણે તો સામેથી અતુલનો અવાજ પરખાતાં જ જીભમાંથી ધડધડધડ કરતી ગોળીઓ વરસાવવા માંડી: ‘હું જાઉં છું... રિહર્સલમાં... તારે શી ચિંતા? બસમાં જઈશ, ટ્રામમાં જઈશ, બળદગાડીમાં જઈશ, અરે ચાલતી ટાંટિયાતોડ કરતી જઈશ... તારે શી ચિંતા...?’ જાણે કે અતુલને જ મારવા ઉગામેલું હોય એમ રિસીવર જોશભેર નીચે પછાડતાં, સામેથી અતુલના ત્રુટકછૂટક શબ્દોનાં ધ્વનિઆંદોલનો ઓરડાના વાયુમંડળમાં ફેલાઈ ગયાં: ‘આપણી ગાડી... આજે...’ ‘જહન્નમમાં ગઈ આપણી ગાડી! ખરે ટાણે આપણને જ ઉપયોગમાં ન આવે એ ગાડી આપણી શાની?’ દાંત કચકચાવતાં જ એણે ચંપલ પહેરી લીધાં અને રોષથી હાંફતી હાંફતી ધડધડધડ દાદર ઊતરી ગઈ. અરે! ફરી ટેલિફોનની ઘંટડી કેમ વાગી? કોનો ફોન હશે? કદાચ મહિલા સમાજની ઑફિસમાંથી જ... સહુ બહેનો આવી ગઈ હશે અને રિહર્સલ માટે મારા દિગ્દર્શનની જ રાહ જોવાતી હશે... અતુલને પાપે હું મોડી થઈ. હવે ફોન ઉપાડવા પાછી જાઉં?... ના રે, ઊલટાનો એટલો સમય બગડશે ને એટલી વધારે મોડી થઈશ... એ તો સમજી જશે - રિસીવર ઊપડતું નથી એટલે હું નીકળી જ ગઈ હોઈશ... દાદરને છેલ્લે પગથિયે સુમિત્રાને વિચાર આવ્યો: કદાચ અતુલ પોતે જ ફરીથી ફોન જોડતો હશે? હા, મેં એને અરધેથી કાપી નાખ્યો છે એટલે ખિજાયો હશે. કદાચ... તો તો, એ એ જ લાગનો છે... હવે તો રિસીવરને અડકું જ નહીં ને! એની જોડે વાત કરે એ જ બીજી... ‘મેમસા’બ, ટૅક્સી પાહિજે?’ ફૂટપાથ પર પહોંચતાં જ એક પોરિયાએ પૂછ્યું. મરે રે મૂઓ, મને મેમસા’બ કહીને મશ્કરી જ કરે છે કે બીજું કાંઈ? આ હું ચાર ચાર છોકરાંની મા, હવે શું મેમસા’બ જેવી લાગું છું? હા, એક જમાનો હતો... કૉલેજના દિવસમાં... વરણાગિયા જુવાનો મને ‘વિવિયન લેહ’ કહીને બોલાવતા... અતુલ પણ એમાંનો જ એક... અને એમ કરીને જ મને ફોસલાવી ગયો ને!... પણ હવે!... ગુજર ગયા વો ઝમાના... આજે તો હું ગરીબડી ગૃહિણી બની ગઈ છું... પણ એમ તો વિવિયન લેહ પણ ક્યાં પહેલાંની વિવિયન રહી છે? એને પણ આખરે પરણવું જ પડ્યું ને!... માર ઝાડુ તારી ટૅક્સી... મારે નથી બેસવું. મહિલા સમાજના ગરબાની ડિરેક્ટર આવી સાત આને માઇલવાળી ટૅક્સીમાં બેસે? હાય હાય! કોઈ જોઈ જાય તો મારું તો ઠીક પણ મહિલા સમાજનું સ્ટેટસ શું રહે? ના, ના, આબરૂના કાંકરા કરવા જ છે, તો પછી ટૅક્સી, બસ કે ટ્રામ બધું જ સરખું. લાવ જીવ, આ બસ ઑપેરા હાઉસ જાય છે તો એમાં જ ચડી બેસું... આદતનું જ જોર, બીજું શું? આ બસ-રૂટ તો ચિરપરિચિત... કૉલેજ જવા માટે ચચ્ચાર વર્ષ સુધી આ માર્ગ ઉપર આવી જ બસમાં સવારસાંજ પ્રવાસ કરેલો એ વાતને તો પૂરો એક દાયકો વીતી ગયો. હા, કૉલેજ છોડ્યાને તો પૂરાં દસ વર્ષ થઈ ગયાં! એક દાયકો! એક દાયકામાં તો સુમિત્રાના દિલની દુનિયા કેટલી બધી પલટાઈ ગઈ હતી! દાયકા પહેલાં હું માત્ર એક વિદ્યાર્થિની હતી. ક્લાસની બીજી બહેનપણીઓ કરતાં જરા વધારે ‘સ્માર્ટ’ તરુણી હતી. આજે?... હું એક પ્રતિષ્ઠિત ગૃહિણી છું... એક માઇનિંગ કૉર્પોરેશનના જનરલ મૅનેજરની પત્ની... અતુલ વીમાવાળાની હું અર્ધાંગના...! મહિલા સમાજની મંત્રિણી... દાદર વૉર્ડની કોંગ્રેસ સમિતિની એક મોવડી.. આવતી ચૂંટણીમાં હું સુધરાઈમાં જઈશ... જતે દિવસે નગરપાલિકાના મેયરપદ સુધી પહોંચવાનો માર્ગ મોકળો છે... અને કોને ખબર છે, હવે તો મહાદ્વિભાષી મુંબઈ રાજ્યની વિધાનસભામાં નવજાગ્રત ગુર્જર નારીનું પ્રતિનિધિત્વ રજૂ કરવાની જવાબદારી પણ કદાચ મારે માથે જ આવે... અને ધારાસભ્ય બનું પછી તો પ્રધાનમંડળમાં એકાદ નાયબ પ્રધાનનો પૉર્ટફોલિયો સ્વીકાર્યા વિના છૂટકો છે? ઇડિયટ અતુલને મારી આ ભાવિ કારકિર્દીનું જરાસરખુંય ભાન હોત તો મને આમ સાર્વજનિક બસમાં ઠેબાં ખવડાવત ખરો? હાશ! સારું થયું. આ બસ-કન્ડક્ટર મને ઓળખતો નથી... બિચારા જીવે મૂંગા મૂંગા જ મને હજારો-લાખો પ્રવાસીઓમાંની એક ગણી અને એ તો ચાલતો થઈ ગયો. પણ ભોગજોગે એની જ બૈરી મારા ગરબામાં ઊતરી હોય ને અતુલની જેમ આ કન્ડક્ટર પણ પતિહક્કને દાવે ગરબા જોવા આવી ચડે ને મને ઓળખી કાઢે તો મહિલા સમાજની મંત્રિણી તરીકે તો મારો રકાસ જ થાય કે બીજું કાંઈ? ટનટન... પરેલ પોયબાવડી! ટનટન... લાલ બાગ! હૈ કોઈ? અજી ઠહરો!... પહિલે આદમી કો ઊતરને દીજિયે!... જાગા નહીં હૈ... આપ દૂસરી બસમેં આઇયે! પીછે હી આ રહી હે... ‘આપ દૂસરી બસમેં આઇયે!... પીછે હી આ રહી હે!’ કન્ડક્ટર આ બધું કોને સંભળાવી રહ્યો છે? પેલાં આર્થર રોડ જેલ પાસે લાંબી ક્યૂમાં ઊભેલાં ને વધેલા એકસેસ પેસેન્જરોને? ના, ના, મને જ કહેતો લાગે છે... આ બસને બદલે બીજી લીધી હોત તો? એકની પાછળ જ બીજી બસ આવતી હોય છે, એવું અત્યંત સાદું સત્ય પણ મને નહીં સમજાતું હોય?...’ જિંદગીની આ બસમાં બેઠી જ ન હોત તો? ઘણીય સ્ત્રીઓ અવિવાહિત જીવન ગાળે જ છે ને? ભાઈ કન્ડક્ટર! તારી સલાહ માટે શુક્રિયા, પણ હવે એનો અમલ કરવો શક્ય નથી... મારી જીવનમજલની ટિકિટ તો ક્યારની કપાઈ ચૂકી છે... હવે તો જેમ તેમ કરીને, આજે ખમી રહી છું, એવી હીણપતો ખમીખમીને પણ આખરી મંજિલ સુધી પહોંચવું જ પડશે... જૅકબ સર્કલ, સાત રસ્તા! અવાજ સાંભળીને સુમિત્રા ઝબકીને જાગી. આ તો ચાર ચાર વરસ સુધી સાંભળેલા શબ્દો! અરે દાયકા પછી પણ અહીં એ જ દૃશ્ય જોવા મળે છે... એનું એ જ બસ-સ્ટૅન્ડ, આજુબાજુમાં એ જ દુકાનો, અરે, એની ઉપરનાં પાટિયાં પણ દશ વરસ પહેલાંનાં જ છે. કશું જ બદલાયું નથી!... કશું જ બદલાયું નથી?... ના, એક માત્ર હું બદલાઈ ગઈ છું. ચાર મંગતા, ચાર... લાઇન સે, પહેલે ચાર આ જાઓ!... લાઇનમાંથી પહેલા ચાર ઉતારુ અંદર આવી ગયા. બે વિદ્યાર્થી, એક ઘાટણ અને...અને એક...? અરે! આ તો પેલો દાયકા પહેલાંનો જ જૂનો જોગી... કોઈ મિલના મિકૅનિક જેવો જ લાગતો આ માણસ હજીય અહીંથી જ અને આ સમયે જ બસમાં બેસે છે? એક દાયકા પછી પણ એની દિનચર્યા બદલાઈ નથી?... ક્યાંથી બદલાય? એ કાંઈ થોડો સુમિત્રા શ્રોફ મટીને શ્રીમતી સુમિત્રા વીમાવાળા જેવી વિવર્તલીલામાંથી પસાર થયો છે? એ ભલો જીવ હજીયે એની જૂની નોકરીને વળગી રહ્યો હશે...! અરે પણ એક દાયકામાં એના દીદાર કેટલા બદલઈ ગયા છે! દસ વર્ષ પહેલાં એનો ચહેરો કેટલો પ્રફુલ્લ ને તાજગીભર્યો લાગતો હતો! અને આજે? મહાકાળની કૂચકદમ આ દેદીપ્યમાન ચહેરા ઉપર ચાસ પાડતી ગઈ છે. જિંદગીની ઘણીય લીલીસૂકી જોવી પડી હશે. ભલો જીવ સુખદુ:ખની સંતાકૂકડીમાંથી પસાર થયો હશે. ઘણાય આદર્શો ને અરમાનોને નિષ્ઠુર બનીને દાબી દેવા પડ્યા હશે. જિંદગીમાં ડગલે ને પગલે તડજોડ કરવી પડી હશે. મુગ્ધાવસ્થામાં સેવેલાં સપનાં સાચાં નહીં પડ્યાં હોય, ત્યારે હતાશ થયો હશે. જિંદગીની કિતાબનાં પૃષ્ઠો પોતાની કલ્પનાસૃષ્ટિ સાથે મેળ નહીં ખાતાં હોય, ત્યારે એનું અનેક વાર ભ્રમનિરસન થઈ ગયું હશે. અને એ કારણે જ એના ચહેરા પર અકાળે વાર્ધક્ય આવી બેઠું હશે... આ બધું હું કોનું વર્ણન કરી રહી છું? પેલા પ્રવાસીનું કે મારું? પોતાનું જ તો!... એના ચહેરાની આરસીમાં હું મારા ચહેરાના ચાસ નિહાળી રહી છું... હું તો રોજેરોજ ચાટલામાં મારું મોઢું જોઉં એટલે ક્યાંથી ખબર પડે કે મારું વાર્ધક્ય કેટલું વધી ગયું છે? અત્યારે દસ વર્ષ પહેલાંના એક અજાણ્યા સહપાંથ સમવયસ્કના દીદાર જોઈને મારા દીદારનો મને ખ્યાલ આવ્યો... જૅકબ સર્કલ, સાત રસ્તા! બસ સ્ટૅન્ડ તો ગયું, પણ એ સ્થળ સુમિત્રાની આંખ આગળથી ખસ્યું નહીં. સાત સાત સ્થળેથી છિન્નભિન્ન થયેલું એ વર્તુળ... સુમિત્રાની છિન્નભિન્ન ભાવનાસૃષ્ટિ સાથે કેવો સરસ મેળ મળે છે! એક દાયકા પહેલાં આ સર્કલમાંથી પસાર થતી વેળા તો કેવાં કેવાં ગુલાબી સમણાંનો સંગાથ હતો! જિંદગી વિશે પરીઓની સૃષ્ટિ જેવી મસ્ત અને રંગીન ખ્યાલાતો મનમાં રમતી હતી... અને આજે એ વર્તુળ કેવું વરવું લાગે છે! આખી ચિત્તસૃષ્ટિ જાણે કે ચૂર્ણવિચૂર્ણ થઈ ગઈ છે... એની આખી લાઇનમાં આ સાત રસ્તાનાં સાત સાત ગાબડાં પડ્યાં છે... જાણે કે અકબંધ વર્તુળમાંથી ઊપસતા વિકલ્પો. બધી જ જાહેર પ્રવૃત્તિઓ સમેટી લઈને ગૃહજીવનના કોશેટામાં ભરાઈ જાઉં?... બધી જ મનીષાઓ-મહેચ્છાઓને મારી નાખું? બધી જ જાહેર સંસ્થાઓમાંથી રાજીનામાં આપી દઉં? જિંદગીની કોરી કિતાબ ફરીથી પહેલે પાનેથી શરૂ કરું? હવે તો બાળકોને જ મારો શેષ જીવનપ્રવાહ સમજીને એમનામાં મારું આત્મવિલોપન કરી નાખું? દામ્પત્ય એટલે જ તડજોડ ને સમાધાનની એક સળંગ પરંપરા, એમ સમજીને જીવો ને જીવવા દો જેવું સહઅસ્તિત્વ સ્વીકારી લઉં?... કે પછી એક વાર તો સઘળી હિંમત એકઠી કરીને અતુલને મોઢામોઢ જ સંભળાવી દઉં કે, હું કાંઈ તારી ગુલામડી... ‘ઑપેરા હાઉસ!’ કન્ડક્ટરનો ઘોઘરો અવાજ કાન પર અથડાયો, છતાં સુમિત્રાની વિચારતંદ્રા ઊડી નહીં, તેથી એણે ફરી વાર સ્પષ્ટતાથી કહેવું પડ્યું: ‘બહિનજી, યહ બસ ઇધર ખતમ હોતી હૈ!’ હવે સમજાયું! આ બસ અહીં પૂરી થાય છે!... આ વિચારસંક્રમણનો પણ અહીં જ અંત આવવો ઘટે... સુમિત્રા આછેરું મલકીને ઊભી થઈ... બસની મુસાફરી ભલે ને પૂરી થઈ. એ તો એક બસ-રૂટનું વિરામસ્થાન આવ્યું, વિચારસંક્રમણનું વિરામસ્થાન એ થોડું હતું?... મહિલા સમાજની ઑફિસે પહોંચતાં સુધીમાં તો એ તૂટેલી વિચારધારા ફરી ચાલુ થઈ ગઈ. આજે સાંજે અતુલ ઘેર આવે એટલી જ વાર... રોકડું જ પરખાવી દઉં... સાચી વાત કહેવામાં વળી શરમ શાની? ‘આવો સુમિત્રાબહેન, આજે તો કાંઈ મોડું થઈ ગયું?’ મહિલા સમાજનાં પગથિયાં ચડતાં જ સુમિત્રાને કાને અવાજો અથડાવા લાગ્યા: ‘બધી જ બહેનો વેળાસર આવી ગઈ છે...’ સુમિત્રાને જવાબ આપવાનું મન તો થયું: ‘બધી જ બહેનો જેટલી હું નસીબદાર નથી, બધી જ બહેનો જેટલી હું સુખી પણ નથી...’ પણ સમય જોઈને એ શબ્દો ગળી ગઈ. વિચાર્યું: ઘરનો કજિયો ગામ આગળ ક્યાં ગાવા બેસવું? ‘અતુલભાઈનો બે વાર તો ફોન આવી ગયો!’ ઑફિસના પટાવાળાએ કહ્યું. ‘બે વાર?’ સુમિત્રાને નવાઈ લાગી. ‘હા. તમને ફોન કરવાનું કહ્યું છે.’ મને ફોન કરવાનું કહ્યું છે! ફોન કરે છે મારી બલારાત!... સાત વાર એને ગરજ હોય તો એ મને ફોન કરે. મારે જવાબ આપવો હશે તો આપીશ, નહિતર પટાવાળો જ સીધું સંભળાવી દેશે કે બહેન રિહર્સલમાં છે... સુમિત્રા ક્રુદ્ધ હોવા છતાં આજે રિહર્સલ સરસ જામ્યું. એણે છેલ્લી ઘડીએ દિગ્દર્શનમાં કેટલીક નવીનતાઓ ઉમેરી અને બહેનોએ એ અપનાવી. વચ્ચે એક વાર પટાવાળાએ આવીને જરા ખલેલ કરી: ‘અતુલભાઈનો ફોન છે...’ પણ સુમિત્રાએ એ કહેણ કાને ધર્યું જ નહીં. ‘કહી દે, રિહર્સલ ચાલે છે,’ એટલું જ સંભળાવી દીધું અને ગરબા ચાલુ રાખ્યા. આજના ગરબામાં સરસ હીંચ જામી. નવાં ગીત, નવા બોલ, નવો તાલ, નવી સુરાવટ, નવું દિગ્દર્શન... હવે આવતી કાલે પ્રેક્ષકોની ‘વાહ વાહ!’ સાંભળવા સુમિત્રા અધીરી થઈ રહી. સાંજે છેક છ વાગ્યે રિહર્સલ પૂરું થતાં સહુ બહાર નીકળ્યાં. પગથિયાં પર જ પટાવાળો સંદેશો લઈને ઊભો હતો: ‘અતુલભાઈ આવી ગયા છે.’ ‘ક્યાં છે?’ સુમિત્રાએ કરડાકીથી પૂછ્યું. ‘સામી ફૂટપાથ પાસે ગાડી થોભાવી છે.’ ‘ગાડી?’ સુમિત્રાએ આતુરતાથી સામી ફૂટપાથ તરફ જોયું, પણ ત્યાં તો અતુલની ઐતિહાસિક નમૂના સમી શેવ્રોલેટ ક્યાંય જોવા જ ન મળી. ‘મને બનાવે છે કે શું? કે પછી એ ટેક્સી લઈને આવ્યો છે?’ સુમિત્રા હજીય રોષ ભર્યા વિચારો કરતી હતી ત્યાં જ સામેની એક ગાડીમાંથી અતુલે એને ‘વેઇવ’ કર્યું. જોયો મોટો વેઇવ કરનારો મને!... ઓહોહો, કાંઈ વહાલ ઊભરાઈ ચાલ્યું છે ને!... પોતે ભાઈસાહેબ કોઈક પારકાની ગાડીમાં લિફ્ટ લઈને આવ્યા છે ને માથેથી મારા ઉપર આટલો ઉપકાર કરવા અધીરો થઈ રહ્યો છે... અતુલ ગાડીમાંથી ઊતરીને, અંગ્રેજી શબ્દ પ્રમાણે વાચ્યાર્થમાં જ સુમિત્રાને ‘અરધે રસ્તે’ મળ્યો. ‘આ કોની ગાડી ઉઠાવી લાવ્યો છે?’ ‘એની માલિકી તો કૉર્પોરેશનની જ છે, પણ આજથી એ આપણા ઉપયોગ માટે છે. કોઈની તફડંચી કરી નથી...’ ‘કોની ગાડી?’ સુમિત્રાને હજી કશું સમજાતું નહોતું, ‘કઈ ગાડી?’ ‘આ જ ગાડી... લેન્ડમાસ્ટર!... લીનાબહેન પાસે છે એ જ મોડેલ, આબેહૂબ!’ ‘સાચું કહે છે? આ આપણી ગાડી?’ ‘હા જ તો, કૉર્પોરેશનના ડિરેક્ટરોએ નક્કી કર્યું. શેવ્રોલેટનો સર્વિસ ચાર્જ એમને ભારે પડે છે. આ ગાડી કંપનીની, ઉપયોગ આપણે કરવાનો...’ ‘ને શૉફર?’ સુમિત્રાએ કરડાકીથી પૂછ્યું. ‘એ તો હું છું જ ને!’ અતુલે હસીને કહ્યું. ‘તું શૉફર?’ ‘માત્ર તારા પૂરતો, સહુને માટે નહીં...’ સુમિત્રાથી પહેલી જ વાર નછૂટકે હસાઈ ગયું... પણ પછી એ મુશ્કુરાહટને રોકવી મુશ્કેલ હતી. ‘તેં રિસીવર પછાડીને મૂકી દીધું એ પછી મેં કેટલા બધા ફોન કરી જોયા!...’ નાયર હૉસ્પિટલ પાસેથી પસાર થતાં અતુલ કહેતો હતો, ‘પણ પછી મને થયું કે તેં કદાચ રિસીવરના જ બે ટુકડા કરી નાખ્યા હશે, તેથી મેં..’ સુમિત્રાને નછૂટકે ખડખડાટ હસવું પડ્યું. ગાડી જૅકબ સર્કલ પહોંચી અને સુમિત્રા એ વિશાળ ઉદ્યાનને આંખ ભરીને અવલોકી રહી. કેવું નયનાભિરામ વર્તુળ છે! - એકસરખી ત્રિજ્યાવાળું, સુરેખ ને સોહામણું... સાત સાત માર્ગોનું મિલન કેવી મઝાની અખિલાઈ ધરાવે છે! અનાયાસે જ સુમિત્રાની આંખ અતુલ તરફ વળી. અતુલને ટ્રાફિકના અકસ્માતનું જોખમ ખેડીને પણ સુમિત્રા તરફ જોવું પડ્યું. સુમિત્રાએ અતુલની આંખમાં આંખ પરોવી... પણ એક વફાદાર ‘શૉફર’ તરીકે એને સામેની ટ્રાફિક લાઇટ નિહાળવા માટે નજર ખેંચી લેવી પડી...