ઋણાનુબંધ/બગીચો રચવાની કળા

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
બગીચો રચવાની કળા


આપણે એમ માનીએ છીએ
અને
ક્યારેક ન માનતા હોઈએ તોપણ
મનાવીએ છીએ
કે
આપણે જ્યાં વસીએ છીએ
ત્યાં જિંદગી છે.
જિંદગી
આપણે ન હોઈએ ત્યાં પણ
એવા કોઈ અજાણ્યે સ્થળે
આપમેળે
નદીના પ્રવાહની જેમ
વહેતી હોય છે.
આ પ્રવાહમાં
જો આપણે
દીપ પ્રગટાવીને
એને જળમાં વહેતો કરીએ
તો

જિંદગી નહીં તો શું છે?

હું
અત્યારે
મારા ફિલાડેલ્ફિયાના ઘરમાં
રવિવારની સવારે
મારી સાથે બેઠી છું.
અને છતાંય
મને આંખ સામે
વૉશિંગ્ટન, બૉસ્ટન, ન્યૂયૉર્ક, મુંબઈ
મારું અંધેરીનું ઘર—
આ બધું જ દેખાય છે.
પ્રત્યેક સ્થળે
મારાં સ્વજનને પણ
હરતાંફરતાં જોઈ શકું છું.
દેખાય છે
સિગરેટના કસને માણતો
કોઈકનો ચહેરો.
દેખાય છે
પ્રસન્નતાથી ટેલિફોન પર વહેતી
કોઈ વાણીનો પ્રવાહ.
મેં
મારી આસપાસ
એક બગીચો રચ્યો છે.
એ બગીચામાં
વૃક્ષો છે.
આ વૃક્ષોની વચ્ચે
ક્યાંક હું
કોયલનો લય લઈને
છુપાઈ જાઉં છું.

મને
મીરાંની પંક્તિ યાદ આવે છે:
‘મને ચાકર રાખોજી
ચાકર રહશું બાગ લગાશું
નિત ઊઠ દર્શન પાશું.’
હું
મીરાંની સ્વતંત્રતા સાથે
જીવવા માગું છું
પણ
શરણાગતિ ખપતી નથી.
હા,
એટલું ખરું
કે
ચાકર રહ્યા વિના
કોઈની આસપાસ
બગીચો રચવાની મારી ઝંખના છે.
એ બગીચામાં
કોયલ થઈને
ફૂલોની જેમ
ટહુકા વેરવાનો મને ઉન્માદ છે.
હું
કશુંક પણ કરવા માગું છું

નતમસ્તકે નહીં જ
પણ
ઉન્નત હૃદયે.
બગીચો રચીને
કોઈને પણ વળગવામાં
ને
કોઈને માટે પણ સળગવામાં રસ નથી.

જીવનની નરી ધન્યતાનો અનુભવ કરવો છે.
આસપાસ બગીચો રચીને
સહવાસ માણવો છે.
મને કશુંય જાણવામાં રસ નથી.
મારો રસ કેવળ માણવામાં છે.
બુદ્ધિને બાજુએ મૂકી
સંવેદનને પ્રમાણવામાં છે.

હું
સૌન્દર્યોની ક્ષણોનો
મધપૂડો રચું છું.
ભૂલી જવા માગું છું
તમામ દુ:ખ
તમામ ડંખ.
વેદનાના વીંછીને પંપાળવામાં
હું માનતી નથી.
આજે
દયારામની પંક્તિ
મારી આગળપાછળ ભમ્યા કરે છે :
‘કિયે ઠામ મોહિની ન જાણી?’
મને
સ્થળેસ્થળ અને પળેપળમાં
સૌન્દર્ય દેખાય છે.
સૌન્દર્યની આભાનો
હું અનુભવ કરું છું
અને
શબ્દોમાં એનો અનુવાદ કરું છું.

મને વ્યક્તિમાં રસ છે.
પ્રકૃતિમાં રસ છે.
નાની નાની વસ્તુઓમાં રસ છે.
વસ્તુના વાસ્તવને ઓળખવામાં રસ છે.
ક્યારેક મને નવાઈ લાગે છે
કે
બગીચામાં પડેલા
એકલ બાંકડામાં પણ
મને રસ છે.
હું જોયા કરું છું
ભલે એ બાંકડા પર
કોઈ બેઠું ન હોય.
એ બાંકડા પર
એક ક્ષણ
મારી મનગમતી વ્યક્તિને
ત્યાં
બેસવાની વિનંતી કરું છું
અને પછી
એની આંખની કદરદાની ઓળખીને
હું પણ
એની પડખે બેસી જાઉં છું.
ક્ષણનો આ સહવાસ
ક્ષણનું આ જીવન
મારી આસપાસ
અને
અન્યની આસપાસ,—
બગીચો રચવાની આ કળા…