ઋણાનુબંધ/હાઇકુ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
હાઇકુ



આસોપાલવ
ના અહીં, દ્વારે ટાંગ્યાં
સ્મિત-તોરણ

*


અંગઅંગ આ
પલળ્યાં, ધોધમાર
સ્મૃતિ વરસાદે

*


જગજાહેર
મારી લવઅફેર—
કવિતા સાથે

*


પવન દોડે
પકડવા પોયણાં
પાણી કંપતું

*


વર્ષાસંગીત
વાદળનાં મૃદંગ—
વીજળી નૃત્ય

*


અમેરિકામાં
બા નથી, ક્યાંથી હોય
તુલસીક્યારો?

*


દરિયો આખો
માછલીનાં આંસુથી
થૈ ગયો ખારો

*


થયો સમય—
કપડે ચોંટ્યું ઘાસ
ખંખેરવાનો

*


પ્રદક્ષિણા તો
ફરી’તી વડે, કાચો
હશે તાંતણો?

*


ભીંતે તડકો
લઈ પવન પીંછી—
ચિત્રો ચીતરે

*


ઢળતી સાંજે
પવન શોધે કૂંચી—
ઢળ્યા ઘાસમાં

*


બેઠા શ્વાનની
લટકતી જીભમાં
હાંફે બપોર

*


રેતી ગણે છે
બે મોજાંઓ વચ્ચેનો
સૂનો સમય

*


સ્થિર થા સ્થિર!
વીનવતો પવન
દીપશિખાને

*


તડકો આવે
બારી વાટે, ચા પીવા
ટેબલ પર

કલરવતું
ઝરણું, ગીચ વૃક્ષો,
ખાલી બાંકડો

*


છટકી ગયો
સમય, મારી સાથે
છેડતી કરી

*


સમીસાંજના
તૃણે લેટે, આળોટે—
કિરણધણ

*


પથ્થરે નહીં—
પગને દગો દીધો
ઘાસ-જાજમે

*


ઊપડે ટ્રેન—
ફરફરી ના શકે
ભીનો રૂમાલ

*


રોજ સાંજના
લપસે છે તડકો
ટેકરી-ઢાળે

*


ઉડાઉ આભે
ખરચી નાખી: બધી
જળકમાણી

*


રેશમપોત
સપનાનું, જાગું ત્યાં
સરકી જાતું

*


કેવો ચોળાઈ
ગયો, પ્રેમ છે તારો
રૂમાલ જેવો!

*


ગમે તેટલી
ઊડતી ધૂળ, કદી
ન મેલાં ફૂલ

*


તારા ઊઠતાં
કંપી ઊઠ્યાં, ગભરુ
શાંત કંકણો

*


ઉપવનમાં
ગીતો ગાતો પવન,
વૃક્ષો ડોલતાં

*


ઉંબરો ઊંચો—
ના ઓળંગી શકતો
શિશુતડકો!

*


પાડોશી બાજુ
ગરતાં પારિજાત—
માળી તટસ્થ

*


સ્પર્શું તમને
પાંપણની કોરથી
ભરમેળામાં

*


શમણે મળો—
તો નહીં વગોવાય
પ્રેમ આપણો

*


જીરવવાને
પતંગિયાનો ભાર—
નમતું ઘાસ

*


કૂણાં તૃણની
અંગે ઓઢણી ઓઢી
ધરા શોભતી

*


કૂંડે સુકાતી
તુલસી, શોધ્યા કરે
બાનાં પગલાં

*


બાળે છે હજી—
સપ્તપદી ફરતી
વેળાનો અગ્નિ

*


તડકે લૂછી
લીધાં, ફર્શ પરનાં
ભીનાં પગલાં

*


પીઠી ચોળાવી
બેઠાં છે ડેફોડિલ્સ
ઘાસમંડપે

*


ના પકડાતી
છટકતી હરિણી—
એવી તો સ્મૃતિ

*


કરચલીઓ
ચ્હેરે ને સ્નેહ પર
પડી તે પડી

*


પાંપણો બંધ
તોય છટકી ગયો
સ્વપ્ન-સંબંધ

*


ભરબપ્પોરે
તડકેસ્નાતા ડાળી
દીસે સોનેરી

*


કાળા ઝભ્ભામાં
રાત, જ્યૂરી તારલા,
દિન આરોપી

*


ઝાકળબિંદુ
ગુલાબપાને, કરે
નકશીકામ

*


તડકો ધ્રૂજે
શિયાળાનો, ઘરમાં
રજાઈ ખોળે

*


પરોઢ થાતાં
પવનની પ્રાર્થના
પર્ણમર્મરે

*


ચૂમી દીધી છે
એવી કે આગ આગ
ભભૂકી ગાલે

*


પરોઢ કરે
નિત કંકુતિલક
આકાશભાલે

*


તડકો કૂદે
ઘાસઘાસમાં, જાણે
પીળું સસલું!

*


સમીસાંજના
ઘાસ ચમેલી કરે
વિશ્રંભકથા

*


ગાગર ભરી
શકું એટલાં, મળે
ઝાકળટીપાં?

*


સાવ નિરાંતે
બેઠું છે તારું નામ
જીભબાજઠે!

*


તડકો સૂતો
ડાળી પર, ફૂલનું
ઓશીકું કરી

*


નર્તન કરે
સાગરમોજાં, પ્હેરી
ફીણ-ઝાંઝર

*


લાવજે એક
દરિયો, જ્યાં તૂટ્યું ન
એકે વહાણ

*


સૂર્યકિરણ
પ્રવેશ્યું પીંછી લઈ
ભીંતો રંગાઈ

*


તડકો ચાલે
અડવાણે પગલે
ઘાસજાજમે

*


વાળ ખેંચતો
દુ:શાસન પવન
શાંત નદીના

*


જળમાં તરી
તરી થાકેલું મીન
ક્યાં જઈ ઠરે?

*


ગોકળગાય
જેમ, વિચાર સરે
મનમાં ધીરે

*


અંધારસ્ટેજે
પવન પખવાજે
સ્નોફ્લેક્સ નૃત્યો

*


ઝલમલતી
કિરણ-માછલીઓ
નિષ્કંપ જળે

*


અમાસ રાતે
ચંદ્ર શોધવા, મળી
તારાની ઠઠ

*


પવન કરે
વાતો, બેવડ વળી
ડાળીઓ હસે

*


ઊડ્યું એક જ
પંખી ને કંપી ઊઠ્યું
આખુંય વૃક્ષ

*


ગાઢા વનમાં
સળવળી, સ્મૃતિની
લીલી સાપણ!

*


ભીનો કાગળ,
ભૂંસાયેલા અક્ષર,
છલકે સ્મૃતિ

*


સૂરજમુખી
સૂરજ સાથે ફરે—
હું દિશાહીન

*


કોલાહલમાં
વાતો કરે નિરાંતે
ચાર નયનો

*


નિહાળ્યાં કરું—
પીઠ ઘસતો ભીંતે
શિશુ-તડકો!

*


ઘડપણનું
બોખું મોઢું વાગોળે
વીત્યો સમય

*


મંજુલ રવે
રણક્યાં કરે, ઋજુ
કરે કંકણો

*


પથારી પર
એની, હું પથરાઉં
ચાંદની થઈ

*


આગને ઠારે
જળ, કોણ ઠારતું
જળની આગ?

*


પુષ્પો નીરખે
નૃત્યો પતંગિયાંનાં—
ઘાસમંડપે

*


પારિજાત ના—
વેરાણાં છે હાઈકુ
કેસરવર્ણાં!