ઋતુગીતો/કંઠસ્થ ઋતુગીતો ‘ઋતુગીતો’નો પ્રવેશક : 1929

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


કંઠસ્થ ઋતુગીતો ‘ઋતુગીતો’નો પ્રવેશક : 1929
ઋતુકાવ્યની પ્રાચીનતા

ઋતુ-સૌંદર્યનું દર્શન અને તેમાંથી થતું ઋતુ-ગાનનું સર્જન, એ આપણા દેશમાં આજકાલની વાત નથી, વેદકાલ જેટલી જૂની છે. વેદનું તો સારુંયે સાહિત્ય પ્રકૃતિનાં ગુણગાનથી છવાયું છે. એમાં ઋતુઓની રમ્યતા ઠેરઠેર અંકિત થઈ છે અને ઋતુઓનો સીધો ઉલ્લેખ અથર્વવેદ કા.-12, સૂ. 1ની અંદર આ રીતે થયો છે :

હે ભૂમિ! તારી ઋતુઓ, ગ્રીષ્મ, વર્ષા, શરદ, હેમંત,
શિશિર, વસંત, વિહિત વર્ષો અને અહોરાત્રિ,
હે પૃથ્વી! અમને દૂઝો. [પૃથ્વી સૂક્ત : શ્લોક 36]

વેદમાં ‘પર્જન્ય’ અર્થાત્ જળદેવતાનું જે આવાહન છે, તે પણ ‘હીરોઈક ઍન્ડ ડીવોશનલ એલીમેન્ટ’ (શૌર્ય અને ભક્તિના તત્ત્વ)થી ભરપૂર છે. વર્ષાઋતુના મેઘને નિહાળી ઋષિઓએ બુલંદ સ્વરે સરિતાતટો ને વનજંગલો ગજાવ્યાં કે

રથીની જેમ ચાબુક વડે અશ્વોને મારતો વર્ષ્ય
દૂતોને પ્રગટ કરે છે : દૂરથી સિંહની ગર્જના ઊંચી
ચડે છે — જ્યારે પર્જન્ય આકાશને વરસાદવાળું કરે છે.
પવનો વાય છે, વીજળીઓ પડે છે, ઔષધિઓ
ઊંચી જાય છે, આકાશ પુષ્ટ થાય છે, સમગ્ર ભુવનને
માટે અન્ન પેદા થાય છે, — જ્યારે પર્જન્ય વીર્યથી પૃથ્વીનું
રક્ષણ કરે છે. [ઋગ્વેદ મં. પ : સૂ. 83]

એ વગેરે સૂક્તો વેદકાળનાં લોકોની ઋતુસત્ત્વો પ્રતિની દૃષ્ટિ બતાવે છે. તે પછી સંસ્કૃત સાહિત્યમાં શોધીએ તો કાલિદાસનાં ‘મેઘદૂત’ અને ‘ઋતુસંહાર’ તેમ જ ‘રઘુવંશ’ના નવમા સર્ગનું ઋતુવર્ણન : ‘કુમારસંભવ’નો ત્રીજો સર્ગ : માઘના ‘શિશુપાલ-વધ’ કાવ્યમાં રેવતક પહાડ પર કૃષ્ણચંદ્રે પડાવ નાખવાને સમયે એકસામટી છયે ઋતુએ ઊતરીને એમનું સ્વાગત કર્યાનું વર્ણન : ‘કિરાતાર્જુનીય’માં ચોથે સર્ગે શરદ--વર્ણન : એ પ્રમાણે ઋતુ-ગાથાઓ આવે છે. એટલું જ નહિ, પણ મહાકાવ્યમાં તો ઋતુવર્ણન આવવું જ જોઈએ એવું ખાસ લક્ષણ શ્રી દંડીએ ‘કાવ્યાદર્શ’ નામના અલંકારશાસ્ત્રના ગ્રંથમાં [પરિચ્છેદ 1 : શ્લોક 16માં] આપેલ છે.