એકતારો/નવાં કલેવર ધરો!
નવાં કલેવર ધરો!
નવાં કલેવર ધરો હંસલા! નવાં કલેવર ધરો,
ભગવી કંથા ગઈ ગંધાઈ સાફ ચદરિયાં ધરો
હંસલા! નવાં કલેવર ધરો!—૧.
મોતી તણો તેં ચારો માની ચણિયાં વિખનાં ફળો;
કણ સાટે છો ચુગો કાંકરી, કુડનાં બી નવ ચરો
હંસલા! નવાં કલેવર ધરો!—ર.
ગગન–તારલે અડવા ઊડતાં પૃથ્વીથી ય તું ટળ્યો;
ઘૂમે સીમાડા સાત આભના, ધરણી નવ પરહરો
હંસલા! નવાં કલેવર ધરો!—૩.
અધુઘડી આંખે જોયું તે સૌ પુરણ દીઠું કાં ગણો?
આપણ દીઠાં અસત ઘણેરા, નીરખ્યાનો શો બરો!
હંસલા! નવાં કલેવર ધરો!—૪.
રાત પડી તેને પરોડ સમજી ભ્રમિત બ્હાર નીસર્યો,
હવે હિંમતમાં રહો જી રૂદિયા! અનહદમાં સંચરો
હંસલા! નવાં કલેવર ધરો!—૫.