એકોત્તરશતી/૩. નિષ્ફલ કામના

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૩. નિષ્ફલ કામના (નિષ્ફલ કામના)


રવિ અસ્ત પામે છે. અરણ્યમાં અંધકાર છે, આકાશમાં અજવાળું છે. નતનયન સંધ્યા દિવસની પાછળ ધીરે ધીરે આવે છે. વિદાયના વિષાદથી થાકેલો સંધ્યાનો વાયુ માંડ વહે છે. એ હાથમાં હાથ મૂકીને ભૂખી આંખે બે ભૂખી આંખોમાં તાકી રહ્યો છું.

શોધું છું કે તું ક્યાં છે, તું ક્યાં છે! જે અમૃત તારામાં છુપાયેલું છે, તે ક્યાં છે! અંધારી સંધ્યાના આકાશમાં વિજન તારાઓમાં સ્વર્ગનું તેજોમય અસીમ રહસ્ય જેમ કંપી રહ્યું છે, તેમ પેલી આંખના ગાઢ અંધકાર તળે આત્માની રહસ્યશિખા કંપી રહી છે. એટલે હું જોઈ રહ્યો છું. એટલે હું પ્રાણ મન બધું લઈને અતલ આકાંક્ષાપારાવારમાં ડૂબું છું. તારી આંખમાં, હાસ્યની પાછળ, વચનના સુધાસ્રોતમાં, તારા વદન ઉપર વ્યાપી રહેલી કરુણ શાંતિની નીચે તને હું ક્યાં પામીશ—એટલે હું આ ક્રન્દન કરું છું. આ ક્રન્દન વૃથા છે. હાય રે દુરાશા; એ રહસ્ય, એ આનંદ તારે માટે નથી. જે મળે તે જ સારું-થોડું હાસ્ય, થોડા શબ્દો, નયનની સહેજ દૃષ્ટિ, પ્રેમનો આભાસ, સમગ્ર માનવને તું પામવા ઇચ્છે છે, એ તારું કેવું દુ:સાહસ! તારી પાસે વળી છે શું! તું શું આપી શકીશ! શું અનન્ત પ્રેમ છે? જીવનનો અનન્ત અભાવ મિટાવી શકીશ? મહાકાશને ભરી દેનારી આ અસીમ જગતની જનતા, આ નિબિડ પ્રકાશ અને અંધકાર, કોટિ કોટિ છાયાપથ(આકાશ ગંગા)ને માયા-પથ, દુર્ગમ ઉદય-અસ્તાચલ—એ બધાં વચ્ચે રસ્તો કરીને ચિર સહચરને સદા રાત દહાડો એકલો અસહાય લઈ જઈ શકીશ? જે માણસ પોતે ભીત, કાતર, દુર્બળ, મ્લાન, ક્ષુધાતૃષ્ણાતુર, અંધ અને દિશા ભૂલેલો છે, પોતાના હૃદયભારથી પીડાયેલો અને જર્જર થયેલો છે, તે સદાને માટે કોને પામવા ઇચ્છે છે! માનવ એ કંઈ ક્ષુધા મિટાવવાનું ખાદ્ય નથી, તારું મારું કોઈ નથી. અત્યંત જતનપૂર્વક, અત્યંત ગુપ્ત રીતે, સુખમાં અને દુઃખમાં, રાત્રે અને દિવસે, વિપત્તિમાં અને સંપત્તિમાં, જીવનમાં અને મરણમાં સેંકડો ઋતુના આવર્તનમાં શતદલ કમલ ફૂટે છે-તેને તું તારી સુતીક્ષ્ણ વાસના છૂરી વડે કાપી લેવા ચાહે છે? તેની મધુર સૌરભ લે, તેનો સૌંદર્યવિકાસ જો, તેનું મધુ તું પાન કર, પ્રેમ કર, પ્રેમથી બળવાન થા—તેની કામના ન કર. માનવનો આત્મા કંઈ આકાંક્ષાનું ધન નથી. સંધ્યા શાન્ત છે, કોલાહલ થંભી ગયો છે. વાસનાવહ્નિને નયનનાં નીરથી બુઝાવી નાખ, ચાલ ઘેર પાછા જઈએ. ૨૮ નવેમ્બર ૧૮૮૭ ‘માનસી’

(અનુ. નગીનદાસ પારેખ)