એકોત્તરશતી/૭૩. બલાકા

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


બલાકા

સંધ્યાના રંગમાં ઝલમલ થતી જેલમ નદીનો વાંકો સ્ત્રોત અંધકારથી મલિન થઈ ગયો, જાણે કે મ્યાનમાં ઢંકાયેલી વાંકી તલવાર. દિવસની ઓટ પછી રાત્રિનો જુવાળ કાળા જળમાં વહેતાં પોતાનાં તારારૂપી ફૂલ લઈને આવ્યો; અંધારી ગિરિતળેટીમાં દેવદાર વૃક્ષ (ઊભાં છે) હારની હાર, મનમાં થયું સૃષ્ટિ જાણે સ્વપ્નમાં વાત કહેવા માંગે છે, પણ સ્પષ્ટ બોલી શકતી નથી, અંધકારમાં અવ્યક્ત ધ્વનિનો પુંજ રૂંધાયેલો હોય એવો પ્રગટે છે. એકાએક એ જ ક્ષણે સંધ્યાના ગગનમાં શૂન્યના મેદાનમાં શબ્દની વિદ્યુત્છટા ક્ષણમાં દૂરથી દૂરદૂરાન્તર દોડી ગઈ. હે હંસસબલાકા, ઝંઝાના મદના રસથી મત્ત તમારી પાંખો ઢગલે ઢગલા આનંદના અટ્ટહાસ્યથી વિસ્મયના જાગરણને તરંગિત કરીને આકાશમાં ચાલવા લાગી. એ પાંખોનો ધ્વનિ, એ શબ્દમયી અપ્સરા સ્તબ્ધતાનો તપોભંગ કરી ચાલી ગઈ. તિમિરમગ્ન ગિરિશ્રેણી ધ્રુજી ઊઠી, દેવદારનું વન કંપી ઊઠ્યું, મનમાં થયું આ પાંખોની વાણીએ માત્ર એક પલકને માટે પુલકિત નિશ્ચલતાના અંતરે અંતરમાં ગતિનો આવેગ લાવી મૂક્યો. પર્વતે વૈશાખના નિરુદ્દેશ મેઘ થવાની ઇચ્છા કરી. તરુશ્રેણી ધરતીનું બંધન ફગાવીને પાંખો ફેલાવીને એ શબ્દરેખાને અનુસરીને એકાએક દિશાભૂલી થવાની અને આકાશનો કિનારો શોધવાની ઇચ્છા કરે છે. હું દેશત્યાગી પાંખો, આ સંધ્યાના સ્વપ્નને ભાંગી નાખીને સુદૂરને માટે વેદનાના તરંગો જાગી ઊઠે છે. જગતના પ્રાણમાં વ્યાકુલ વાણી ગાજે છે, ‘અહીં નહીં, અહીં નહીં; બીજે ક્યાંક.’ હે હંસબલાકા, આજ રાત્રે મારી આગળ તેં સ્તબ્ધતાનું ઢાંકણુ ખોલી નાંખ્યું. હું આ નિઃશબ્દતાની નીચે જલમાં, સ્થલમાં, શૂન્યમાં એ જ પાંખોનો ઉદ્દામ ચંચલ શબ્દ સાંભળું છું. તૃણદલ, ધરતીરૂપી આકાશ ઉપર પાંખો ઝાપટે છે. માટીના અંધાર નીચે, કોણ ઠેકાણું જાણે છે, લાખ લાખ બીજરૂપી બલાકા પોતાની અંકુરરૂપી પાંખો ખોલે છે. આજે હું જોઉં છું, આ ગિરિમાળા, આ વન ખુલ્લી પાંખે એક દ્વીપથી બીજે દ્વીપ અને એક અજ્ઞાતથી બીજા અજ્ઞાત પ્રતિ ગતિ કરે છે. નક્ષત્રોરૂપી પાંખના સ્પંદનથી અને પ્રકાશના ક્રંદનથી અંધકાર ચમકે છે. મેં સાંભળ્યું છે કે મનુષ્યની કેટકેટલી વાણી ટાળેટોળાં અલક્ષિત પથે અસ્પષ્ટ અતીતમાંથી અસ્ફુટ સુદૂર યુગાંતર તરફ ઊડી જાય છે. અને પોતાના અંતરમાં અસંખ્ય પંખીઓ સાથે દિવસે અને રાતે પોતાના વાસનો ત્યાગ કરનાર આ પંખી પ્રકાશમાં અને અંધકારમાં કયા પારથી કયે પાર ધસી જાય છે. જગતની પાંખોના આ ગીતથી આકાશ ગાજી ઊઠે છે : ‘અહીં નહીં, બીજે ક્યાંક, બીજે ક્યાંક, બીજે કોઈ ઠેકાણે.' ઑક્ટોબર-નવેમ્બર, ૧૯૧૫ ‘બલાકા’

(અનુ. નિરંજન ભગત)