એરિસ્ટોટલનું કાવ્યશાસ્ત્ર/૧૭. કરુણિકાકારે પાળવાના કેટલાક નિયમો

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૧૭. કરુણિકાકારે પાળવાના કેટલાક નિયમો

વસ્તુની સંકલનામાં અને ઉચિત ઇબારતમાં એને રજૂ કરવાની બાબતમાં, શક્ય હોય ત્યાં સુધી, કવિએ દૃશ્યને પોતાની નજર સમક્ષ ખડું કરવું જોઈએ. આ રીતે, કવિ પોતે જ જાણે ક્રિયાવ્યાપારનો પ્રેક્ષક હોય તેમ પ્રત્યેક વસ્તુને અત્યંત સ્પષ્ટ રૂપે જોવાથી શું જરૂરી છે તે શોધી શકશે અને અસંગતિઓની ઉપેક્ષાના સંભવમાંથી પોતે ઊગરી જશે. કારનીસસમાં જણાયેલી ભૂલ આવા નિયમની જરૂરિયાત પ્રગટ કરે છે. એમ્ફિઅરૌસ દેવળમાંથી નીકળીને પોતાને માર્ગે જતો હતો. જેણે પરિસ્થિતિ ન પારખી તેની દૃષ્ટિમાંથી આ હકીકત સરી ગઈ. રંગમંચ ઉપર આ નાટક નિષ્ફળ નીવડ્યું અને સરતચૂકને લીધે પ્રેક્ષકો નાખુશ થયા.

કવિએ પોતાની ઉત્તમોત્તમ શક્તિ પ્રયોજીને યોગ્ય ચેષ્ટાઓને ધ્યાનમાં લઈને નાટ્યરચના કરવી જોઈએ;કારણ કે જેઓ ભાવનો અનુભવ કરે છે તેઓ ચરિત્રોની રજૂઆતમાં તેમના પ્રત્યે સ્વાભાવિક સહાનુભૂતિ દ્વારા સૌથી વધુ પ્રતીતિકર બને છે; અને જેમણે પોતે ક્ષુબ્ધતા કે ક્રોધનો અનુભવ કર્યો છે તેઓ ક્ષુબ્ધતા કે ક્રોધને જીવનસદૃશ વાસ્તવિકતાના રૂપમાં વ્યક્ત કરી શકે છે. આથી કવિતા કાં તો કવિસ્વભાવની સુખદ ભેટ હોય છે, કાં તો ઉન્મત્તતાનો પરિશ્રમ હોય છે. એક સ્થિતિમાં કવિ કોઈ પણ ચરિત્રનું રૂપ ધારણ કરી શકે છે; બીજીમાં તે ‘સ્વ’માંથી ઊંચકાઈને બહાર આવે છે.

વાર્તાની વાત કરીએ તો, તે લોકખ્યાત હોય કે ઉત્પાદ્ય હોય, કવિએ તેની સામાન્ય રૂપરેખા ઘડી કાઢવી જોઈએ; અને પછી એમાં ઉપકથાઓ ઉમેરીને તેનો વિગતપૂર્ણ વિસ્તાર સાધવો જોઈએ. સામાન્ય રૂપરેખાનું ઉદાહરણ ‘ઇફિજેનિયા’ દ્વારા આપી શકાય. એક કન્યાનું બલિદાન દેવાનું નક્કી થાય છે. બલિદાન આપનારાઓની નજરમાંથી તે કન્યા અગમ્ય રીતે છટકી જાય છે. એને એવા દેશમાં મોકલી દેવામાં આવે છે જ્યાં બધાં જ આગંતુકોનો દેવીને ભોગ દેવાની પ્રણાલિકા હોય છે. કન્યાને આ કાર્યભાર સોંપવામાં આવે છે. થોડા સમય પછી તેનો ભાઈ સંજોગવશાત્ અહીં આવી ચડે છે. કોઈ કારણસર દેવવાણીએ એને ત્યાં જવા માટે પ્રેર્યો હતો, એ હકીકત નાટકની સામાન્ય રૂપરેખાની બહાર છે. એના આગમનનું પ્રયોજન પણ મૂળભૂત ક્રિયાવ્યાપારની બહાર છે. ગમે તેમ પણ, તે આવે છે, પકડાય છે,અને બલિદાન દેવાની ક્ષણે જ પોતે કોણ છે તે જાહેર કરે છે. અભિજ્ઞાનની રીત કાં તો યુરુપિડિસે પ્રયોજેલી રીત જેવી કે કાં તો પોલિઈડસે પ્રયોજેલી રીત જેવી હોઈ શકે. પોલિઈડસના નાટકમાં તો તે બહુ જ સ્વાભાવિક રીતે બોલે છે : ‘એટલે, મારી બહેનનું જ નહિ, મારું પણ બલિદાન લેવાવાનું નિર્માયું હતું.’ અને આ ઉક્તિને કારણે તે ઊગરી જાય છે.

એક વખત નામકરણવિધિ પતી ગયા પછી ઉપકથાઓની પૂરણીનું કામ બાકી રહે છે. આપણે જોવું જોઈએ કે ઉપકથાઓ ક્રિયા સાથે સમ્બદ્ધ હોય. ઉદાહરણ રૂપે જોઈએ તો, ઉન્માદને કારણે ઓરેસ્ટિસને બંદી બનવું પડ્યું અને અઘમર્ષણસંસ્કાર દ્વારા એને મુક્તિ મળી. નાટકમાં ઉપકથાનકો ટૂંકાં હોય છે, પણ આ ઉપકથાનકો જ મહાકાવ્યને વિસ્તૃત પરિમાણ અર્પે છે. આ રીતે ‘ઓડિસી’ની વાર્તા સંક્ષેપમાં કહી શકાય. કોઈ માનવી ઘણાં વર્ષો સુધી ઘરની બહાર રહે છે. પોસેઈડોન દ્વેષ રાખીને એનો પીછો કરે છે. તે નિસ્સહાય બની જાય છે. દરમ્યાનમાં એના ઘરની હાલત ખૂબ જ કફોડી બને છે. તેની સ્ત્રીના ચાહકો તેની સંપત્તિ નષ્ટભ્રષ્ટ કરે છે અને તેના પુત્ર વિરુદ્ધ ષડ્યંત્ર રચે છે. તોફાનોથી ઘેરાયેલો તે લાંબે ગાળે પોતાને ઘેર પાછો ફરે છે. કેટલીક વ્યક્તિઓ સાથે ઓળખાણ કરે છે. શત્રુઓ પર હુમલો કરીને તેમનો નાશ કરી પોતે બચી જાય છે. વસ્તુને આ સાર છે. જે શેષ રહે છે તે ઉપકથાઓ છે.