ઓખાહરણ/કડવું ૧૬

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
કડવું ૧૬

[મંત્રી કૌભાંડ અને રખેવાળોએ અનિરૂધ્ધને અનેક આક્ષેપો કરી, પડકારતાં અનિરૂધ્ધ યુધ્ધ કરવા માટે ઉતાવળો બને છે.]

રાગ રામગ્રી
જોડી જોવાને જોધ મળિયા છે ટોળે જી,
ઓખાને અનિરુદ્ધે લીધી રે ખોળે જી;
કંઠે બાંહોડી[1]ઘાલી બાળા જી,
દીઠી, કૌભાંડને ઊઠી જ્વાળા જી. ૧

ઢાળ
જ્વાળા પ્રગટી તે ભાલ ભ્રકુટિ, સુભટ તેડ્યા જમલા,
મંત્રી કહે, ‘ભાઈ! સબળ શોભે, જેમ હરિ-ઓછંગે કમળા. ૨

લઘુરૂપ ને લક્ષણવંતો, આવી સુતાસંગે કો બેઠો,
પ્રવેશ નહિ આંહાં પવન કેરો, તો માળિયામાં કેમ પેઠો? ૩

નિઃશંક નિર્ભે થઈને બેઠાં, નિર્લજ્જ નર ને નારી,
હાસ્ય-વિનોદ કરે મનગમતાં, લજ્જા ન આણે મારી.’ ૪

ઓખાએ ઉત્પાત માંડ્યો, ધાઈ ધાઈ દે છે સાંઈ,
મંત્રી કહે, ‘કો પુરુષ મોટો, કારણ દીસે છે કાંઈ; ૫

અંબુજવરણી આંખડી ને ભ્રકુટિ મુગટે ચાંપી,
રોમાવળી વાંકી વળી છે, રહ્યો વઢવાને ટાંપી. ૬

માળ ઘેર્યો સુભટ સર્વે, બોલતા અતાંડ[2],
‘ઓ વ્યભિચારી! ઊતર હેઠો,’ એમ કહે છે કૌભાંડ : ૭

‘અલ્પ આયુષ્યના ધણી! જમપુરીના માર્ગસ્થ!
અસુર સરખા રિપુ માથે, કેમ થઈ બેઠો છું સ્વસ્થ? ૮

બાણરાયની કિંકરી[3]ને અમરે ન થાયે આળ,
તો તું રાજકુમારી સાથે ક્યમ ચડીને બેઠો માળ? ૯

સાચું કહે જેમ શીશ રહે, કુણ નાત, કુળ ને ગામ?
સત્યા૨થ[4] હોયે તે ભાખજે, ક્યમ સેવ્યું ઓખા-ધામ? ૧૦

અનિરુદ્ધ વળતો બોલિયો, ‘સાંભળો, સુભટ માત્ર!
હું ક્ષેત્રીનંદન ઇચ્છાએ આવ્યો, બાણનો જામાત્ર[5]. ૧૧

મંત્રી કહે, ‘તું બોલ વિચારી, ઊતરશે અભિમાન,
જામાત્ર શાનો, બાળકા! કોણે આપ્યું કન્યાદાન? ૧૨


અપરાધ કીધો તેં ઘણો, (લોપી) બાણાસુરની આણ;
આ દાનવ તારા પ્રાણ લેશે, મરણ આવ્યું, જાણ. ૧૩

જીવ્યાનો ઉપાય મૂકી, પડી વરાંસે[6] ચૂક;
હોય કેસરી તો હાકી ઊઠે, દીસે છે જંબૂક.[7]’ ૧૪

કૌભાંડના આ બોલ સાંભળી હાકી ઊઠ્યો છે બાળ,
બારીની ભોગળ લીધી કરમાં, ઇચ્છા દેવા ફાળ[8]. ૧૫

વલણ
‘ફાળ દઉં ને અંત લઉં’, હોકારો જબરો કીધો રે,
ત્યારે ઓખાએ અનિરુદ્ધને માળિયામાં લીધો રે. ૧૬



  1. બાંહોડી-હાથ
  2. અતાંડ-કઠોર
  3. કિંકરી-દીકરી
  4. સત્યારથ-સાચું
  5. જામાત્ર-જમાઈ
  6. વરાંસે-વિશ્વાસે
  7. જંબૂક-શિયાળ
  8. ફાળ-કૂદકો