કંકાવટી/જયા વિજયા

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
જયા વિજયા
તુલસી-વ્રત

[આ વ્રત પૌરાણિક કથાને આધારે પ્રવર્ત્યું છે. પરંતુ લોકસમુદાયે એને પોતાની રીતે સરલ, શુદ્ધ અને કાવ્યમય બનાવ્યું છે. કાર્તિક સુદ અગિયારસે એટલે કે દેવદિવાળીના દિવસે વિષ્ણુ ભગવાનના શાલિગ્રામ સ્વરૂપે, તુલસીના વૃક્ષ સાથે વિવાહ ઊજવાય છે. એ પરથી સારો સ્વામી મેળવવાની કામના અર્થે કુમારિકાઓને કાજે આ વ્રત યોજાયું છે. પરંતુ જ્યારે પુરાણ તો આ વ્રતની આડમ્બરમય જટિલ વિધિઓ અને અતિશયોક્તિભર્યો મહિમા વર્ણવે છે ત્યારે લોક-કવિએ તો એની અત્યુક્તિનું છેદન કરી એને સાદા સાંસારિક ભાવોથી સુવાસિત કરી નાખ્યું.] ચોમાસાના લાંબા દા’ડા સૂતાં સે’વાય નહિ, બેઠાં વાણું વાય નહિ.

તુળસીમા, તુળસીમા, વ્રત દ્યો, વરતોલાં દ્યો.
તમથી વ્રત થાય નહિ ને વ્રતનો મહિમા પળાય નહિ.
થાય તોય દ્યો ને નો થાય તોય દ્યો!
અષાઢ માસ આવે;
અજવાળી એકાદશી આવે,
સાતે સરે ગાંઠે દોરો લેવો,
નરણાં ભૂખ્યાં વાત કહેવી,
વાત ન કહીએ તો અપવાસ પડે.
પીપળાને પાન કહેવી,
કુંવારીને કાન કહેવી,
તુળસીને ક્યારે કહેવી,
ગાને ગોંદરે કહેવી,
ઘીને દીવે કહેવી,
બ્રાહ્મણને વચને કહેવી,
સૂરજની સાખે કહેવી,
કારતક માસ આવે,
અજવાળી એકાદશી આવે,
(ત્યારે) વ્રતનું ઉજવણું કરવું,
પે’લે વરસ લાડાવો ને ગાડવો,
આવે ચોખો જનમારો;
બીજે વરસ મગનું કૂંડું,
રે’એવાતણ ઊંડું;
ત્રીજે વરસ સાળ સૂપડું
આવે સંસારનું સુખડું.
ચોથે વરસ રચણાં ચોળી
આવે ભાઈ પૂતરની ટોળી.
પાંચમે વરસે ખીર ખાંડે ભર્યાં ભાણાં
આવે શ્રી કૃષ્ણનાં આણાં
હે તુળસીમાં,
વ્રત અમારું ને સત તમારું.