કંસારા બજાર/ઓસીકાની ખોળ
ઓસીકાની ખોળ પર ચીતરેલી
રંગબેરંગી ભાતમાં છપાયેલાં
હાથી, ઘોડા, ઊંટ અને જાસૂદ પર
માથું ટેકવીને સૂઈ જઉં છું,
ને અડધી રાત્રે
હણહણતા અશ્વો
ખરીઓ પછાડતા દોડે છે, મારી છાતી પર.
ક્યાં જઈ રહ્યું છે આ અશ્વસૈન્ય?
કોને જીતવા?
કહે છે કે, હાથીઓને
જીવવા માટે આખું જંગલ હોય છે,
પણ મરવાનાં સ્થળ નિશ્ચિત હોય છે,
ક્યાં જઈ રહ્યા છે આ હાથીઓનાં ઝૂંડ,
મરવા માટે?
બળબળતા રણમાં ડગલાં ભરતાં આ ઊંટ
કઈ હિજરત માટે નીકળ્યાં છે?
ઉગ, જાસૂદ,
હાથી, ઘોડા ને ઊંટના રસ્તામાં ઉગ.
વાળ, એમને પાછાં વાળ.
સવાર થવામાં જ છે.