કથોપકથન/પૂર્વરાગ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


પૂર્વરાગ

સુરેશ જોષી

‘પૂર્વરાગ’[1] વાંચતાં સૌથી પહેલો પ્રશ્ન આ થાય છે: નવલકથાને શુદ્ધ સાહિત્યનું સ્વરૂપ લેખી શકાય? આ નવલકથાના લેખક આપણા સારા નવીન કવિઓ પૈકીના એક છે. એમની કવિતાઓમાં સાહિત્યેતર કશું પ્રવેશ પામતું નથી. પણ અહીં તો છાપાના અગ્રલેખો, હળવી કટાક્ષિકાઓ, નિબન્ધો, ભૂગોળ, આશ્રમવર્ણન – આવી ઘણી પચરંગી સામગ્રી ભેગી થઈ ગઈ છે. એ બધીનું મૂળ કથા સાથે, મૌલિક સર્જનમાં થવું ઘટે એવું, રસાયન સિદ્ધ થયું નથી. આનું દેખીતું કારણ એ છે કે એના લેખકે પોતે જે નિરૂપવા ચાહે છે તેની સાથેનું પોતાનું રસનિષ્પત્તિને અનિવાર્ય એટલું, અન્તર જાળવ્યું નથી. આ નવલકથા પ્રથમ પુરુષ એકવચનની નવલકથા છે, ને વિભક્તિઓમાં ત્રીજી ને છઠ્ઠીનું પ્રાબલ્ય વરતાય છે. અલબત્ત, એથી એમ કહેવાનો આશય નથી કે આ ‘હું’ તે રઘુવીર ચૌધરી છે. અહીં એ ‘હું’ તે ચન્દ્રહાસ જ છે એમ, લેખકને ન્યાય કરવા, (ને આપણે સાહિત્ય વાંચી રહ્યાં છીએ એ ધ્યાનમાં રાખીને) કબૂલ રાખવું જોઈએ. આપણે ‘હું’ને ગમે તેટલો વિસ્તારીએ, પણ આખરે એની એક હદ હોય છે. આ પ્રકારની રચનાનું મોટું ભયસ્થાન એ છે કે એનો perspective સંકુચિત થઈ જાય છે; અન્ય પાત્રો અને એ પાત્રો સાથે સમ્બન્ધ ધરાવતી ઘટનાઓનાં પરિમાણ હ્રસ્વ થઈ જાય છે; આખી કથાસૃષ્ટિ આ ‘હું’થી નિયન્ત્રિત થતી લાગે છે. પણ સૌથી મોટો ભય એ રહે છે આ ‘હું’ પોતે જ એક metaphysical abstraction બની રહે છે. આવું અનિવાર્યતયા બને જ એવું કહેવાનો આશય નથી. જગતની કેટલીક શ્રેષ્ઠ નવલકથાઓ પ્રથમ પુરુષ એકવચનમાં લખાયેલી છે. કહેવાનો આશય એટલો જ છે કે આવી રચનામાં કળાની માવજત કરવા માટે સર્જકને વધારે જાગરૂક રહેવું પડે છે.

લેખક પોતે આ વિશે સભાન નથી એમ આપણે નહિ કહીએ. વાચકોને એઓ પ્રારમ્ભમાં જ પૂછી લે છે: ‘પોતામાંથી મુક્ત થઈને મારે આપની સંનિકટ વસવું છે. પણ અત્યારે આટલો બધો આત્મરત જોઈને મારી વિપરીત તો નહીં જાઓ ને?’ આત્મરતિની અતિમાત્રા આક્રમક સ્વરૂપની નીવડે ને રસાસ્વાદમાં વિઘ્નરૂપ બની રહે એનો એમને ખ્યાલ તો છે જ. પણ ‘જાનામ્યધર્મં ન ચ મે નિવૃત્તિ’વાળો ઘાટ થયો હોય એવું આપણને લાગ્યા વિના રહેતું નથી.

કથાનો નાયક આ જગતને વિશે, જગતની પોતાની સમજ વિશે, કે પોતા વિશે, અસન્દિગ્ધ બની શક્યો છે એવું નથી. એ જે કાંઈ કહે છે તે ‘સાશંક સ્વરે’ કહે છે. આથી જ તો સંવાદોમાં ‘કદાચ’, ‘સમ્ભવ છે કે’ જેવા શબ્દો ફરી ફરી દેખાય છે. પણ અહીં એક મુશ્કેલી આપણને નડે છે. ચન્દ્રહાસ સાશંક છે ખરો, સાથે એ કદાચ જૂનવાણી લાગે એવું પોતે જ કહે છે. પ્રત્યક્ષાનુભવની પ્રતીતિ જ એને માન્ય છે, ‘તાકિર્ક પ્રતીતિ નહીં ચાલે’ એવું એ સ્પષ્ટ કહે છે. આમ છતાં, મોટે ભાગે એ તર્કના અંકોડા ગોઠવવાની જ પ્રવૃત્તિ કરતો હોય છે; કેટલીક વાર એ ગણતરીબાજ પણ લાગે છે. તૃપ્તિ અંગે એ વિલોચન જોડે ‘તાકિર્ક ચર્ચા ‘નથી કરતો? સોનલ સાથેના સમ્બન્ધમાં પણ સોનલની સાથે આપણે પણ પૂરેપૂરું સમજી શકતા નથી કે એ શા માટે સોનલની ઉપેક્ષા કરે છે. ચન્દ્રહાસ સોનલના દર્પણના ચૂરેચૂરા કરવા માટે એની ઉપેક્ષા કરતો હોય એવું સૂચન છે; પણ આપણને તો ચન્દ્રહાસનું અભિમાન અથવા અહંકેન્દ્રીયતા વધુ બરડ લાગે છે. સોનલ વિશે વાત કરતાં એ ગોવિંદભાઈને કહે: ‘સોનલના સ્વમાન વિશેના ખ્યાલો વિચિત્ર લાગે છે. મને લાગે છે કે માન અને સ્નેહ સાથે સાથે ખીલી શકે નહીં. સ્વમાન ક્યારે અહંનું રૂપ ધારણ કરે તેની ખબર નહીં, અહં અને સ્નેહને વેર છે. સાંજે એણે કહ્યું કે એણે પોતાનું ભવિષ્ય મને અર્પણ કરી દીધું છે, પણ એની વાતમાં અભિમાનનો રણકો સંભળાતો હતો.’ આમ લાગે તેને માટે જવાબદાર કોણ? જો ચન્દ્રહાસના મનમાં ‘એક જાતની વૈચારિક નિષ્ક્રિયતાનું શૈથિલ્ય અને તમામ પ્રકારની આવેગશૂન્યતા’ હોય, ને એ કેવળ પોતાના મનોજગતની નવી રચના જોવામાં જ પરોવાઈ રહેવા ઇચ્છતો હોય તો સોનલ શું કરે? ચન્દ્રહાસને મન શું ખરે જ પ્રેમ ‘જીવનના લાંબા વાક્યમાં ક્યાંક વચ્ચે આવી જતા અલ્પવિરામ’ જેવો છે? ચન્દ્રહાસ બહુવલ્લભ છે. બહુવલ્લભ હોવાનું એને સુખ પણ છે, અભિમાન પણ છે કદાચ. બહુવલ્લભો કરતા તેવું ગોત્રસ્ખલન પણ એ કરે છે. ભૂપેનને એ, અદેખાઈનો માર્યો, વધારે ઘેરા રંગે રંગીને જુએ છે. સોનલની જીવાદોરી એણે લંબાવી આપી છે. પ્રારમ્ભથી જ લેખકે ચન્દ્રહાસને સોનલના જીવનદાતા બનવાની સગવડ કરી આપી છે. બેભાન સોનલના ‘કઠિન ઉરોજ’ના સ્પર્શે એ વિહ્વળ પણ બને છે (આપણી નવલકથાના નાયકો બેભાન નાયિકાઓના સ્પર્શથી વિહ્વળ બનતા આવ્યા છે. રઘુવીરે પણ ‘અન્તરપટ’ સુધી આવીને અટકેલી એ પરમ્પરા ટકાવી રાખી છે). સોનલનું જીવન પોતે બચાવ્યું એ પ્રસંગનું સોનલના જીવનમાં શું મહત્ત્વ છે તે પણ એ જાણવા ઉત્સુક છે. ચન્દ્રહાસને સોનલ કેવળ માણસ રૂપે નહીં, પણ પુરુષ રૂપે જોતી થઈ, એના વિના પોતાનું જીવન અપૂર્ણ લાગે એવી પરવશતાનો સોનલને અનુભવ થયો – એ જાણીને ચન્દ્રહાસ પ્રશ્ન કરે છે: ‘પણ માની લે કે એ પ્રસંગે તને બચાવનાર કોક બીજું હોત તો પણ તારો અનુભવ તો સરખો જ હોત ને?’ ડૂબતી ઉગાર્યા પછી જે બની ચૂક્યું તેને ધ્યાનમાં લેતાં ચન્દ્રહાસનો આ પ્રશ્ન અનુદાર ને નિષ્ઠુરતાભર્યો નથી લાગતો? સોનલના હૃદયભાવને એ કેવળ ‘સદ્ભાવ’ જેવી નિરુપદ્રવી સંજ્ઞાથી ઓળખાવી છૂટે છે! સોનલના તરફથી એના જીવનમાં પોતાની અનિવાર્યતા ને એ અંગેની સોનલની પરવશતાનો એકરાર સાંભળ્યા પછી જ એ ‘તું’થી વાત કરવાનો અધિકાર સોનલને આપી શકે છે! ચન્દ્રહાસ કોઈક વાર ‘સાંસારિક ડહાપણ છોડીને’ જીવી લેવાની વાત કરે છે, ‘વિચારોના અવગુંઠનમાં પ્રેમને છુપાવવો નહીં’ એવી એ સોનલને શીખ પણ આપે છે, તો વળી બીજી વાર એ જ ચન્દ્રહાસ પ્રેમની ‘બૌદ્ધિક પ્રતીતિ’નો આગ્રહ રાખીને સોનલની ઉપેક્ષા કરવા જેવું કરે છે. સોનલ એક વાર ચન્દ્રહાસને ટોણો મારતાં કહે છે: ‘તમે સારા ઉપદેશક થઈ શકો તેમ છો.’ એમાં સત્ય રહેલું લાગે છે. એક બાજુથી પોતે કશા અન્તિમ નિર્ણય પર આવી શક્યો નથી, એ પ્રક્રિયા હજી ચાલુ જ છે, એમ બતાવીને સાશંક રહેતો ચન્દ્રહાસ બીજી બાજુથી જોતાં કેટલી દૃઢ ને કેટલીક વાર તો જડ બની ચૂકેલી માન્યતાઓને વળગી રહ્યો હોય છે! આથી એની અનિશ્ચયાત્મિકાવૃત્તિ, એને અનુકૂળ આવે ત્યારે વાપરવા માટેનો, છદ્મવેશ માત્ર બની રહે છે. બીજાઓનાં વર્તન વિશે, ધોરણો વિશે સાશંક એવો આ માણસ, ન્યાય ચૂકવવા તૈયાર થઈ જાય છે.

તૃપ્તિ, ભૂપેન, અને ખુદ સોનલ પોતે પણ એની આ ન્યાય ચૂકવી દેવાની તુમાખીખોર વૃત્તિનો ભોગ બને છે. સાર્વભૌમ – absolute – મૂલ્યોને માટે એ આગ્રહ રાખે છે. પણ એ મૂલ્યોને સિદ્ધ કરવાની પ્રક્રિયામાંથી પસાર થવાની, આપણી આ પ્રકારની નવલકથાઓના અન્ય નાયકોની જેમ, એની તૈયારી નથી. નિખિલકાકા, ત્રિભુવનભાઈ અને એનો ‘સંગમ’નો આશ્રમ – એમના તરફથી મળેલાં મૂલ્યો એણે સ્વીકારી લીધાં છે. સોનલ, એને જળમાંથી ઉગારી લેવાના પ્રસંગે, એ નિર્મોહી હતો એમ કહે છે ત્યારે એ કશો વિરોધ, પોતાની પ્રામાણિકતાને ખાતર પણ, કરતો નથી. પણ પાછળથી પોતે નિર્મોહી નથી એવી પ્રગલ્ભ જાહેરાત સોનલ આગળ કરે છે ખરો. એક બાજુથી પશુના જેવા આદિમ આવેગની ઉત્કટતાવાળો પ્રેમ એને ગમે છે ને સમશીતોષ્ણ પ્રેમીઓની એ ઠેકડી ઉડાવે છે તો બીજી બાજુથી પ્રેમ વિશેની ‘બૌદ્ધિક પ્રતીતિ’ થવાની એ રાહ જોતો બેસે છે. સહશય્યાભોગના છેલ્લા પ્રસંગમાં પોતાના આ બૌદ્ધિક પ્રતીતિ માટેના ઉધામાને ઘેનમાં નાખવા જ એણે ઊંઘની ગોળી નહિ લીધી હોય? એ પ્રસંગે સોનલ ‘હું વાગ્દત્તા છું, ધર્મદત્તા નથી’ એમ કહીને એને વારે છે ત્યારે ‘શાકુન્તલ’ના દુષ્યન્તની અદાથી, આ પ્રસંગે એમ કરવું એ એના સ્વાર્થને અનુકૂળ છે માટે, અન્ત:કરણવૃત્તિને પ્રમાણ તરીકે સ્વીકારી લે છે. સામાજિક શિસ્તની સામે આન્તરપ્રતીતિને એ મૂકી દે છે. પછી ખોવાની-હારવાની મીમાંસા શરૂ થાય છે, સ્વચ્છ નિદ્રા પછી પ્રેમની સ્વચ્છ વ્યાખ્યા પણ એને જડે છે. હવે એ આ પ્રેમના સાર્વભૌમત્વ વિશે પ્રશ્ન પૂછશે ખરો? પ્રેમને કારણે એમનું અસ્તિત્વ ‘એકબીજા પર સદંતર નિર્ભર’ બનીને રહેશે એવી માન્યતાને કેવળ ભ્રાન્તિ ગણનારો ને પ્રેમ વિના સાથે જીવવાનું આશ્વાસન સોનલને આપનારો ચન્દ્રહાસ છેલ્લે એકાએક નિર્ભ્રાન્ત બની જાય છે ને ‘મને હવે ચર્ચામાં રસ નથી.’ એમ કહી દે છે તે શું કેવળ સહશય્યાભોગના ચમત્કારને કારણે એમ આપણે માનવું? સમાજ એટલે ચણાયેલી ઇંટ એમ માનનારો ચન્દ્રહાસ છૂટી ઇંટની સ્વતન્ત્રતાને સ્મરણીય લેખે છે, છતાં નિખિલકાકા કે ત્રિભુવનભાઈ જેવી વિભૂતિઓના આપ્ત વાક્યને પ્રમાણ માનીને સ્વીકારી લેવા જેટલો પોતાની સ્વતન્ત્રતાનો ભોગ આપવામાં એને બાધ નડતો નથી.

સંશયશીલ, આત્મપ્રવંચક, કૃતક આદર્શવાદી, પ્રામાણિકતા ને સતત ચાલ્યા કરતી આત્મશોધનાં ઓઠાં હેઠળ આક્રમક સ્વરૂપના ને તેથી જ બરડ એવાં અહંને તથા અસહિષ્ણુતાને ઢાંકતો, નાસિર્સસ ગ્રન્થિથી પીડાતો એવો, આ નાયક, કોઈને લાગે તો નવાઈ નહીં. લેખકને એવા જ પાત્રનું નિરૂપણ ઇષ્ટ હોત તો વાત જુદી હતી. પોતાને જે પ્રિય છે તે આપણી પાસે પણ મંજૂર રખાવવાનો ચન્દ્રહાસનો આગ્રહ છે. આભાસી તાકિર્કતાની વાત બહુ ગમ્ભીરપણે લક્ષમાં ‘(લક્ષ’ અને ‘લક્ષ્ય’ને લેખક એક ગણતા લાગે છે!) લેવા જેવી નથી. સોનલને માટેનું આકર્ષણ, એના પર પોતાના વિશિષ્ટ અધિકારનું સ્થાપન, સોનલને ભોગે થોડી પરપીડન વૃત્તિનો લેવાતો આનન્દ, અહંને ખરજવાની જેમ ખણવાથી થતી તુષ્ટિ – આ બધું લેખકને ઇષ્ટ હતું તેથી જુદા જ પ્રકારનું ચિત્ર આપણી આગળ આંકી દે છે. સોનલ ચન્દ્રહાસને ગમે છે માટે આ કથાસૃષ્ટિનો ખલનાયક જેવો ‘(ખલનાયક જેવો’ એટલા માટે કે સાચા ખલનાયકનું કાઠું આપણા લેખક સરજી શકે એમ છે નહીં. જે ચન્દ્રહાસના સ્વાર્થની કે એને અભિમત એવી ભાવનાની આડે આવ્યા તે ખલનાયક) ભૂપેન, આચાર્યશ્રી – ભૂપેન પણ સોનલના થોડા શા પરિચયથી જીવનની દિશા બદલી નાખે છે. ‘ભૂપેનમાં ઇયાગોની શક્તિ છે’ એમ ચન્દ્રહાસ કહે છે ખરો, પણ એ શક્તિઓ જો લેખકે પ્રગટ કરવાનું માથે લીધું હોત (માથે લેવું ન પડે એ માટે તો એને અમેરિકા રવાના કરી દીધો છે!) તો ચન્દ્રહાસ ઓથેલો બન્યો હોત કે હેમ્લેટ બન્યો હોત તેની ચિન્તા કરવી વ્યર્થ છે, કારણ કે ચન્દ્રહાસ જે ધરતીમાંથી ઊગ્યો છે તે ધરતીમાંથી ચન્દ્રહાસ જ ઊગે એમ છે. ‘સંગમ’ના ડોશીમા, ગોવિંદભાઈ, ત્રિભુવનભાઈ, વિલોચન, સુનીતા, નિખિલકાકા – બધાંનાં જ પ્રમાણપત્રો સોનલ માટે ચન્દ્રહાસે મેળવી આપ્યા છે. ઉદ્દણ્ડ ને અલગારી, નાસ્તિક પશુ જેવો મનસૂરી પણ ‘મેં કેમ આજ સુધી એવી સુંદર યુવતી ન જોઈ? તમારે જીવનમાં એથી વધારે શું જોઈએ? પરિચય આપતી વખતે હું કોઈને પ્રણામ કરતો નથી. મારાથી એને પ્રણામ થઈ ગયા.’ એમ કહીને સોનલને કેવી મોટી અંજલિ આપે છે! પ્રેમ જેવા શબ્દને દેશવટો દેનારો ‘સોનલ હોય તો પ્રેમ પણ હોઈ શકે, પૂજા પણ થઈ શકે.’ એમ કહીને ચન્દ્રહાસ કેવો તો બડભાગી છે તેનો ખ્યાલ આપી દે છે. આ શુભેચ્છા ફળે છે ને અન્તે જેને ચન્દ્રહાસ દર્પશીલ ગણતો હતો તે સોનલ વાર્તાને અન્તે મુનશીની કોઈ જાજરમાન નાયિકાની ઢબે ચન્દ્રહાસને ઝૂકીને પ્રણામ કરે છે ને શરદ્ની ભાવુક સ્ત્રીની જેમ ચરણરજ પણ લે છે. મનસૂરીથી સોનલને પ્રણામ કરી દેવાયા ને સોનલથી ચન્દ્રહાસને ‘નમાઈ જવાયું’ – આ ચઢતીઊતરતી ભાંજણીનો ક્રમ સ્પષ્ટ દેખાઈ આવે એવો છે.

પાત્રપ્રધાન અને તેમાંય તે એક પાત્રપ્રધાન નવલકથાની ક્ષતિઓ ટાળવા જેટલી લેખકની કળાસૂઝ ખીલી હોય એમ લાગતું નથી. અનેક વિરોધી બળોનું સન્તુલન પાત્રને જે density આપે તે ચન્દ્રહાસના પાત્રને પ્રાપ્ત થઈ નથી. એનો વિરોધ તુલ્યબળ પાત્રો જોડે નથી. જે પાત્રો જોડે વિરોધ છે તે પાત્રોમાં તુલ્યબળ હોવાની શક્યતા નથી એમ નહીં, પણ એ શક્યતાઓને વિકસાવવાની લેખકની દાનત નથી. એમાં જ એમની અશક્તિનો એકરાર છતો થઈ જાય છે. ભાવનાનાં આલમ્બનરૂપ પાત્રો સૌથી નબળાં છે. સોપાન કે દર્શકની સૃષ્ટિમાંથી એઓ અહીં ચાલી આવ્યાં હોય એવું લાગે છે. તૃપ્તિ માટે ચન્દ્રહાસને આસક્તિ છે, જીવનભર એને યાદ કરવાનો એનો સંકલ્પ પણ છે, સોનલ જેવી નારી આગળ પણ ગોત્રસ્ખલન થઈ જતાં તૃપ્તિનું નામ એનાથી બોલાઈ જાય છે. પણ એ સમ્બન્ધ નવલકથાના પ્રારમ્ભના અધ્યાયમાં જ સમેટી લેવાયો છે ને તે પણ તૃપ્તિને બહુ સ્થૂળ રીતે નીચી પાડીને. પછી ગમે તેવી પાપી સ્ત્રી નિર્દોષ બાળકને જન્મ આપી શકે છે એ ભગવાનની લીલા માત્ર ચન્દ્રહાસ સાથે આપણે જોવાની રહે છે. તૃપ્તિના ‘પતન’ની જવાબદારી થોડે ઘણે અંશે ચન્દ્રહાસની નથી? એ વિરશ્રી ચન્દ્રહાસ સાથેની વિલોચનની ચર્ચા નિરાશાજનક છે, જે ઘટનાથી મૂર્ત થવું જોઈએ તે પૂર્વપક્ષ ઉત્તરપક્ષ રૂપે રજૂ થાય છે. આ પદ્ધતિને કારણે જે નાટ્યતત્ત્વની શક્યતા હતી તે લેખકે વણસી જવા દીધી છે. આવી ચર્ચાઓથી સોનલની જેમ આપણે પણ કંટાળીએ છીએ. કૌતુકરાગી પ્રેમ અને અભીષ્ટ ભાવનાઓનું કૌતુકરાગી નિરૂપણ – આટલામાં લેખકની દોડ પૂરી થઈ જતી હોય એવું લાગે છે. સોનલ જે દુ:ખને કારણે આત્મહત્યા કરવા પ્રેરાઈ તેનો impact પછીથી એના વ્યક્તિત્વ પર દેખાતો નથી. આથી આત્મહત્યા જેવો ભારે પ્રસંગ તકલાદી બની રહે એવી અસંગતિ ઊભી થઈ છે. આપણા નવલકથાકારો ભારે વજનની ઘટનાઓ સહેજસહેજમાં લાવી દે છે, પણ એનાં તુલ્યગુણ રૂપ પરિમાણો ઉપજાવી શકતા નથી. આ વિવેક કેળવાયા વિના નિરૂપણમાં સૂક્ષ્મતા આવી શકે નહિ. ‘પૂર્વરાગ’માં આ સૂક્ષ્મતાનો અભાવ જ સૌથી વધુ સાચા સહૃદયને ખટકે છે.

વિલોચનનું પાત્ર જો સારી માવજત પામ્યું હોત તો ચન્દ્રહાસની પડછે એક સારું પૂરક પાત્ર નીવડ્યું હોત. પણ અહંકેન્દ્રીય પાત્રનું ચક્રવર્તીપણું અબાધ રાખવા જતાં એવું કશું બની શકતું નથી. રાષ્ટ્રભાવનાને પાનો ચઢાવવો, ચીનાઓ સામે ઝેર ઓકવું, સમસામયિકતાનું તત્ત્વ જાળવી લેવું – આટલા ખાતર એ પાત્રનો સસ્તો ભોગ આપી દીધો છે. નહીં તો એ પાત્રમાં શક્યતા તો હતી જ. નેફાની હરોળ પર, અમદાવાદ બેઠાબેઠા, પહોંચી જવાનું પરાક્રમ લેખક કરી શક્યા છે ને વિલોચન સેલાઘાટથી જે રીતે પાછો ફર્યો તે કોઈ ચિત્રપટમાં મઢી લેવાય તો? આપણા સૈનિકોનાં વીર મૃત્યુ આવી રોમાંચક સામગ્રી પૂરી પાડે છે!

નવલકથા ‘બહુજનસુખાય’ હોવી જોઈએ એવું પણ કદાચ લેખકને અભિમત હશે. નહીં તો સોનલ સાથેના અબોલાનો ગાળો પૂરવા ડો. ફેંકુ, કાપડિયા, મણિલાલની જમાત શા માટે એકઠી કરે? એક બાજુ નેફાનો મોરચો, બીજી બાજુ આ જમાત – લેખક એક સાથે કેટલા ધુ્રવ સુધી પહોંચી શકે છે! લેખકનો વ્યંગ સ્થૂળ સ્વરૂપનો છે, વળી આ કથાસૃષ્ટિમાં એવી કશી અનિવાર્યતા સિદ્ધ કરવાની જરૂર લાગી જ નથી. નિખિલકાકા કવિ છે, પ્રખર કવિ છે એમ ચન્દ્રહાસ કહે છે. પણ એમનું કવિ તરીકેનું વ્યક્તિત્વ આપણી આગળ પ્રકટ થતું નથી. વિદ્યાપીઠના ગંદા રાજકારણની રમતનો ભોગ બનેલા એક સ્વમાની અધ્યાપક લેખે જ આપણે એમને જોઈએ. સમકાલીન પ્રસંગોનો દાબ એમાં વર્તાય છે. લેખક વ્યક્તિગત આક્રોશ કે અભિનિવેશને ઢાંકે એટલી માત્રામાં કળા પ્રકટાવી શક્યા નથી. ‘સંગમ’ એ આ સૃષ્ટિનું ‘યુટોપિયા’ છે. હવે કદાચ આવાં કલ્યાણગ્રામ દરેક નવલમાં વસ્યે જ જવાનાં! એ નિમિત્તે થોડી ‘કવિતા’ છલકાય છે, ચન્દ્રહાસને માટે તો ‘સંગમ’ નોળવેલ છે. અમદાવાદનું ઝેર એ ત્યાં ઉતારે છે. ‘સંગમ’ ગામડામાં ને શહેરમાં ‘વિપ્રયોગ’! ધૂમકેતુના જમાનાનો આ ગ્રામપ્રેમ લેખકને પણ ‘ગોવિન્દનું ખેતર’ ફરી અવતારવા પ્રેરે છે! અમદાવાદ ને અમદાવાદી માટે એમને ઉગ્ર ઘૃણા છે. ને તે વ્યંગોક્તિઓમાં પ્રકટ થાય છે. નિર્દંશ ને ઉચ્ચ કોટિના હાસ્યમાં અપેક્ષિત સૂક્ષ્મતા કે મેધાને સ્થાને sardonic smile ને ચબરાકિયાવેડા મોટા ભાગે દેખાય છે.

સુનીતાને આ કથાસૃષ્ટિની ઉપેક્ષિતા લેખીશું? શરૂઆતમાં, એ ધનિક હોવાને કારણે, ચન્દ્રહાસના વ્યંગનો ભોગ બને છે. ચન્દ્રહાસનાં ગીત પર ને તેથી ચન્દ્રહાસ પર એ મુગ્ધ છે. ચન્દ્રહાસના હિતાર્થે યોજાયેલા નારીયજ્ઞનું એ પણ એક હવિ છે. પછીથી ચન્દ્રહાસ અને સોનલ વચ્ચેના અબોલા દરમિયાન એ સોનલની આશ્રયદાતા તરીકે ખપમાં આવે છે. કાદમ્બરીની તામ્બુલકરંડકવાહિનીની જેમ એ ચન્દ્રહાસને સોનલના પ્રિયતમ તરીકે જોઈ સ્વીકારીને હર્ષ પામી શકી હશે? ન જાને! પાત્રરચનામાં એવું ઊંડાણ, સંઘર્ષને માટેની સૂક્ષ્મ ભૂમિકા અહીં આપણને પ્રાપ્ત થતાં નથી. આથી આ નવલકથામાં રમણલાલ દેસાઈની જેમ સમકાલીન ઘટનાઓની તવારીખ આપવી, દર્શક કે સોપાનની જેમ વિભૂતિઓનું દર્શન કરાવવું, ગોવર્ધનરામને અને ગાંધીને અનુસરી ‘સંગમ’ની સ્થાપના કરવી તે પ્રેમ તો ખરો જ, પણ બને તેટલો શિષ્ટ, સમાજભીરુ (ને છતાં પશુની હિંસ્રતાના આવેશમય ઉદ્ગારો તાકિર્ક પ્રતીતિ જોડે ભેળવવા) ને મંગલપરિણામકારી રાખવો – એવી કંઈક નેમ લેખકની હોય એવું લાગે છે. નવલકથાના સાહિત્યસ્વરૂપની કોઈ નવી શક્યતાની શોધે એમને આ લખવા પ્રેર્યા હોય એવું લાગતું નથી.

આ કથામાં લેખકનો જ કાકુ સર્વત્ર સંભળાય છે, આથી એક પ્રકારની એકવિધતાનો ભાષામાં અનુભવ થાય છે. રઘુવીરનું ગદ્ય જાયકેદાર તો છે જ, એમના આગવા વ્યક્તિત્વની મુદ્રા એમાં ઊપસી આવે છે. પણ કળામાં – ને નવલકથા જેવી વસ્તુલક્ષી કળામાં વ્યક્તિત્વનું ઉચિત માત્રામાં તિરોધાન થવું ઘટે. સંસ્કૃત કેટલીક વાર ભદ્રંભદ્રીય લાગે એ હદનું વપરાયું છે. વ્યંગમાં એમની ભાષા ખીલે છે, લેખકના કવિપણાનો પણ એને લાભ મળ્યો છે. આથી નવલકથા શિક્ષિતોને સુખપાઠ્ય બની રહી છે.


1.- લેખક તથા પ્રકાશક: રઘુવીર ચૌધરી, અમદાવાદ 14,: મૂલ્ય સાત રૂપિયા, પૃ. 278, 1964 ↵