કવિશ્રી રાજેશ પંડ્યાની કવિતા/૯. ઝાડની વારતા

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ઝાડની વારતા

સવારના અજવાળે
રંગમાં પીંછી ઝબોળીને એ
કોરા કેન્વાસ પર રેખા દોરે છે ને
થોડી વારમાં તો લીલીછમ કૂંપળ ફૂટી નીકળે છે.

બપોર સુધીમાં તો ઘેઘૂર ઘટાદાર ઝાડ બની જાય છે એવું
કે ધોમધખતા તાપમાં ફળફળતા રણ વચ્ચે
એકલા એકલા ચાલ્યે જતા થાક્યા પાક્યા
ગાંધીને એની છાંયે બેસવાનું મન થાય ઘડીક.
ચશ્માં બાજુ પર રાખી અધમીંચી આંખે જરીક નિરાંત જીવે
એ હજી તો બેઠા જ હોય છે ત્યાં
કેટલાંક વરસો પછી આજે વારતા સાંભળવા મળશે
એવા હરખથી દોડતાં આઠદસ બાળકો
એમની ફરતે કૂંડાળું વળીને બેસી જાય છે.
ત્યારે એમની લાકડીને તાજી કૂંપળ ફૂટી નીકળે છે ફરી.

એ તરફ સ્હેજ જોઈ એમનું ચિરપરિચિત હાસ્ય કરી
દાદાજી વારતા માંડે છે
બધાંય બાળુડાં સાંભળવામાં તલ્લીન થઈ જાય છે
બરાબર એ વખતે એકાંતની શોધમાં નીકળેલું
એક પ્રેમીજોડું આવી પહોંચે છે અહીં પણ બધાંને જોઈ
થોડુંક ખમચાઈ ઊભું રહી જાય છે થોડુંક દૂર
છતાં વારતા સાંભળી શકાય એટલું નજીક.

એટલામાં તો
પોતાનો માળો છોડીને આઘે આઘેના મૂલક જતાં
પંખીઓ પાંખ વીંઝી વીંઝીને તરસ્યાં થયાં હોય
એ જાણી ખળખળ વહેતી નદી
એનાં આછાંતંબોળ જળ પીવા બોલાવી લાવે છે એને
આ ભૂરા કેન્વાસને કાંઠે. સાજુકનાં.

રાતવેળા તો પહાડના ઢાળ પરથી અંધારું ગબડતું રહે
પથરા જેમ ઝાડના થડને અફળાતું ડાળીઓ ભચડતું
ઘાસફૂલ ને કીડીમંકોડાને કચડતું કચડતું છેક
નદીના ઊંડા જળમાં જઈને પડે ભફાંગ
એના અવાજમાં છાંટા વેરાઈ જાય છે ચારેકોર
એને કાળજીથી વીણીવીણીને કવિ અક્ષર જેવા મરોડદાર બનાવે છે
કવિતા લખવા માટે.