કવિશ્રી રાજેશ પંડ્યાની કવિતા/૧૦. ઝાડનાં કાવ્યો
૧
જેમ તું વાવે છે સપનાં
એમ તારે વાવવાં જોઈએ ઝાડ.
જેમ તું આંસુઓ સીંચે છે
એમ તારે પાવાં જોઈએ પાણી.
સપનાંને અને ઝાડને લીલાં રાખવા
ઓછામાં ઓછું આટલું તો દરેકે કરવું જોઈએ.
ર
તડકામાં ઊભું છે એક ઝાડ. બોરસલી.
ગઈ રાતના અંધકારમાં થોડા તારા ખેરવ્યા’તા એણે.
અડધું ફળિયું ને અડધી ઓસરી મઘમઘતી થઈ ગઈ’તી ત્યારે.
ત્યારે મેં પડખું ફેરવ્યું હશે પથારીમાં, કદાચ
કદાચ ચાદર ખેંચી લઈ માથાભેર, ઊંઘી ગયો હોઈશ
ફરી નસકોરાં બોલાવતો, અંધારામાં.
સવારે જાગીને જોઉં છું તો
તડકામાં ઊભી છે આ બોરસલી
રાતની વાતથી સાવ અજાણ.
રાતની વાતથી સાવ અજાણ
એક સક્કરખોર ચળકતા જાંબલી રંગ ઉડાડતું
આવી ચડે છે અહીં, બોરસલી પર
પાંખથી તડકાને પડખે હડસેલતું સ્હેજ લટકે છે ઊંધું
બોરસલીમાંથી ચળાતા આકાશને પીતું
ચાંચ ઉઘાડી
એના ત્વિચ ત્વિચ અવાજને હું ઝીલું છું
મારા હોઠનાં પાંદડાં પર.
તડકામાં ઊભો રહી અહીં.
૩
ઝાડની લીલાશ
આપણા સુક્કા ભૂખરા જીવનને
થોડુંક જોવા જેવું બનાવે છે.
એથી પથરા જેવો કઠણ સમય
થોડો લિસ્સો થાય છે
અને કદરૂપાં ઘર
થોડાં નમણાં લાગે છે.
એટલે જ આંખ આખા વેરાનમાં ફરતી
ફરી ત્યાં જઈ ઠરે છે
જ્યાં ઝાડ હોય છે.
ઝાડને જોવું એ
કોઈ છોકરીને જોવા કરતાં
ઓછું સુંદર નથી હોતું.
છોકરીના સુંદર ચહેરાની જેમ ઝાડ પણ
વારેવારે તમારી આંખને એના ભણી ખેંચે છે અને
ઝાડની ડાળી પર બેઠેલાં ચંચલ પક્ષીઓ જેમ
બંને આંખો ઊડતી-કૂદકતી રહે છે
આ ડાળથી તે ડાળ, આ પાનથી તે પાન
ત્વિચ ત્વિચ બોલાશે લીલા રંગ છલકાવતી
છલકાવતી છેવટ સંતાય જાય છે ક્યાંક
ક્યારેક કોઈક શોધી કાઢે ફરી, એ માટે.
હું એના ફરી દેખાવાની રાહ જોતો
ઊભો છું. અહીં. બરાબર ઝાડ સામે.
ઊભો ઊભો વિચારું છું કે
આ પથરાળ દુનિયામાં એક ઝાડનું હોવું
ને એય કોઈ છોકરીના ચહેરા જેવા સુંદર
જેની આંખોમાં પંખી ઊડતાં હોય
ડાળે ડાળે લીલાં દૃશ્યો રચતાં જે
પાણીની જેમ ભીંજવી જતાં હોય આમૂલાગ્ર...
આથી વધુ શું જોઈએ
કોઈને, આ પથરાળ દુનિયામાં?
૪
એ બગીચાને બાંકડે બેઠો છે
ને બેઠો બેઠો બીડી પીએ છે.
પણ ઝાડ જોતો નથી.
આ બાજુ
ઘાસમાં બાળકો દોડાદોડી કરે છે
એનો કિલ્લોલ સંભળાય છે
જે પંખીઓના કલરવમાં ભળી જાય છે.
પેલી બાજુ
બે પ્રેમીઓ – જાણે એક જ હોય એટલાં
અડોઅડ બેસી – ગુસપુસ કરે છે
જે ફૂલોની સુગંધમાં ભળી જાય છે.
સામે
કોઈ ક્યારા સાફ કરે છે
તો કોઈ પાણી છાંટે છે.
ચણાજોરગરમવાળો ભૈયો
પસાર થઈ જાય છે પડખેથી
આ બધાની વચ્ચે
એક પતંગિયું ઊડતું રહે છે.
એ માત્ર બેઠો રહે છે. ચૂપચાપ.
એને શું કરવું જોઈએ તે એને સમજાતું નથી.
જોકે
ઝાડ એની લીલી ડાળ ફેલાવી
છાંયો ઢાળે છે બાંકડા પર
એ બેઠો છે ત્યાં. ચૂપચાપ.
૫
એક સવારે મેં બારી બહાર જોયું
સામે ફળિયાની માટીને આઘીપાછી હડસેલી
એક ફણગો ફૂટી રહ્યો’તો.
નવજાત બાળકનાં પોપચાં જેમ
એની પાંદડી ફરકતી’તી.
થોડા દિવસ પછી મેં બારીની બહાર જોયું
ત્યારે નાનકો છોડ હવામાં ઝૂલતો’તો
સૂરજનાં કિરણોને પાનેપાને ઝીલી લેવા સજ્જ.
કેટલાય દિવસો વીતી ગયા પછી
એક સુંદર સવારે ફરી મેં બારીમાંથી જોયું બહાર
તો ડાળેડાળે લેલૂંબ ફળ ઝુલાવતું ઝાડ ઊભું’તું રસદાર
કેટલાંય વરસો પછી
મેં ફરી એક વાર
બારી ઉઘાડીને જોયું બહાર
પણ મને એ દેખાયું નહીં
કદાચ
મને કંઈ દેખાતું નથી.
કદાચ બહાર કંઈ નથી.
૬
ખૂબ અઘરું હોય છે
કોઈ ઝાડ માટે
રસ્તાની ધારે ઊભા રહી
પાંચપંદર વરસ ટકી રહેવું તે.
રસ્તો નહોતો
એ વખતે તો એ બધે હતું
પછી રસ્તો થયો ત્યારે ખસતું ખસતું એ
ધારે આવી ગયું છેવટ
હવે ક્યાં જઈ શકાય એમ છે
એ વિચારતું ઊભું છે અત્યારે
રસ્તાની ધારે.
ખૂબ અઘરું છે.
કોઈ પંખી માટે
રસ્તાની ધારે ઊભેલા ઝાડ પર
ક્યાંકથી સાંઠીકડાં તણખલાં
ચાંચમાં ઊંચકી લાવીને
માળો બાંધવો એ.
રસ્તા પરથી
ધમધમતાં વાહનો
સડસડાટ પસાર થાય ઝપાટાબંધ
ઝાડની ડાળીઓમાં કડેડાટી બોલાવતાં
ત્યારે
માળામાં ગોઠવેલાં તણખલાં ધ્રૂજે છે
કે પછી પીંછાં કાંપે છે
એ બરાબર કળી શકાય નહીં. કોઈથી.
કેમ કે રસ્તાની ધારે
સંભાળીને ચાલતા રહેવું
ખૂબ અઘરું હોય છે.
૭
કાલે
કદાચ એનાં મૂળિયાં ફેલાઈ
પાયા સોંસરાં ફરી વળી
મકાનના સાંધેસાંધા ઢીલા કરી દેત
કે પછી
બથમાં ન સમાય એવડા ઘેરાવાવાળું થડ
આસપાસ ઘણી જગ્યા રોકી લેત
આવતી કાલે.
પાનખરમાં તો પીળાં પાંદડાં ઊડ્યાં કરત ચારેકોર
ત્યારે બારીબારણાં વાખવાં પડત જડબેસલાક નહીંતર
ઘર આખું ભરાઈ જાત ધૂળિયા સુક્કાં પાંદડાંથી.
વળી
કેટલાંય પંખીઓના અવાજથી
ઊંઘ ઊડી જાત સવારે સવારે
આમ કાચી ઊંઘમાંથી ઊઠ્યા પછી
આખ્ખો દિ’ શરીર ઢીલુંઢફ રે’ત.
આવાં બધાં કારણોસર ભાઈએ
ફળિયા વચોવચ પગભર થવાનું શીખી ગયેલ
કેડસમાણો છોડ વધુ વધે એ પહેલાં જ
વાઢી નાખ્યો.
આજે
એ જ ફળિયામાં
જ્યાં આંબો હોત એ ઠેકાણે બેસી
હું એની કવિતા કરું છું.
ને એમ એને ફરી ઉગાડવા માગું છું
કલમના ઇલમથી. કવિતામાં.
હવે એ કવિતામાં જીવશે, કદાચ.
જો આવતી કાલે કવિતા બચશે તો.
અથવા
આવતી કાલ બચશે, કવિતા માટે, તો.
૮
ઝાડ અને કવિતા
ક્યારેય એકબીજાનો મુકાબલો કરી શકે નહીં.
ઝાડ જેમ કવિતાને લીલો રંગ હોતો નથી
ઝાડ જે રીતે બીજાને છાંયો આપી શકે
એમ કવિતા તાપ ઝીલી લેતી નથી.
ઝાડ ફળ આપી શકે એમ
કવિતા બીજાની ભૂખ મટાડી શકતી નથી.
ઝાડે તો સતત વધવાનું હોય છે
ઉપર ને ઉપર
કવિતાએ તો શમવાનું હોય છે
ઊંડે ને ઊંડે
ઝાડ તો
આકાશમાં ફેલાઈને વિસ્તરી શકે છે
કવિતા તો બસ
જમીનમાં સંકોરાઈને ઊતરી શકે છે
એટલે ઝાડ અને કવિતા
એકબીજાનો મુકાબલો કરી શકે નહીં
જેમ ઈશ્વર અને કવિ
એકબીજાનો મુકાબલો કરી શકે નહીં તેમ.
૯
કોઈ પણ ઝાડ
ઈશ્વર કરતાંય વધુ ઉપકાર કરતું હોય છે.
એનો લીલો ઘેઘૂર છાયો
ભૂરા આકાશથી જરાય ઓછો ઘટાદાર નથી હોતો.
એનાં મૂળચઢતાં પાણી
છેક વાદળ સુધી પહોંચી જવા ગરજતાં હોય છે.
જ્યારે પવન વહે છે ત્યારે
એ પૃથ્વી પર ઢોળાતું ચામર બની જાય છે.
પૂનમની રાતે
એની ડાળે ફળ થઈ
લટકે છે ચંદ્ર
પછી સવાર થતાંવેંત
એની રસસેર સૂરજનાં કિરણોમાં બદલાઈ જાય છે.
એને જોવા પાંદડાં પાછળથી ડોકિયાં કરે છે પંખીઓ
ઈશ્વરની આંખ હોય એમ.
૧૦
‘શું છે ત્યાં આજે
જ્યાં વૃક્ષ હતું એક વાર?’
એમ પૂછતા
ઉમાશંકર મને ઓચિંતા મળી જાય છે
યુનિવર્સિટી રોડ પર. વળાંકે.
જ્યાં એક વાર ઘટાદાર વૃક્ષ હતું
એની નીચે. આજે.
હું પાસે જઈ ઊભો રહું છું
જાડા કાચનાં ચશ્માંમાંથી ધારદાર આંખે જોતા
મને ઓળખવા માગતા હોય એમ
યાદ કરતાં કહે છે :
મારા મરણ વિશે તમે કવિતા લખી’તી એ જ કે?
પછી યુનિવર્સિટીના પ્રવેશદ્વાર આગળ
કપાયેલાં થડિયાં બતાવી કહે :
હવે આના મરણની કવિતા લખો.
આ બધાંને તમે બચાવી શક્યા નથી
હું તમને સોંપીને ગયો’તો કવિતામાં
એ પણ તમે સાચવી શક્યા નથી...
કહેતાંક એ ચાલતા થયા.
હું ઊભો રહ્યો ત્યાં ને ત્યાં.
કપાયેલાં થડિયાં જેવો.
ધરતી માગ આપે તો સમાઈ જાઉં એવો.
અડધો અંદર.
૧૧
ખબર નથી આ ઝાડ કેટલાં જૂનાં હશે.
કોણે રોપ્યાં હશે એય ખબર નથી.
બેય બાજું હારબંધ ઊભેલાં આ ઘટાદાર ઘેઘૂર ઝાડ
એકબીજાને શાખાબાહુથી આલિંગતાં હશે
ત્યારે મહારાજાની સવારી નીકળતી હશે અહીંથી
એના પર ચામર ઢોળતાં હશે આ ઝાડ.
યુનિવર્સિટીનાં મકાનો ચણાતાં હશે ત્યારે
બપોરના રોટલા ખાવા બેઠેલા મજૂરોના માથે
છાયો ઢાળી રાખતી હશે એની ડાળીઓ.
અહીં ભણવા આવ્યો ત્યારે ઘણી વાર
રાતવરત એની હેઠળ બેસતો. મોડે સુધી. ચૂપચાપ
પછી ક્યારેક અહીંથી ખાસ પસાર થતો સમીસાંજે
એની ડાળીઓ પર રાતવાસો કરવા
પડાપડી કરતાં પોપટ કાબરોને જોવા.
વાહનોના ધમધમાટ વચ્ચેય એનો કલબલાટ
સાંભળવાની મજા લઈ શકાતી ત્યારે.
હવે ઝાડના જવાથી રસ્તો વિશાળ બન્યો છે
પણ યુનિવર્સિટી સુધીનું મારું અંતર વધી ગયું છે.
પેલાં પંખીઓ ને હું બંનેય
તડકામાં ઊભેલી યુનિવર્સિટી જોયા કરીએ છીએ
બંને બાજુથી. સામસામે
૧ર
અમારા વડોદરાને અમે સંસ્કારનગરી કહીએ છીએ.
આઝાદી પહેલાં અમારા શહેરમાં ઘણા વડલા હતા.
વડોદરાનાં ઘેરેઘેર બધી ગુજરાતણો
વટસાવિત્રીનું વ્રત રાખતી ત્યારની આ વાત છે.
પ્રેમાનંદનાં આખ્યાનોથી પણ જૂની
જોકે જૂના જમાનાની વાતો કોણ યાદ રાખે છે આજે ?
આજે નવા બંધાતા ફ્લાયઓવરની
વાતો સાંભળવા મળે છે બધાને મોઢે
કોઈ કોઈ તો એના પરથી હોન્ડા સિટી
સીધી હંકારી જાય છે સપનાંમાં તો કોઈ શહેરમાં
નવા ખૂલેલા આઉડીના શોરૂમની વાતો કરે છે.
એમાં વીંખાઈ જતા માળા ઊડી જતાં પંખીઓ
ને કપાઈ જતા વડલાની વાત કોણ સાંભળે ?
હવે બધા વડીલો એ જાણી લે ખસૂસ :
કે વડલા તો ક્યારના કપાઈ ગયા છે એમના વડોદરામાંથી.
બસ એની છબિ જાળવી રાખી છે કોર્પોરેશને એમ્બ્લમમાં.
વધુમાં એની ખાંભી ખોડી છે ફતેગંજ સર્કલે :
કળાના જાણકારો એને બેનમૂન શિલ્પ કહે છે.
જ્યારે જ્યારે ટ્રાફિકજામ થાય છે ત્યારે નગરજનો
એની પાસે ઊભા રહી
લીલી લાઈટ થવાની રાહ જુએ છે.