કાવ્યમંગલા/દશા ભાગ્યની
દશા ભાગ્યની
તહીં અલગ હા, રહો જ, નજદીક ના આવશો,
ચહું ન તમ સ્પર્શ, ના અધરપાન, એવો કશો
નથી લખલખાટ, દર્શન ઘણું ય મારે અને
અદર્શન થશે જ તો ય નહિ દુઃખ તેનું મને.
તમે કુસુમકોમળાં, કમલનેત્ર, સ્રષ્ટાતણી
રચેલ મધુમૂર્તિ શાં, નયન જ્યાં ઠરે આફુડાં,
પરાગભર પુષ્પ શાં જગ ભરો સુવાસે રુડાં,
હશો પ્રિયતમા વસ્યાં હૃદય કોઈને, કામિની !
તમે પ્રિયતમા હરેક પ્રભુસૃષ્ટ સૌંદર્યના
પ્રપૂજકતણી ઉપાસ્ય, સ્મરણીય, શિરમોર છો, ૧૦
શુચિત્વ તમ દેહતાજપ-કુમાશ પે ઓરછો
પડે મલિનતા અને વિષયનો, મને સહ્ય ના.
અખંડ ટકજો તમે સુરભિવંત સૌભાગિની,
અને અલગ હું ભમીશ સ્મરતો દશા ભાગ્યની.
(૨ માર્ચ, ૧૯૩૩)