કાવ્યમંગલા/કાં ના ચહું?

From Ekatra Wiki
Jump to navigation Jump to search
કાં ના ચહું?
(પૃથ્વી)

ન રૂપરમણી, ન કોમળ કળાભરી કામિની,
નહીં સુરભિવંત, રંગરસિયેણ, તું પદ્મિની,
છટા નહિ, ન શોખ, ના થનથનાટ, ના અબ્ધિની
ગંભીર ભરતી હુલાસ તુજમાં, નહીં ભામિની !

તું કેવલ જ સ્ત્રીશરીર ધરતી જિવે દેવની
ભરી દ્યુતિ ઉરે, મળેલ નિજ પ્રાણને ધારતી,
પડી મુજ કરે, ઉરે પણ પડી ન તેવી, રતિ
મને ઉમટતી સ્વયં ન તુજ મેર, દુર્દૈવિની !

મને ઉમટતી હતી ન રતિ કોઈ મેરે ય રે,
પિતા, જનની, બંધુ, મિત્ર મુજ સૌ સગાં જન્મનાં ૧૦
રહ્યાં પ્રિય ન; કિંતુ હા મૃદુલ હું શિખ્યો પ્રેમના
પ્રબોધ ચહતો થયો મનુજતા, ચહ્યા દુષ્ટ રે !

તું યે મનુજ ને વિશેષ મુજ ઈશદીધી વહૂ,
દિધું ગૃહ, પથારી અર્ધ, ઉર દેઈ કાં ના ચહું?

(૩ માર્ચ, ૧૯૩૩)