કાવ્યાસ્વાદ/૨૩

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૨૩

પેટ્રો સેલિનાસ નામના સ્પેનિશ કવિની મૃત્યુ વિશેની કવિતા અહીં સંભારવા જેવી છે. એ કહે છે કે વિસ્મરણ તે જ મરણ. આપણે જ્યારે કોઈને ભૂલી જઈએ ત્યારે એની આપણે હત્યા કરી એમ જ કહેવાય. કાવ્યના શીર્ષકમાં મરણનું બહુવચન છે તે સૂચક કવિ કહે છે : સૌ પ્રથમ તો મને તારા અવાજનું વિસ્મરણ થયું, હવે તું જો મારી પાસે આવીને બોલે તો હું પૂછું, ‘આ કોણ બોલ્યું?’ પછી હું તારા પદરવને ભૂલી ગયો; જો કોઈ પડછાયો મારી પાસે થઈને સરી જાય, જો કોઈ છાયા પવનમાં લપાઈ જાય તો એ છાયા હતી એવું હું ન જાણું. તેં ફૂલની જેમ બધી પાંખડીઓ ખેરવી નાખી, એ તારી કાયા હતી તે મેં ન જાણ્યું. માત્ર તારું નામ – એના સાત અક્ષરો માત્ર મારી પાસે રહ્યા. તારી કાયા એ જ એ નામોચ્ચાર. અલ્ુ તારું નામ સુધ્ધાં હું ભૂલી ગયો. એ સાત અક્ષરો હવે, એ કશા સાથે કશો સમ્બન્ધ સ્થાપ્યા વિના, રઝળતા ફરે છે. એઓ એકબીજાને ઓળખતા નથી. પસાર થતી બસ પરથી જાહેરખબરના જેવા એ મારી આંખ આગળથી સરે છે. પરબીડિયાં પર બીજા કોઈનું નામ છે. આમ મારે હાથે તારો નાશ થયો છે. તારા નામના અક્ષરો હવે બારાખડીના કોઈ સ્વર્ગમાં જઈ ને મળી ગયા હશે.