કાવ્યાસ્વાદ/૨૪

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૨૪

જેવું પ્રેમનું તેવું કવિતાનું. દક્ષિણ અમેરિકાના કવિ કાર્લોસ આન્દ્રાદેએ કવિતા વિશે બે ચાર વાતો સારી કહી છે. ઘટનાઓ વિશે કવિતા લખશો નહીં. કવિતામાં નથી સર્જન કે નથી વિસર્જન, એની સામે જીવન તો સ્થગિત થયેલો સૂર્ય, જે નહીં ઉષ્મા આપે, નહીં આપે ઉજ્જ્વળતા. આપણા બધા સ્નેહસમ્બન્ધો, અંગત પ્રસંગોની એમાં કશી ગણના નહીં, તમારા દેહથી લખશો નહીં. એ સુગઠિત, સૌષ્ઠવપૂર્ણ સુખદ દેહ તો લિરિકલ ભાવોચ્છ્વાસનો વિરોધી છે. તમને ચઢેલા ક્રોધનું ટીપું, સુખની કે દુઃખની મુખ પરની રેખાઓ,એ પરત્વે કવિતા ઉદાસીન છે. તમારી લાગણીઓ મારી આગળ ખુલ્લી કરશે નહીં કારણ કે એ ગેરસમજોનો લાભ ઉઠાવે છે ને એને લાંબે સુધી ખેંચી લઈ જાય છે. જે કાંઈ વિચારો કે અનુભવો તે બધું કવિતા નથી. તમારા નગરની પ્રશંસા ગાશો નહીં, એને શાન્તિથી છોડી દેવાનું શીખો. ગીત તે યન્ત્રોની ગતિ નથી કે ઘરનું રહસ્ય નથી એ અલપઝલપ સંભળાઈ જતું સંગીત નથી, ભરતીના ફીણની હારની બાજુમાંની શેરીમાંથી સંભળાતી, સમુદ્રની ગર્જના નથી. ગીત તે નથી પ્રકૃતિ કે નથી સમાજમાંનો માનવ, વર્ષા કે રાત્રિ, થાક કે આશા એનો કશો અર્થ નથી. કવિતા (વસ્તુમાંથી કવિતા તારવવાનું છોડી જ દેજો) વિષયને અને પદાર્થને ચાતરીને ચાલે છે. નાટકિયાવેડા કરશો નહીં. કોઈને સંબોધીને ઉદ્ગારો કાઢશો નહીં, જૂઠું બોલવામાં સમય બગાડશો નહીં. ધૂંધવાઇ ઊઠશો નહીં. તમારી હાથીદાંતની નૌકા, તમારી હીરેમઢી મોજડી, તમારાં મૃત્યુ ને વહેમો. કુટુમ્બનાં અસ્થિપિંજરો – આ બધાં તો સમયનાદના વળાંકમાં તણાઈને અદૃશ્ય થઈ જશે, એ બધું તો નિરર્થક છે. તમારા ગ્લાનિભર્યા અને દટાઈ ગયેલા બાળપણને ફરી ઉખેળશો નહીં, દર્પણ અને તમારી વિલાઈ જવા આવેલી સ્મૃતિ વચ્ચે ઝોલાક્ ખાશો નહીં, એ વિલાઈ ગઈ છે એનો અર્થ જ એ કે એ કવિતા નહોતી. જો એ ભાંગી જાય તો એ કાચ નથી. શબ્દોનેં વિશ્વમાં શાન્તિથી શોધ ચલાવજો. ત્યાં જ કવિતાઓ રચાવાની રાહ જોઈ રહી છે. એ પક્ષાઘાતથી જડ થઈ ગઈ છે, પણ નિરાશ થવાની જરૂર નથી. એની અઢ્ઢઝહૃડત સપાટીમાં શાન્તિ અને તાજગી છે. એ શબ્દો ત્યાં રાહ જોઈ રહ્યા છે, મૂક અને એકાકી શબ્દકોશના રૂપમાં. કવિતા રચતાં પહેલાં તમે એની જોડે જીવો. જો એ સન્દિગ્ધ લાગે તો ધીરજ ધરો. જો એ તમને ઉશ્કેરે તો ખામોશી રાખો એના શબ્દોની અને એને મૌનની શકિતનો સાક્ષાત્કાર થાય ત્યાં સુધી ધીરજ રાખો. ભાષામાંથી કવિતાને ઊતરડી કાઢવાની ઉતાવળ કરશો નહીં. ખોવાઈ ગયેલી કવિતાને ભોંય પરથી ઉપાડી લેશો નહીં. કવિતાની ખુશામત કરશો નહીં. એ જે રીતે પોતાનું રૂપ સ્વીકારે તે રીતે સ્વીકારજો, અવકાશમાક્ સુદૃઢ અને સંગીન. વધારે નિકટ જઈને શબ્દોને જુઓ, એના ખાલી ચહેરા પાછળ બીજા ગુપ્ત હજાર ચહેરાઓ છે. એ તમને પ્રશ્નો પૂછે છે. પણ તમે જે જવાબો આપશો એમાં એને રસ નથી નબળો કે આકરો. તમે ચાવી સાથે રાખી છે? જુઓ સંગીતના રાગડા નહીં, વિચારનાં જાળાં નહીં. એ શબ્દોએ રાત્રિને ખોળે વિસામો લીધો છે. હજુ તેમાં નાશ છે, નિદ્રાનો ભાર છે, વિકટ નદીના પ્રવાહમાં તણાઈને એઓ તિરસ્કારમાં પરિણમે છે.