કાવ્ય-આચમન શ્રેણી – ન્હાનાલાલ/૨. લગ્નતિથિ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૨. લગ્નતિથિ

ન્હાનાલાલ


વૈશાખની શશિમુખી, સખી ! પંચમીનો
છે આજ દિન તુજ ને મુજ લગ્ન કેરો :
મોંઘો વળી વળી હલે ! પ્રતિવર્ષ આવે,
ને વિસ્મર્યું સ્મરણ કાંઈ રસીલું લાવે.
કોલાહલે મનુજજીવનને ભરીને

ગંભીર ઘેરું ભવસાગર કાંઈ ગાજે :
એ ગાન પી વિચરતી મનુ કેરી સૃષ્ટિ
પ્રારબ્ધપંથ ધપતી પ્રભુના પ્રયાણે.

તું ખેલતી ફૂલવતી તટવાટિકામાં,
હું ઊગતો તટ તણા ગિરિરાજ ભેદી;
હા ! એકદા ધવલ વેળુ વિશે કિનારે,
ભેળાં મળ્યાં, અણચિતાં રમવા જ લાગ્યાં.

કીધાં પછી સુભગ મન્દિર કલ્પનાનાં,
ત્હેમાં અનુપ રસની પધરાવી મૂર્તિ :
વ્હાલી ! તૃષાજ્વલિત લોચન એમ ઠાર્યાં,
ત્હોયે ઊણું કંઈક અંતર માંહી ભાસ્યું.

ઊઠ્યાં, ઉઠાડી દૃગ આપણી પૃથ્વીમાંથી,
દીઠી વડી જીવનના જલધિની ઊર્મિ :
જાગ્યું કંઈક સખી ! દર્શન એહ લેતાં,
જાગ્યું અમોલું કંઈ ભાવવતું અનામી.

દીધો કરે કર, વર્યાં વર ઉચ્ચગામી,
ને આદરી રસીલી ! આચરવા પ્રતિજ્ઞા:
સંઘટ્ટી ચન્દની ઘડી મનવેગી હોડી,
ત્હેમાં મહાસફર સારવવા ઠરાવ્યું.

વ્હાલી ! વસન્ત જતી જીવનની વહે છે,
સંજીવની પ્રબલ શક્તિ હવે શમે છે;
ને મંદ મંદ પડતી દૃગ ઊર્ધ્વગામી;
ત્હોયે હજી જલધિ ઊતરવો રહ્યો છે.

શું શું કીધું ? નથી નિરર્થક સન્ધુ જીવ્યાં :
જો ! વેળુમાં ભવપટે પદપંક્તિ પાડી;
રહેશ ઘડીક, ઘડી કોઈકને જણાશે,
ને સારગ્રાહી જન આશિષ કોક દેશે.
(કવિ ન્હાનાલાલ ગ્રંથાવલિ : ૧, ખંડ-૧, ઊર્મિકાવ્યો, પૃ. ૧૯-૨૦)