કાવ્ય-આચમન શ્રેણી – મરીઝ/ઇશારે ઇશારે

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૨૧. ઇશારે ઇશારે

જીવનભરનાં તોફાન ખાળી રહ્યો છું,
ફકત એના મોઘમ ઇશારે ઇશારે.
ગમે ત્યાં હું ડૂબું, ગમે ત્યાં હું નીકળું,
છે મારી પ્રતીક્ષા કિનારે કિનારે.

અહીં દુ:ખની દુનિયામાં એક રંગ જોયો,
ભલે સુખનું જગ હો પ્રકારે પ્રકારે.
સુજનની કબર કે ગુનેગારની હો,
છે સરખી ઉદાસી મઝારે મઝારે.

હૃદય મારું વ્યાપક, નજર મારી સુંદર,
કલા મારી મોહક વિચારે વિચારે.
નથી આભને પણ કશી જાણ એની,
કે મેં ચાંદ જોયા સિતારે સિતારે.

અમારાં બધાં સુખ અને દુ:ખની વચ્ચે,
સમયના વિના કંઈ તફાવત ન જોયો.
બધી યે મજાઓ હતી રાતે રાતે,
ને સંતાપ એનો સવારે સવારે.

નથી ઝંખના મારી ગમતી જો તમને,
તો એનું નિવારણ તમારું મિલન છે.
તમે આમ અવગણના કરતા જશો તો,
થતી રહેશે ઇચ્છા વધારે વધારે.

અમસ્તો અમસ્તો હતો પ્રશ્ન મારો,
હકીકતમાં કોની છે સાચી બુલંદી.
જવાબ એનો દેવા ઊઠી આંગળીઓ,
તમારી દિશામાં મિનારે મિનારે.

જગતમાં છે લ્હાવા કદમ પર કદમ પર,
ફકત એક શરત છે ગતિમાન રહેવું.
નવા છે મુસાફિર વિસામે વિસામે,
નવી સગવડો છે ઉતારે ઉતારે.

મરણ કે જીવન હો એ બન્ને સ્થિતિમાં,
‘મરીઝ’ એક લાચારી કાયમ રહી છે.
જનાજો જશે તો જશે કાંધે કાંધે,
જીવન પણ ગયું છે સહારે સહારે.

(આગમન, પૃ. ૫૮-૫૯)