કાવ્ય-આચમન શ્રેણી – રઘુવીર ચૌધરી/જમીન

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૪૨. જમીન

જમીન તો
જોઈએ એટલું જ પાણી લે છે.
ઉપરનું આપી દે છે કુદરતને.
બાળકોને રમવા માટે છબછબ.
કેડીને, રસ્તાને, સૂકા વહેળાને
ઝરણાની બરાબરી કરવા માટે,
તળાવના પડોશી વડની ડાળીએ બેઠેલા પંખીને
ફરતે નજર કરવા માટે,
કોઈ ડાળે બેસી રાહ જોવા ભેરુની.

જમીન જોતાં ઝાડ યાદ આવે ગામનાં.
વધવાનું છોડી
ધરા-આભની વિમુખ લાગતાં,
એકલ દોકલ ઝાડ
ડોલી ઊઠે છે વાદળની બાથમાં ઝૂકીને...
થડ ભલે સ્થિર લાગે.
મૂળ ધરાતાં નથી,
ઝમે છે છાતી માટીની, ષડરસ...

ઘડી પહેલાં બધું જળ હતું આકાશનું
ધરાને મળતાં એ ધાવણ બન્યું.
સદ્યઃસ્નાતા સૃષ્ટિની સુગંધ ટપકતી
ફૂલ બનતી કળીઓથી.
જલબિંદુ મોતી બની જલમાં ભળે
વાદળ શિખરના વિસામા ભણી વળે.
ચંદ્ર વાતાયન વચ્ચેથી
જુએ જાતને સરકતા જલમાં.
જમીન સેવે એના સ્પર્શને.
તરલ બને સકલ.
કેમ કે જમીન તો જોઈએ એટલું જ લે,
આપવા માટે.
૧૩-૯-૦૪

(પાદરનાં પંખી, ૭૩-૭૪)