કાવ્ય-આચમન શ્રેણી – સુન્દરમ્/૧૬. કોણ?

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૧૬. કોણ?

સુન્દરમ્

પુષ્પ તણી પાંદડીએ બેસી હસતું કોણ ચિરંતન હાસ?
પૃથ્વી ઉરથી ઊઠે કોનો સુરભિત પુલકિત મુખરિત શ્વાસ?

કોણ બદલતું સન્ધ્યાકાશે પલ પલ નવલાં પ્રેમળ ચીર?
કોણ ઊછળતી મોકલતું નિજ કુમળી ઊર્મિ સરવરતીર?

અહો, ગૂંથતું કોણ પૃથ્વીને સેંથે ઝાકળમોતીમાળ?
તરુએ તરુએ ફળતી કોની આશા કેરી સાખ રસાળ?

કોનાં કંકણ બાજે એકલ સરિતા કેરે સૂને ઘાટ?
પર્વતને શિખરે સ્થિર બેસી કોણ સનાતન જોતું વાટ?

ઓ સારસની જોડ વિષે ઊડે છે કોની ઝંખનઝાળ?
અહો ફલંગે કોણ અધીરું વાદળ વાદળ માંડે ફાળ?

અંતરની એરણ પર કોની પડે હથોડી ચેતન રૂપ?
કાળ તણી ધરતીમાં ખોદી કોણ રહ્યું જીવનના કૂપ?

૩ સપ્ટેમ્બર, ૧૯૩૫

(વસુધા, પૃ. ૧૫)