ગાતાં ઝરણાં/કોણ ગયું ચાલી?
આ અવનિ પર તેજ પાથરી કોણ ગયું ચાલી?
કોણ ગયું ચાલી?
કેના વિણ વસવાટ-ભર્યું ઘર લાગે ખાલી ખાલી?
કોણ ગયું ચાલી?
કોના વિણ આ ગદ્ગદ્ હૈયાં, આંખ સહુની રાતી?
કોના વિણ માભોમની આજે છાતી ફાટી જાતી?
કેમ અચાનક જતી રહી આ ઉપવન કેરી લાલી?
કોણ ગયું ચાલી?
કેમ નીરવ રણ સમ ભાસે છે માનવ-અર્ણવ આજે?
કોણે લીલીછમ વાડીમાં ભડકાવ્યો દવ આજે?
શાને કારણ થઈ છે આખા દેશતણી બેહાલી?
કોણ ગયું ચાલી?
કોણે કાર્ય અશક્ય હતું તે શક્ય કરી દેખાડ્યું?
કોણે માનવતાના રક્ષણ કાજ મરી દેખડાયું?
છોડી આ દંભી દુનિયાને પંથ પ્રભુનો ઝાલી,
કોણ ગયું ચાલી?
૧૨-૪-૧૯૪૮