ગાતાં ઝરણાં/પાવન કોણ કરે!

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


પાવન કોણ કરે!


ઝાકળની દશામાં જીવીને પુષ્પો સમ વર્તન કોણ કરે!
એક આંખને હસતી રાખીને, એક આંખથી રુદન કોણ કરે!

શું દર્દ, અને દિલથી અળગું? એ પાપ અરે, મન! કોણ કરે!
એક રાતને દિવસ કોણ કહે, એક મોતને જીવન કોણ કરે!

પદચિહ્ન સમું મારું જીવન, ચાહો તો બને એક પગદંડી,
આવીને ૫રન્તુ, ક્ષણજીવી તત્ત્વોને સનાતન કોણ કરે!

દોષિતને હવે અપરાધોની ઓથે જ લપાઈ રહેવા દો!
યાચીને ક્ષમા, એ કહેવાતાં પાપોનું સમર્થન કોણ કરે!

દાગોથી ભરેલા આ દિલને કાં ચાંદની ઉપમા આપો છો!
કહેવાઈ કલંક્તિ, દુનિયાના અંધારને રોશન કોણ કરે!

કંઈ વિરહની વસમી ઘડીઓમાં સહકાર છે કુદરતનો, નહિતર
રાત્રિએ સિતારા સરજીને દિવસે એ વિસર્જન કોણ કરે !

ચાહું છું ‘ગની’, સૌ દુખીઓને લઈ જાઉં સુરાલયના પંથે,
પણ થાય છે, પોતે પાપ કરી સંસારને પાવન કોણ કરે!

૨૬-૧-૧૯૫૨