ગાતાં ઝરણાં/પાંખડીમાં

From Ekatra Foundation
Jump to navigation Jump to search


પાંખડીમાં


એક્ સ્વર્ગ સાંપડયું છે ઉલ્ફતની જિંદગીમાં,
દુનિયાથી જઈ વસ્યો છું તેઓની આંખડીમાં.

માનવ છું, માનવીનું દુખ મારું દુખ ગણું છું,
છું પુષ્પ, પ્રાણ મારો છે સર્વ પ્રાંખડીમાં.

ચોંટી છે રૂપ સામે મુજ દૃષ્ટિ એમ જાણે-
મોઢું જુએ ચકોરી ચંદાની આરસીમાં.

મેં તેમના વદન પર જોયા છે કેશ કાળા,
ને ચંદ્રને લપાતો જોયો છે વાદળીમાં.

અંતરની વેદનાઓ એ રીતથી વધી કે,
અંતર નથી વધુ કંઈ મૃત્યુ ને જિંદગીમાં.

આંસુનાં નીર સીંચી પોષી અમે વસંતો,
રંગીન સ્વપ્ન જોયાં ગમગીન જિંદગીમાં.

હર રંગમાં ‘ગની’, હું દુનિયાને કામ આવ્યો,
મિત્રોને મિત્રતામાં, દુશ્મનને દુશ્મનીમાં.

૧૨-૫-૧૯૪૫