ગાતાં ઝરણાં/મનીષા

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


મનીષા


ચાહું છું એટલી તાસીર હૃદયના કરમાં,
જેના એક સ્પર્શથી પૂરાય બધે રંગોળી,
જે રીતે સાંજના સોનાથી મઢેલા તડકા,
અવનિના અંગ પરે જાય છે પીઠી ચોળી.

*
ચાહું છું એટલું ધનભાગ્ય મને પ્રાપ્ત થશે,

કોઈનો હર્ષ મને પણ જો હસાવી જાણે,
જે રીતે ચાંદ ચકોરીને રમાડી લે છે,
જે રીતે પુષ્પ સુગંધીને વસાવી જાણે.

*
ચાહું છું કોઈમાં વિશ્વાસ મૂકી દઉં આજે,

જિંદગી કોઈનો એ રીત સહારો લઈ લે,
જે રીતે આવીને ઠલવાય હજારો મોજાં,
જેમ સાગરનો બધો ભાર કિનારો લઈ લે.

*
ચાહું છું એટલું રંગીન જીવન થઈ જાયે,

વેદીઆ મારી તબીયતને ‘ગુલાબી’ કહી દે;
જે રીતે રાહમાં ભૂખ્યાને લથડતો જોઈ,
સજ્જનો નાક ચઢાવીને ‘શરાબી’ કહી દે!

*
ચાહું છું એટલી ખૂબી હું જીવન-દર્પણમાં,

ખામીઓ એમહીં પોતાની, નજર આવી જાય,
જેમ પંથી કોઈ આંધી મહીં અટવાઈ જતાં,
વીજળી રાહ બતાવે અને ઘર આવી જાય.

*
ચાહું છું મારા વિચારોના વમળને લઈને

શાંત સાગરમાં જઈને કોઈ પધરાવી દે,
જે રીતે બાળને માથેથી ઉતારી લોટી,
માત પાદરની નીરવતામહીં રેલાવી દે.

૫-૧૦-૧૯૫૨