ગુજરાતનો જય/૨૦. ‘ભાગજે, વાણિયા!'

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૨૦. ‘ભાગજે, વાણિયા!'

પાણિયારી દરવાજે સેના જમા થઈ ત્યારે પ્રજામાં સોપો પડી ગયો હતો. બે-પાંચ હજાર સૈનિકો લઈને ઊતરી પડેલા શંખથી સૌ કોઈ ધ્રુજતા હતા. વસ્તુપાલ જેવો વાણિયો લડશે કે પતાવટ કરશે તે નક્કી નહોતું. વસ્તુપાલે એક પણ પરાક્રમ કરીને પ્રજાને બતાવ્યું નહોતું. એ મુત્સદ્દી છે, વીર હોય કે ન હોય! એને કોઈ નહોતું ઓળખતું ને શંખને સૌ કોઈ ઓળખતા હતા. ગુર્જર દેશના જૂના મંડળેશ્વર લાટપતિ સિંધુરાજનો એ પુત્ર હતો. સિંધુરાજ ભીમદેવ મહારાજના અંધાધૂંધીભર્યા અમલમાંથી જ ગુજરાતથી સ્વતંત્ર બન્યો હતો. ગુજરાતના દંડનાયકનું સ્થાન એણે ભૃગુકચ્છમાંથી ઉખેડી નાખ્યું હતું. ખંભાત મૂળ ગુજરાતનું હતું. તે પણ સિંધુરાજની આણ હેઠે જ ચાલ્યું ગયું હતું. અને રાણા લવણપ્રસાદે ખંભાત પાછું કબજે કર્યું હતું તે તો નામનું જ હતું. ખંભાત પર રાજદંડ ભલે પાટણનો ફરતો, પણ આણ સિંધુરાજના પુત્ર શંખ(ઉર્ફે સંગ્રામસિંહ)ની જ વર્તતી. શંખે પાટણનું મંડળેશ્વરપણું કદી કબૂલ્યું નહોતું. શંખ જળમાં ને થળમાં વિકરાળ હતો. શંખે બાર રાજાઓને પરાજિત કરી તેનાં સુવર્ણ-પૂતળાં પોતાના સાથળ બાંધ્યા હતાં. ખંભાતથી એકાદ પ્રહરને જ જળમાર્ગે બેઠેલો શંખ આખી દરિયાપટ્ટીને ડારતો હતો. અખાતના ચાંચિયા શંખને આધીન હતા. એક તરફ પાટણની સત્તાનો ને બીજી બાજુ દેવગિરિના યાદવ સિંઘણદેવનો હરહંમેશ ઝઝૂમતો આક્રમણભય, એવાં બે મોત-જડબાંની વચ્ચે જીવતો, રેવાનો સ્વામી શંખ 'સાહણસમુદ્ર'નું બિરુદ ભોગવતો હતો. સદીકે એને લક્ષ્મીથી વશ કર્યો હતો. સદીક અને શંખ, બે જણાની દોસ્તીના નાગપાશમાં બંધાયેલું ખંભાત પાટણના કલેજામાં ખંજર સમું હતું. ગુર્જર મહારાજ્યના લલાટે ખંભાત જેવી કાળી ટીલી બીજી એકેય નહોતી. લક્ષ્મીના ખોળામાં લેટતું ખંભાત ગુર્જર રાજ્યની ગરીબીનો પળે પળે તેજોવધ કરતું હતું. છેક સોમનાથપ્રભાસથી લઈ ભૃગુકચ્છ સુધીના ગુર્જરકિનારાનું ચોકીદાર નૌકામથક ખંભાત હતું. એ ખંભાતનાં નૌકાદળનાં થાણાં વેરવિખેરીને સર્વભક્ષી મગરમચ્છ સમો શેલતો ને દરિયાઈ સિંહ સમી ડણકો દેતો શંખ ખંભાત પર બે-પાંચ હજારની ફોજ લઈને ત્રાટકનાર થયો, ત્યારે ખંભાતનાં ગાત્રો ગળી ગયાં; વસ્તુપાલને બે દિવસ દીધેલા માનનો ખંભાતની પ્રજાએ પસ્તાવો કર્યો, ને સદીક શેઠરૂપી સાપના રાફડા સમી માંડવીની માગણી કરનારાઓ સર્વે થરથર ધ્રૂજ્યા. દરવાજા ભિડાવી દઈને મંત્રી ફક્ત પચાસ માણસો સાથે સમુદ્રને તીરે પહોંચ્યો. થોડે છેટે શંખની સેના તૈયાર ઊભી હતી. કોઈ વાર ન લડેલી, પહેલી જ વાર લડવા જતી નાની સેનાના હોશ હચમચાવી નાખે તેવો એનો જમાવ હતો. વસ્તુપાલ પોતાના સૈનિકોનાં નબળાં પગલાં ઓળખી ગયો. એણે વ્યૂહ બદલ્યો. બીજા સર્વને દૂર થંભાવી દઈ પોતે ફક્ત એકલા ભુવનપાલની સાથે આગળ વધ્યો. શંખે આઘેથી આ દ્રશ્ય દીઠું. એ સમજ્યો કે મંત્રી સુલેહની માગણી લઈને ઊભો છે. એણે સદીકને સામો મોકલ્યો. સાદીકે મારતે ઘોડે મંત્રી પાસે આવીને કહ્યું: “જનાબ! શંખરાજ પાસેથી સારો સંદેશો લાવ્યો છું.” “કહો.” "એ આપને ખંભાતનું મંત્રીપદ અત્યારે ને અત્યારે આપવા માગે છે – જો ખંભાત એનું બને તો.” “નહીંતર?” “નહીંતર પણ, જો આપ ચાલ્યા જવા માગતા હો તો, એ સલાહ આપે છે કે આપ તો વાણિયા છો. ક્ષત્રિયની આગળ નાસી જવામાં વણિકને નામોશી નથી.” “તમારું શું ધ્યાન પડે છે?” "ખાવંદ, હું તો ગુલામ છું આપનો. કહેતાં મારી જબાન કટાય. પણ આપ ભાગી છૂટો. એ લાગ જોઈને આવેલ છે.” “શો લાગ જોઈને?” “પાટણ અને ધોળકા ઉપર મારવાડના રાજા ચડ્યા છે. આપ જે ફોજની વાટ જુઓ છો તે તો એ ચારની સામે કૂચ કરી ગઈ છે. આપે મોકલેલ ઊંટસવાર નકામો ગયો છે. આપને તો હજુ ખબર નહીં પડ્યા હોય?” સદીક જાણે કે મંત્રીની રહસ્યવિદ્યા પર ડામ ચોડી રહ્યો હતો. આ વાત સાંભળતાં મંત્રીના હૃદયમાં ધ્રાસકો પડ્યો. ગઈ કાલે એણે મોકલેલા. સંદેશાનો ધોળકાથી જવાબ નહોતો. તેનું કારણ સમજાયું. સદીકે જોર કરી શંખને તેડાવ્યો તેનો સબબ સમજાયો. એનું જિગર ગળવા લાગ્યું અને એ અંદરની ધાસ્તીને ચહેરા પર આવતી રોકવા એણે પોતાના મોં પર જે હાસ્ય ખેંચ્યું તે હાસ્ય એની રગેરગના રુધિરનું બનેલું હતું, એના લમણામાં એક વાક્ય ઘોરતું હતું: “વાણિયાને ક્ષત્રિયની આગળ ભાગવામાં કોઈ નામોશી નથી.” એ જ વાક્ય સદીકે ફરી વાર ઉચ્ચાર્યું: “જનાબ, વિચાર કરવાની જરૂર નથી, હું પણ આપના જેવો જ વાણિયો છુંને! આપણે બેઉ વેપારના જીવડા કહેવાઈએ. આપણું કામ હાટે બેસવાનું, તોળવાનું, જોખવાનું, ભાવતાલ કરવાનું. ને આ શંખની આગળ કોણ નહીં ભાગે? બાર બાર મંડળેશ્વરોનાં તો સોનાનાં પૂતળાં એને ડાબે પગે બાંધેલાં છે. ને જનાબ! આપ વણિક છો, કોઈ નામોશી નહીં, ભાગો.” વસ્તુપાલે ફરી એક વાર પોતાના રક્તનું બિંદુએ બિંદુ નિચોવીને પોતાના મોં પર હાસ્ય ચીતર્યું. ચારેય દિશાઓનાં દર્શન કર્યા, ને જવાબ વાળ્યો –  "સદીક શેઠ, તમે જઈને સાહણસમુદ્ર શંખરાજને મારો જવાબ કહો કે –  "વાહ વાહ, ક્ષત્રિય! તમે મને દેશનું દાન કરશો એ વચનને તો શુભ શુકન સમજી ગાંઠે બાંધું છું, ને તમારે ડાબે પગે બાર બાર સુવર્ણ-પૂતળીઓ બાંધી છે તે જાણીને તો મને રોવું આવી જાય છે. અરેરે! તમારો પગ કળતો હશેને! એનો ભાર ઓછો કરવા હું મારાથી બનતી મહેનત કરીશ. ને હું વાણિયો છું, હાટડીનો માંડનાર હિંગતોળ છું, તેનું ભાન મને તમે બહુ વખતસર દેવરાવ્યું. મેં હાટડું માંડી રાખ્યું છે. પણ મારી ત્રાજૂડી તો આ તલવાર છે. એ ત્રાજૂડીએ હું શત્રુઓનાં માથાં તોળીને વેચાતાં રાખું છું, ને એની કિંમતરૂપે સ્વર્ગાપુરીનો નિવાસ ચુકાવું છું. ને અને કહેજો, કે હવે તો તારે ખંભાત લેવા-ન-લેવાની શી ચિંતા છે? ખંભાત તો તે લઈ લીધું જ કહેવાય. તો પછી તું બાર પૂતળાંનો બાંધતલ બિરદનો ધારી હો તો બિરદના ધારા મુજબ લડવા ઊતર! તને, શંખને મારા એક એક યોદ્ધા સાથે દ્વંદ્વ ખેલવામાં તો ભય નથીના? બાર ભેગું એક તેરમું પૂતળું પણ બાંધતો જા. હું આંહીં જ વાટ જોઉં છું.” "જનાબ!” સદીકે મોં પર દિલગીરી ધારણ કરી, “બીજું કાંઈ નહીં, પણ આ પેગામ મોકલીને મારી જબાન ગોઝારી કાં બનાવો! લાચાર, મારા માલિક! લાચાર બનાવ્યો મને તો.” એમ કહીને એ દરિયાકાંઠે પાછો ગયો. તે જ વખતે એક સૈનિકે વસ્તુપાલની પાસે આવીને બાતમી દીધી: “રાણોજી ને તેજપાલ બેઉ મારવાડનાં ચાર લશ્કરોની ચડાઈને ખાળવા પાટણ તરફ ચડી ગયા છે. સંદેશો તો જેતલબાને સોંપ્યો છે. પણ ધોળકામાં પૂરું ધોળકું સાચવવાય લશ્કર બાકી નથી. માટે પતાવી શકાય તો સમાધાન જ કરી લેજો એમ જેતલબાએ કહેવરાવેલ છે.” "હં-હં-હં.” દરિયાકાંઠાની ખારી જમીનના તપતા ક્ષારમાં ઘોડો લઈ ઊભેલો વસ્તુપાલ ખૂબ ખૂબ હસ્યો ને બોલ્યો: “પતાવટની વેળા વહી ગઈ. હવે તો રહી છે એકલી મરચવટની વેળા. હું અહીં મરું તો જેતલબાને મારા જુવાર કહેજો.” સદીક શેઠનો ઘોડો સામી ફોજ પાસે પહોંચી ગયા પછી થોડી જ વારે એ ફોજમાં હલનચલન થઈ રહેલું વસ્તુપાલે નિહાળ્યું. સાગરજળમાંથી ભભૂકતા વડવાનલ સમી સેના ખડી થઈ, હાલકલોલ બની, આગળ વધી. જોતજોતામાં તો એ સેનામાંથી ચક્રાકાર રચાયો. વસ્તુપાલ સમજી ગયો. શંખની ફોજ ત્રણે બાજુ કૂંડાળે પડીને પોતાને ઘેરતી આવે છે. વસ્તુપાલે ભુવનપાલની સામે નજર કરી. ભુવનપાલ ઊભો હતો – નિશ્ચલ, શ્યામરંગી કો ખડક સમો – સાગરમાં ખૂતેલો ભેંસલો ખડક શોભે છે તેવી અદાથી. “ભુવનપાલ!” વસ્તુપાલે સ્મિત કરીને શબ્દો કહ્યા, “ભાઈ! તારે માબાપ છે?” ભુવનપાલે ડોકું હલાવ્યું. એની આંખો ચક્રાકાર રચતા ને સંકોડાતા, ચાંપતા આવતા શત્રુસૈન્ય તરફ ખીલે ઠોકેલી હોય તેવી નિશ્ચલ હતી. "ભુવનપાલા” મંત્રીએ આગળ કહ્યું, “હજુ તારી પાછળ ખુલ્લો માર્ગ છે, તું જઈ શકે છે.” ભુવનપાલે મંત્રી તરફ જવા સરખીયે પરવા કરી નહીં. એ નિશ્ચલ ઊભો. ને વસ્તુપાલને સાંભરી આવ્યા – શાસ્ત્રોના ઇતિહાસમાં અવિચલિત ધ્યાન ધરીને ઊભનારા શિર પર અગ્નિચૂલા મુકાવા છતાં ધ્યાનભંગ ન થનારા જિન સંતવીરો. ભુવનપાલ કોઈક એવા એકધ્યાનથી કર્તવ્યને ઉપાસી રહ્યો હતો. “ભુવનપાલા” શત્રુસૈન્ય સૂકા કાંટાની વાડના દાવાનલ સમું ભિડાતું આવતું હતું તે વેળાએ – તે છેલ્લી પળે – વસ્તુપાલે કહ્યું: “ભુવનપાલ, વયજૂકા યાદ આવતી નથી?” બસ એ એક જ વાર ભુવનપાલની આંખો ચમકી. એ એક જ ઘડી એણે વસ્તુપાલ તરફ નિહાળી નીચા વળી નમન કર્યું. એને પહેલી જ વાર, જીવનના શેષ સંધ્યાકાળે ખબર પડી કે મંત્રીને એની બહેન પરના પોતાના પ્રેમની જાણ છે. મંત્રી જાણે છે! છતાં કદાપિ કળાવા દીધું નથી, એક વર્ષ થઈ ગયું તોપણ મંત્રી મૂંગા રહી શક્યા ને ઊલટાનો મને પાળ્યો-પોષ્યો, લશ્કરી તાલીમમાં કસ્યો, પહેલી જ સવારીમાં મને – છેલ્લી હરોળના સૈનિકને – સાથે લીધો. શું મારું આ પ્રકારે કાસળ કાઢવા? કે મને... ભુવનપાલ! ભડકીશ ના વયજૂકાનું તારી સાથેનું વાગ્દાન આ શિર પર ઊભેલા સૂર્યની સાખે, પ્રેમિકોના શ્રેષ્ઠ એવા આ રત્નાકરની સામે, ને આ શત્રુસૈન્યની અસિઓની સાખે હું તારી સાથે કરું છું. ભુવનપાલ! મને ખબર નથી કે એ વાગ્દાનનું ભાવિ કેવું છે. પણ લઈ લે, તેં જેને અડગ પ્રેમશીલથી ઉપાસેલ છે તેના દિલભર દાનનો છેલ્લો કોલ. હાથ લંબાવ, ભુવનપાલ!” ભુવનપાલની ખૂમચા જેવી પહોળી હથેળી પર વસ્તુપાલે પોતાના પંજાની તાળી દીધી ને એ તાળીને ઝીલી કરીને તુરત જ ભુવનપાલનો જમણો હાથ પોતાના કુંત (ભાલા) પર વજ્રમૂઠી ભરી રહ્યો. શત્રુસેના ગોળ કૂંડાળે ઘેરો નાખીને સામે ખડી હતી. એ કરાળકાળ સૈન્યની સામે પટમાં છલાંગતો ભુવનપાલ ભાલો વીંઝીને ડણક્યો: “આમાં શંખ કોણ છે શંખ? શંખ જે હોય તે પડમાં આવે. શંખને લેવાનું બીડું ખાનાર હું ભુવનપાલ પડકારું છું.” સામી સેનામાંથી એના નાયકે એક સુભટને ઇશારત કરતાં વાર એ સામો ધસ્યો ને પડકાર ઝીલતો કૂંડાળે પડ્યો: “આ રહ્યો હું શંખ, હું સાહણસમુદ્ર! હું દરિયાનો દાનવ. નાખ તારો ભાલો, સોલંકીના કુત્તા!” “આ લે ત્યારે.” એમ બોલીને ભુવનપાલે અંગ મરોડી એક બાજુ એ ભાલો તાકીને સમોવડિયાને થાપ દીધી. તાકેલી દિશામાંથી લોંચી ખાઈને પ્રતિસ્પધીએ પાસ બદલ્યું ત્યાં તો, પહેલી પંક્તિનો પાણીદાર નિશાળિયો લેખાનો ચાંપતો જવાબ વાળે તેમ ભુવનપાલે ભાલો અડાવ્યો. શંખ નામધારી એ ભરૂચી સૈનિકને ધરણી પર પટકી, એના ડબા પર પગ મૂકીને ભાલો પાછો ખેંચી લેતો ભુવનપાલ પાછો કૂદીને પડમાં ઊભો રહ્યો, ને ડણક્યો –  "કોણ છે બીજો સાચો શંખ હવે? હોય તે સામો આવે.” આ વખતે એને થોડીક વાટ જોવી પડી. થોડોક વિલંબ થયો. સામી સેનામાંથી બીજો શંખ ખડો થાય તે પૂર્વે કાંઈક ગણગણાટ થયો. પણ વધુ વિલંબ કર્યા વગર બીજા સુભટે “હું છું શંખ, થઈ જા મર્દ બતાવ સોલંકી ઓલાદનું પાણી!” એવા હોકારે સાગરતીરને ગર્જાવ્યો. દરિયાના ઘુઘવાટે એમાં સૂર પુરાવ્યો. દરિયાઈ પંખીડાંના કલરાટ બોલ્યા. ને દુર દુર મોજાં સામસામાં અફળાઈને દ્વંદ્વયુદ્ધની રમતમાં ફોદેફોદા થઈ રહ્યાં હોય તેવો મામલો મચી ગયો. “શાબાશ, શંખ! શાબાશ તારી જનેતાને! રંગ દૂધભર્યા લાટના શંખ, દૂધ દિપાવજે.” એમ પોતાના પ્રતિસ્પર્ધીને ભલકારા દેતો ને વસ્તુપાલની છાતીમાં ગર્વની છોળો છલાવતો ભુવનપાલ પોતાના ભાલાનું ભૈરવી ફળું વીંઝતો ધાયો. પોતાની સામે એણે સાક્ષાત્ યમરાજ ઊભેલો જોયો. એ માનવી ન હોય; એ પલીત હતો, ભૈરવ હતો. એનું મસ્તક ગગનમાં રમતું હતું. એના પંજામાં પકડેલ ભાલો પ્રેતલોકથી ઊતર્યો હતો જાણે. આ વખતે ભુવનપાલની ભુજાનો થાક અછતો ન રહ્યો. એણે નોંધેલું નિશાન જરાક માટે ચુકાયું. એના લમણા પર સામો ભાલો ઊતર્યો –ને ભુવનપાલના માથાએ જો એક જ તસુનો મરોડ ન ખાધો હોત તો એની ખોપરી ફાટી જાત; પણ ભાલો સીધો ભોંય પર ગયો. પ્રતિસ્પર્ધીનો હાથ લચકાયો. ઘોડેસવાર મંત્રીનો શ્વાસ ચડીને નીચો થયો. ભુવનપાલનું મોત ન જોઈ શકવાથી એણે આંખો મીંચી દીધેલી હતી. મીચેલી આંખે એણે ધબાકો સાંભળ્યો, મૃત્યુ-ચીસ સાંભળી. કોની એ ચીસ ન હોય ભુવનપાલની. ચીસ તો હતી કોઈક મહિષાસુરની. એની નજરે પડ્યો પ્રતિસ્પર્ધીનો ચત્તોપાટ ધરણીઢળ્યો રાક્ષસી દેહ, જેના ઉપર પગ મૂકીને ભુવનપાલ અણિશુદ્ધ ને અખંડિત ખડો હતો. સાચેસાચ શું ભુવનપાલ ઊભો છે મંત્રીએ નેત્રો ચોળ્યાં, ફરી ફરી નિહાળ્યું. ભુવનપાલે પોતાનું મોં જરાક મંત્રી સામે મરડીને ભાલા પર શિર નમાવી સ્વામીને વંદના દીધી, ને પછી પાછો પડકાર દીધોઃ સાગર-બાજુએ ઊભેલી, વધુ ગણગણાટે ચડેલી, પોતાનાં બબ્બે શબો સામે જોઈ ચિડાતી શત્રુસેનાને હાકલ પાડી - “છે હવે ત્રીજો કોઈ શંખ કે પટમાં આવ, જનનીના જાયા! હું વાઘેલાનો ગોલો, હું વાણિયાનો હાટડી-ચાકર તને ખમકાર દઉં છું, ઓ શંખ! પાધરો પડમાં આવ.” "પડમાં આવ! પડમાં આવ!” દરિયાલાલ પણ જાણે બોલતો હતો. પડમાં કોઈ કેમ આવતું નથી? વાર કેમ લગાડી રહ્યા છે? પહેલી હરોળની પછવાડે એ મસલતો શેની ચાલી રહી છે? બીજી હરોળમાંથી કોણ કોને ગોદાવી રહ્યું છે? "આ રહ્યો હું સાચો શંખ! મર્દ થા વેપારીના મજૂર!” એમ ત્રાડ પડી. ત્રાડની પછવાડે તલવારનો સળાવો થયો. એક સમશેરધારી ખડગ ખેંચતો ધાયો, ને ભુવનપાલને ભાલો નીચે નાખી દઈ, કમ્મરની તલવાર ખેંચતાં જો જરા જેટલુંય મોડું થયું હોત, તો એની ગરદન પરથી માથું, ચાકડા પરથી માટીના લૂઆ માસ્ક નીચે જઈ પડત. "ખમા તારી માતને, શંખ. રમી દેખાડ ખાંડાના ખેલ.” એમ કહેતો ભુવનપાલ પોતાની પાતળી, તલવારની ઘન-વિદ્યુત ખેલાવતો રંગે ચડ્યો. ભાલાની બે વારની રમતે એને થકવ્યો હોવાથી તલવારના સમણાટે એને વધુ ફાવટ દીધી; ને એનો પાતળો દેહ અટપટા સમશેર-વીંઝણને માટે વધુ અનુકૂળ બન્યો. કેમ કે, સામા લડનારનું શરીર જેટલું જબ્બર હતું, તેટલા પ્રમાણમાં એના હાથની લંબાઈ ન હોવાથી એની સમશેર વિશાળ પટમાં ઘૂમી શકતી નથી એ ભુવનપાલે કળી લીધું. એ તલવારની પીંછી, એના ફેરવનારના પગમાં એકબે વાર અફળાતી દેખી તેમતેમ તો ભુવનપાલનો નાનકડો દેહ વધુ સ્ફૂર્તિને હેલે ચડ્યો. હવા પણ જાણે કે એને ઊંચકી લેતી હતી. ઓછામાં પૂરું, પ્રતિસ્પર્ધીનો લાગ ફાવતો નહોતો. તેની ટીકા પણ સંભળાતી હતી. શંખની ફોજમાંથી કોઈક પાછળ ઊભીને બોલી ઊઠ્ય: "પગ સંભાળ! હાથને ડોંચ મા. નજર ક્યાં છે? ખાઈ બગાડવું કે?” એ બોલ જે ઘડીએ લડનારના કાન પર પડ્યા તે જ ઘડીએ લડનારના રામ ઢીલા પડ્યા. એની યુદ્ધકળામાં પહેલી જ વાર કઢંગાઈ પેઠી. એ વધુ ઢીલો બન્યો, કેમ કે એણે વધુ ટીકા સાંભળી –  “અરે! અરે! હાં! હાં! આ તે શું હજામત કરે છે!” એવા એના સાથીઓના શબ્દો એને સવિશેષ નાહિંમત કરી ગયા. સાથીઓને ચૂપ કરવા એ પાછળ જોવા ગયો. એ પલ ભુવનપાલ કેમ ચૂકે? એક જ ફટકો, ને પહાડની ટૂંકની પેઠે પ્રતિધ્વંદીનો દેહ તૂટ્યો. ધરતીએ 'ભફડાંગ' એવો શબ્દ સંભળાવી દીધો. ભુવનપાલનું મસ્તક પોતાની પાછળ ઊભેલ સ્વામી પ્રત્યે જરા વાર ઝૂક્યું, પછી ધરતી તરફ નમ્યું. દિક્પાળોને પણ એણે વંદના દીધી ને એક પલ એણે તલવાર પર દેહ ટેકવી આરામ લીધો. એ પળ બે પલની શાંતિનો જાણે કે રંગભૂમિ પર પરદો પડ્યો ત્યારે બગડેલા પ્રવેશ પર નેપથ્યમાં નાટકકારો જેવી તકરાર મચાવે છે તેવી તકરારના સૂર સામાં સૈન્યની પાછલી હરોળની આડશે કોઈકે મચાવ્યા હતા. અને તેની પણ પેલી પાર એક આદમીનું મોં વીલું થતું હતું. એના ચહેરા પર કાળાશ ઢળતી હતી. ઘડી પૂર્વે એ સામા સૈન્યની પાછળ કશાક હાકલા-પડકારા કરતો હતો તેને બદલે અત્યારે એ સેનાથી અળગો પડી જઈ દરિયા તરફ પાછાં ડગલાં માંડતો હતો; ને એની નજર ખંભાતના કોટની રાંગ પર ફરતી હતી. રાંગેરાંગે લોકોની ગિરદી મચી ગઈ હતી – જાણે લોકો ગેડીદડાની રમત જોવા ચડ્યા હતા. તલવાર પર ટેકો લઈને ભુવનપાલ એક ઘૂંટણભર ઢળતો ઊભો હતો. એને થાક ચડી ગયો હતો અને એના એક-બે જખમોમાંથી લોહી ચૂતું હતું. છતાં એણે શત્રુસેનાની સામે છેલ્લો પડકાર ફેંક્યો: "અલ્યા ભાઈઓ! આ શંખની માએ તે કેટલાક શંખ જણ્યા છે એ તો મને કોઈક કહો! સાંભળ્યું તો હતું કે ભૃગુકચ્છનો શંખ એક જ છે, તો પછી શું આંહીં દરિયાને કાંઠે આવીને ઘણા બધા શંખલા બની ગયા છે? હવે તો હું થાકી ગયો છું. સાચો શંખ હોય તે બહાર નીકળે.” એના જવાબમાં સામી સેનામાંથી કશાક ઝણઝણાટ સંભળાયા. એક મહારથી આગળ આવ્યો. એ ઝણઝણાટ એના પગને બાંધેલાં બાર સુવર્ણનાં પૂતળામાંથી ઊઠતા હતા. એની કાયા કદાવરપણામાં આગલા ત્રણેયથી જુદી પડી ગઈ. એના મોં પર રાજતેજ અછતું ન રહ્યું. એના હાથમાં કટારી હતી. "પધારો, મલ્લરાજ! પધારો લાટના સાચા રાજવી, શંખા” ભુવનપાલે કળી જઈને પોતાની તલવાર ફગાવી દઈ, કમરબંધમાંથી કટાર ખેંચીને યોદ્ધાની સન્મુખ છાતી સુધી શિર નમાવ્યું. નમો નમતો પણ એ લથડિયાં લેતો હતો. “રાજવી! ઓ રાજવી! ઓ સિંધુરાજના મોભી! આપ વહેલા કાં ન ઊઠ્યા? મને થકવીને પછી પોતાનું પાણી મપાવવું'તું? કૂડ કરવું'તું, મલ્લરાજ? પૂતળાં લાજતાં નથી, રાજવી? ખેર! ખેર! દાસને બહુમાન દીધું. સોલંકીના ગોલાને મૃત્યુમાં ઊજળો કીધો.” એવા ટોણા દઈ, ગરદન ટટ્ટાર કરી, પગની જાંઘ થાબડતો ભુવનપાલ સમગ્ર શેષ બળનો સરવાળો કરીને બાખડ્યો. પહેલો મુકાબલો – ને કટારીઓ સામસામી અફળાઈને ભોંઠી પડી. બીજો મુકાબલો – અને મલ્લોના શિરોમણિ શંખની કટાર ભુવનપાલના કમરબંધ પર ભટકાઈ, પણ માંસનો લોચો ચાખતી ગઈ. ત્રીજે મુકાબલે ગડગડતી દોટ દઈને ભુવનપાલે આક્રમણ કર્યું. એક લાતના પ્રહાર ભેળો શંખ ડગમગીને નીચે પડ્યો. તેના ઉપર ત્રાટકતા ભુવનપાલના હાથનું કૌવત ઓલવાઈ ગયું. શંખની ઉઘાડી કટાર ભુવનપાલના પેટમાં દાખલ થઈ. આંતરડાનો લોચો ડખોળીને કારી બહાર આવી. પણ શંખરાજના એ પરાક્રમ પર જયધ્વનિ ગાજ્યા નહીં. કેટલાક સૈનિકોના મોંમાંથી ઉગાર ઊઠ્યોઃ “અરરર!” છે અને આશ્ચર્ય જેવી વાત હતી: જીવલેણ જખમે વેતરાયેલા ભુવનપાલનો દેહ તરફડિયાં મારતો નહોતો, પાણી માગતો નહોતો, હૈયા પર હાથ મૂકીને એ પરમ શાંતિપૂર્વક ખતમ થયો. "કાં, વાણિયા” એમ કહીને વિજેતા શંખરાજે ઘોડેસવાર મંત્રી તરફ મશ્કરીભરી નજર કરી. પણ એ ખસિયાણો પડ્યો. વસ્તુપાલ ઘોડા પર નહોતો. ઘોડા પરથી નીચે ઊતરીને એણે હાથમાં ભાલો તોળી લીધો હતો. એણે લલકાર કીધોઃ “વાણિયાને પણ બે ઘડી ના દાવપેચ શીખવતા જાઓ, શંખરાજ” "દાવ શીખવા છે?” શંખ હસ્યો, “આ જન્મે તો શીખીને શું કરીશ, વાણિયા?” “આવતે અવતાર કામ લાગશે. વિદ્યા કદી અલેખે જાય નહીં, લાટના ધણી! ને હવે તો સૂર્યાસ્તને ક્યાં ઝાઝી વાર છે? ખંભાતની પ્રજા આપને હજારો દીવાનાં વધામણાં દેશે. સમુદ્રને તીરે મને ચિરશય્યા દઈને પછી સુખેથી પ્રવેશો.” “તારે જીતવાની ઉમેદ છે, હિંગતોળ?” “ના રે ના. જીતું તોય તમે મને જીવતો ક્યાં મૂકવાના છો? મારે તો મનોરથ છે – મારા ભુવનપાલ ભેગા ચિતા પર ચડવાના.” એમ કહેતો વસ્તુપાલ, એની પાતળી કાયાને છલંગે લહેરાવતો ભાલો લઈને પટમાં ઘૂમવા લાગ્યો. અને એની સામે શંખના હાંસીસ્વરો અફળાયા: “વાણિયું લડે છે! અરે ભાઈ ભાઈ! વાણિયું લડે છે! વાણિયા, હજુય પડ દઉં છું ને કહું છું નાસવા માંડ - નહીં મારું તને, નાસી જા, શ્રાવક. તારું આ કામ નથી, મંકોડીપાલ! ભુવનપાલનો વાદ ન કર.” શબ્દોનો જવાબ વસ્તુપાલની જીભે ન દીધો. ભાલાએ દીધો. ભાલાની ઘુમાઘૂમ મંડાઈ ગઈ. શંખના હાથમાં ભાલો અગ્નિચક્ર સમો ફરવા લાગ્યો. વસ્તુપાલના આયુધે વિદ્યુત-ચમકારા રચી દીધા. સામસામા પડકારા ને હાકલા, ભલકારા ને ખમકારા, ભૂતલને ભયાનક રણખપ્પર કરી મૂકી દરિયે જાતા અફળાયા. સૂર્ય નમે છે - સુર્ય સાગરે ડૂબવાને વાર નથી. નગરની હવેલીનો પહેલો દીવો ચેતાયો. તોયે યુદ્ધનો અંજામ આવતો નથી. પહેલો તારો ઉદય પામ્યો. વસ્તુપાલ કો ન પડે? મુલ્લાંએ બાંગ પુકારી, મંત્રી તોયે કેમ મરતો નથી? અરે, આ અંધારું અજવાળાને પી જવા – ગળી જવા લાગ્યું. ને યુદ્ધ શું અધૂરું રહેશે? “મશાલો ચેતાવો! મશાલો ચેતાવો!” શંખ એ આદેશ કરે છે તે જ પલે એણે શહેર બાજુથી આવતી દીઠી – સેંકડો મશાલો, ને એ મશાલ-તેજે ચમકતી હજારો ખડગધારાઓ. એને કાને પડ્યાં - કદી ન સાંભળેલા કિકિયાટા અને ઘોડલાંની તબડાટી પર તબડાટી, ડાબલાની બડબડાટી. બુમ્બારવ ઊઠ્યો: “જય ગુજરાત! જય ગુજરાત! જય રાજા વીરધવલ! જય મંત્રી વસ્તુપાલ!' આ શંખને સાંભળવાનું ટાણું ન રહ્યું. એણે પોતાની સેના સામે જોયું. સેના નાસી રહી છે – સાગરના બંદરબારા તરફ. શંખ નાઠો. રણપટ ખાલી હતું, ફક્ત ચાર શબો સૂતાં હતાં. દરિયાનાં પાણીમાં ખૂંદણ મચી ગયું. શંખનાં વહાણો પર હાહાકાર મચી ગયા. સેનભર્યાં વહાણોને હંકારીને વહાણવટી શંખ સાથે નાઠા. એ વહાણો સદીકનાં હતાં. મશાલોના ભડકા બાળતી એક નાની એવી સેના કોણ જાણે ક્યાંથી આવી ચડી, દરિયાના કિનારા સુધી ગઈ, ને લંગર ઉપાડતાં વહાણોની પાછળ હાકોટ પાડી રહી: 'ખડો રે', હો થારી મારા ટાબર શંખ! ખડો રે!” વિસ્મય પામતા ઊભેલા વસ્તુપાલે ગુજરાતમાં આ નવીન ભાષાના ઉચ્ચાર સાંભળ્યા. ચંદ્રાવતીની પુત્રી અનોપની જીભનો સહેજ વળાંક આને મળતો આવતો હતો. કોઈ મારુ ફોજ આવી ચડી કે શું? બકરું કાઢતાં આ કોઈ ઊંટ તો નથી પેસી ગયું? જે ચાર મારુ રાજાઓની ચડાઈ સાંભળી છે તેના તો કોઈ સાથીઓ નહીં? વીતરાગ દેવ! આ તે બધું શું બનવા બેઠું છે?' પછી એ આકાશનાં નક્ષત્રો તરફ નિહાળીને હસ્યો. સપ્તર્ષિના પહેલાં ચાર ચાંદરણાંએ દર્શન દીધાં. પાંચમા અંગિરસ પછી છઠ્ઠા વશિષ્ઠની પાસે અરુંધતી ટમટમી: એને સંબોધીને મંત્રી બોલ્યા: “મારે તો જીવવું હતું રસભોગી કવિ થઈને,. અને હું જઈ પડ્યો આ રક્તભોગમાં.” પણ હાસ્ય વિરમ્યું. સામે ભુવનપાલનો દેહ પડ્યો હતો. એને ચાટવા આવતા એક શિયાળને તગડતો એ ઊભો રહ્યો. એના અંતરમાં શબ્દ હતોઃ 'વયજૂકા બેન! તને તારા ભાઈની લજ્જાએ મૂંગી મારી રાખી. એ મૌનની વ્યથા ત્રીજું કોઈ નહીં જાણે!'