ગુજરાતનો જય/૨૫. નિપુણક

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૨૫. નિપુણક

"કાં, મહાત્મા!” સુવેગે કેદીને કહ્યું, “કાંઈ વિચાર થયો, કે એક દિવસ મોડું થાત તો અહીં શી સ્થિતિ બની જાત? અહીં તો મારા ઉપરનો વિશ્વાસ ઊઠી જવાની અને સૈન્યનું પ્રયાણ થવાની લગભગ તૈયારી જ હતી.” “હું નિરુપાય હતો, ભાઈ!” કેદીએ કહ્યું. “માલવરાજને ત્યાંથી ધોળા ઘોડાની ચોરી કરી ક્ષેમકુશળ લાટ આવવું સહેલું નહોતું. એ ઘોડાને સંગ્રામસિંહની ઘોડહારમાં પેસાડતાં હું માંડ બચ્યો છું. ઉપરાંત અવન્તીનાથ દેવપાલના હસ્તાક્ષરોનો મરોડ શીખતાં પણ મારો તો દમ નીકળી ગયો.” “મને એમ થાય છે, નિપુણક, કે તારો થોડો વધારે દમ હું હવે અહીંયાં કઢાવું!” “તોપણ કાંઈ વાંધો નથી.” નિપુણક નામના એ ગુર્જર ગુપ્તચરે માલવ દેશમાંથી પોતાને મળેલી બાતમીઓ કહી, “પરંતુ હવે અકેક દિવસ જાય છે, ને ગુર્જર દેશ આફતે ઘેરાય છે. હવે એક પણ દાવ ભૂલભર્યો ચાલવા જેવું નથી. મીરશિકાર સિંધદેશમાંથી નીકળ્યો કે નીકળશે એવી સ્થિતિ છે.” “તને શું સૂઝે છે? આ સંગ્રામસિંહ અને સિંઘણદેવનો સામસામો ઘડોલાડવો કરાવી નાખશું?” "ના, તો તો આપણી ગુપ્તચરતા ગુજરાતને ફરી પાછી સંસ્કારહીનતામાં ધકેલી દેશે. મંત્રીની એ સદાની તાલીમ છે કે પ્રપંચો ભલે નછૂટકે કરવા પડે, છતાં આખરે એનું પરિણામ તો એ પ્રપંચોના પ્રાયશ્ચિત્તમાં જ આવવું જોઈએ.” "તારી વાત સાચી છે. મંત્રીના રોજના પત્રો અને સંદેશાઓ એ એક જ વાત બોલે છે કે, કોઈ રીતે લાટ અને દેવગિરિને ગુજરાતના મિત્રો જ બનાવી લેવા.” “યવનોના આક્રમણનો સંયુક્ત સામનો કરવાનો અવસર શું એ ત્રણેયને એકત્ર નહીં બનાવે?” “તું તો કવિરાજા છે!” સુવેગે કહ્યું, “આ દખણા યાદવ સાથે મેં દિવસો વિતાવ્યા છે. એને ગુર્જર દેશ લૂંટીને પોતાના સીમાડા વધારવા સિવાય કોઈ આકાંક્ષા નથી. એના ભેજામાં નવા સંસ્કારી વિચારો પેસાડવા સહેલ નથી.” “તો શું કરવું છે હવે?” “એ જ કરવું છે – યવનોની ચડાઈનો જ ડર બતાવી કામ લેવું છે. પણ તે તો ગુર્જર સમશેરોને એના માથા પર તોળીને જ કરી શકાય. હું એટલા માટે જ દિવસો વિતાવું છું.” "શાની વાટ છે?” "તેજપાલ મંત્રી ખંભાતના નૌકાસૈન્યને આખી સાગરપાળ પર જમા કરે છે, ને લાટ ફરતી પાળા સૈન્યની રાંગ ઊભી કરે છે. વૈશાખ સુદ બીજ સુધીમાં જ એક રાતે આ યાદવ ફોજને દબાવી દેવી જોઈએ. દરમ્યાન તારી જટામાંથી નીકળેલ ચિટ્ટીને જોરે હું માલવ-ગુર્જરસીમાડે યાદવી સેનાના એક મોટા ભાગને તગડવાનો પેચ રચું છું. ને તારે આંહીંથી સુદ એકમની રાતે નાસી છૂટવાનું છે. તારી હિલચાલ પર બહુ કાબૂ રહેશે નહીં. નાસજે માળવાને માર્ગે, પણ તાપીનાં પાણીમાં જ ગાયબ બની પાર થજે. કોઈપણ જુદો વેશ ધરી લેજે.” તે પછી પાંચેક દિવસે જ્યારે ખબર પડી કે માળવાનો જાસૂસ નાસી ગયો છે ત્યારે સુવેગે યાદવ સૈન્યને વહેંચી નાખવાની તક મેળવી. એ જાસૂસ લાટની સરહદ પર છુપાયેલા માલવસૈન્ય પાસે પહોંચી આંહીં આક્રમણ લઈ આવે તે પહેલાં જ એનો માર્ગ રૂંધી નાખવો જોઈએ, એવું સિઘણદેવને સમજાવીને સુવેગે સૈન્યનો મોટો ભાગ માલવાને રસ્તે રવાના કરી દીધો. ગુર્જર સૈન્યનો તો કશો ડર જ સુવેગે સિંઘણદેવના દિલમાં રહેવા દીધો ન હતો, કારણ કે ગુર્જર મંત્રી જાત્રાસંઘ પાછળ ઘેલો બની પોતાની મૂર્તિઓ બેસડાવે છે અને સૈનિકોને તો યવનસેનાની સામે જ જમા કરવા મોકલ્યે જાય છે. એ જ વિચાર-ભૂત એણે સિંઘણદેવના મગજમાં બરાબર ભરાવ્યું હતું.