ગુજરાતનો જય/૩. કકળાટનું દ્રવ્ય

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૩. કકળાટનું દ્રવ્ય

સપરિવાર સ્તંભતીર્થ જતાં પહેલાં મંત્રી વસ્તુપાલ નાનાભાઈ સાથે એકાંતે વાતો કરતો બેઠો હતો તે વખતે લૂણસીએ બહારની પેઢી પરથી આવીને પિતાને બહાર બોલાવી કહ્યું: “ગોધ્રકપુરના કબજે કરેલ સોનારૂપાં ને જરજવાહિરના વધુ શકટો લઈ સૈનિકો આવી ગયા છે.” "તે તો રાજદુર્ગમાં જ મોકલવાનાં છે.” તેજપાલે ખુલાસો કર્યો. લૂણસીએ એને ખબર દીધાઃ “રાણાજીએ જ રાજદુર્ગમાંથી આ ભાગ આપણે માટે મોકલેલ છે. સાથે આ અર્પણ-પત્ર પણ છે.” બંને ભાઈઓએ રાણાની ઉદાર ભેટનું લખાણ વાંચ્યું, અને વસ્તુપાલે કહ્યું: "તો ઉતરાવી લો.” લૂણસી નીચું જોઈ ગયો ને કંઈક કહેતાં ખચકાયો. "કેમ? શું મૂંઝાઈને ઊભો છે?” તેજપાલે પૂછ્યું. લૂણસી વગરબોલ્યો ઓરડાની બહાર નીકળીને ઊભો રહ્યો એટલે તેજપાલ ઊઠીને એની પાસે ગયો, પૂછ્યું: “કેમ જડભરત જેવો બની ગયો છે?” “મારી બા ના પાડે છે.” લૂણસીએ કહ્યું. સાંભળીને તેજપાલ કોઈ ન અવગણી શકાય તેવી અદ્રશ્ય સત્તાની શેહ નીચે આવી ગયો હોય તેમ થંભી ગયો. લૂણસીને બીક હતી કે પિતા કોપાઈ ઊઠશે. તે બીક ખોટી પડી. ગોધરાની જીતમાંથી આ વણિક લડવૈયાને કોઈક ગરવાઈનો સંસ્કાર સાંપડ્યો હતો. રાજદુર્ગમાંથી અપૂર્વ અનુપમ માનઅભિનંદનોથી મઢાઈને એ ઘેર પાછો વળ્યો હતો છતાં પત્ની અનુપમાએ એને વધાવ્યો-અભિનંદ્યો નથી, એ તો ઊલટાની દેવમંદિરે જઈને બેસી ગઈ હતી, અને પાછી આવીને પૂર્ણ આનંદભરી સૌને મંગલમીઠું ધાન પીરસતી પીરસતી મંદ વિનોદ કરતી કરતી જમાડતી હતી, છતાં પોતે તો આંબેલ (એક ટાણું સૂકું જમવાનું વ્રત) ધરી ચૂકી હતી. એવી ધર્મપરાયણા અને છતાં શુષ્ક કે કર્કશ જરીકે નહીં તેવી પત્ની તરફથી આ રાજ-ભેટ સ્વીકારવાની ના સાંભળી તેજપાલ મોટાભાઈ પાસે જઈ મૂંઝાતો બેઠો. વસ્તુપાલને ખબર પડી. એણે લૂણસીને પૂછ્યું: “જા, પૂછી જો બાને, એ આંહીં આવે છે કે અમે જ ત્યાં આવીએ?” લૂણસી સાથે અનુપમા તરતમાં જ આવી પહોંચી. એના મોં પરથી સ્મિત તો કદી સુકાતું જ નહોતું. અંદરથી ક્ષુબ્ધ છતાં તળિયા સુધી ટાઢી એ રહી શકી હતી. “કાં?” વસ્તુપાલે સહેજ હળવા કટાક્ષે પૂછ્યું, “શો વાંધો પડ્યો? લઈ લેવા દો ને! નહીં લ્યો તો પછી કોઈ પાઘડી નથી બંધાવવાનો!” “આપનું ધ્યાન પહોંચે તેમ કરો, પણ હું તો એટલું જ માગું છું કે લૂણસીના ઘરમાં એ લક્ષ્મી ન પેસાડવી.” "કારણ?” "લૂણસી એના પુરુષાર્થનું ને એની નીતિનું રળેલું જ ભોગવે.” “તો આ શું તેજલ અન્યાયથી ને અણહકનું ઉપાડી આવ્યો છે?” વસ્તુપાલ લગાર તપ્યો. “એ હકનું લાવ્યા હશે, પણ એ દ્રવ્યના સ્વામી રાણાજીયે નથી ને ઘુઘૂલ પણ નહોતો. એ તો લાખોને લૂંટીને સંગ્રહેલ લક્ષ્મી!” "પણ આપણે તો એને છોડાવી લાવ્યા.” “નહીં, ઘુઘૂલ જીભ કરડીને મૂઓ છે. તેનું દ્રવ્ય આપણાં બાળકોને ન દેશો.” “રાણા રાજીખુશીથી, સૌની સાક્ષીએ આપે તોપણ ન લેવું?” “ના, કારણ કે મને તે દિવસનું ઘટ-સર્પ યાદ આવે છે.” “પણ તેમાં તો આપણે નિર્દોષ પુરવાર નહોતા થઈ ગયા?” “એ તો વૃદ્ધોનાં પુણ્ય, ને થોડીક આપણી યુક્તિ!” અનુપમાએ મંદ હાસ્ય વેર્યું. "યુક્તિ!!!” તેજપાલ સહેજ ગરમ થઈ ગયો. “તેજમતૂરીને ધૂળ કહી તે યુક્તિ નહીં તો બીજું શું?” સાંભળીને તેજપાલ ટાઢો પડ્યો. ઘટ-સર્પવાળો પ્રસંગ ઘણો ભયંકર બની ગયો હતો. સ્તંભતીર્થના આરબ નોડા સદીકને લૂંટી લઈ તેના શરીરને મલ્લો પાસે ચંપી કરાવી હાડકેહાડકાં ભંગાવી મરાવી નાખ્યો, તે પછી તેના સગાએ આવીને રાણા આગળ ધાપોકાર પાડ્યો કે મંત્રી અમારી નેકીથી રળેલી કમાઈ પણ ઓળવી ગયા છે, માટે ન્યાય કરો. રાણાએ વસ્તુપાલને નિર્દોષ સાબિત થઈ જવાની, રસમ મુજબની, ભયાનક કસોટી પર ચડાવ્યા હતા. ઘટ-સર્પઃ માટીના ઘડામાં કાળો વિષધર નાગ મુકાવીને એને હાથ વડે બહાર ખેંચવાની એ કસોટી હતી. હજારો લોકોની વચ્ચે વસ્તુપાલે એ સાપને ઘડામાંથી ઉઠાવીને બહાર ફેંક્યો હતો. ફેંકાયેલો કાળો નાગ સદીકના જ કુટુંબીની બેઠક પર જઈ પડ્યો હતો, અને એ નાગે એને ટકાવીને ત્યાં ને ત્યાં પૂરો કર્યો હતો. પણ અનુપમા જાણતી હતી કે જેઠજીના તે વખતના શબ્દો યુક્તિભર્યા હતા. એણે સર્પ ઉપાડતી વેળા સંભળાવ્યું હતું કે, જો મેં સદીકના ઘરની કુલઝપટ સંપત્તિની ટીપ કરીને રાજભંડારે જમા કરાવી દીધી હોય, અને એના ઘરની ધૂળ સિવાય અન્ય કશું પણ લીધું હોય તો સાપ મને કરડજો, નહીંતર આરોપ મૂકનારને!' એ 'ધૂળ' તો હતી ખરી – પણ તેજમતૂરીની ધૂળઃ સોનાની માટી! એ માટીનું જ કોટાનકોટિ દ્રવ્ય આજે તેમના ઘરમાં હતું. અનુપમાની સામે મંત્રીનો કશો બચાવ નહોતો રહ્યો. પણ તેટલામાં તો રાજગઢમાંથી ઉપરાઉપરી અનુચરો આવતા હતા. રાણાએ મોકલેલ લક્ષ્મીનાં શકટો અણઅટક્યાં મંત્રી-દ્વારે ઊભાં થઈ રહ્યાં, એ તો નગરમાં અદ્ભુત અને ન મનાય તેવો બનાવ હતો. નગરજનો કંઈ કંઈ વાતો કરી રહ્યા હતા. કોઈએ કહ્યું કે સેનાપતિ પરબારા હજમ કરી જવા માગતા હતા તેની રાજને ખબર પડતાં પકડાઈ ગયું છે. કોઈ કહે કે પૂરતો ભાગ નથી મળ્યો માટે મંત્રીબંધુઓ કચવાયા છે. હજુ તો પ્રભાતને જ પહોરે સન્માનેલા ને મોતીએ વધાવેલા પોતાના નગર-વીરને વિશે આવી આશંકાઓ ઊભી કરવી એ જાહેર પ્રજાને માટે સ્વાભાવિક વસ્તુ હતી. આખરે રાજદુર્ગમાંથી સંદેશો લઈને પાલખીએ ચડી સોમેશ્વરગુરુ મંત્રીગૃહે આવી ઊભા થયા. તેમણે આખી વાત જાણીને અનુપમા પ્રત્યે હૃદયની ભક્તિ અનુભવી. પણ રાણક-કુળ અને મંત્રી-કુળ વચ્ચે સદાય સાચી સમજણ કરાવતા, ગેરસમજની શક્યતાને દૂર રાખતા, બે મોતીમાં પરોવાયેલા હીરના દોરા સમા સોમેશ્વરગુરુએ તોડ કાઢવા યત્ન કર્યો. "દેવી! આજના વિજય-દિનને સાચવી લેવો રહ્યો.” “વિજય-દિન તો ખરો,” અનુપમા દુઃખ અનુભવતી બોલી, “પણ બંદીવાને જીભ કરડી છે. નગરજનોમાં એનો આનંદ પ્રવર્તે એ કેવી વાત! કેવો સંસ્કાર! એની સંપત્તિ, સદીકની સંપત્તિ, વામનસ્થલીની સંપત્તિ, નાનામોટા સૌરાષ્ટ્રી ઠાકોરોની ને પટ્ટકિલોની છીનવેલી સંપત્તિ, એ બધીમાંથી અમારા ઘરમાં ભાગ આવ્યો છે – ભલેને રાણાજીના વિજયદાન લેખે, પણ એ કકળાટનું દ્રવ્ય છે. કાં કોઈક દિવસ રાજની દાનત બગડશે ને કાં પ્રજા એવી લૂંટને સંસ્કાર સમજતી થઈ જશે. વધુ તો હું એક સ્ત્રી ઊઠીને કહું તે ન શોભે! પણ આ તો આપણા લૂણસી અને આપણા જેતસી[૧]ના ભલા માટે કહેવાઈ જાય છે. દાન રાજા કરે છે તેમ ઘટ-સર્પ પણ રાજા જ ફરમાવે છેના!” એમ કહીને અનુપમા ચૂપ બેઠી. “વારુ!” વસ્તુપાલે કહ્યું, “લૂણસી! દ્રવ્ય બધું ઉતરાવી લે ને જુદે જ ઠેકાણે મુકાવ, અને હવે આપણે આ આખી વાતનો બંધ આજ ને આજ વાળી દઈએ. કહો, પેઢીનું દ્રવ્ય જુદું તારવી લઈએ. રાજલક્ષ્મીનો એક દ્રમ્પ પણ એમાં ભળેલો ન રહેવો જોઈએ. તે સિવાયની શ્રીકરણ (મંત્રીપદ) સ્વીકાર્યા પછી આજ સુધીની રાજ તરફની ઈનામની લક્ષ્મીને જુદી તારવીએ.” "હા, અને એમાંથી આપ અને અનુપમાના દાનપ્રવાહ હજુ વિશેષ જોરથી વહેતા રાખો, મોકળે હાથે આપો, ધોળકાને વિદ્યાનું પરમ ધામ બનાવો, મોટાભાઈ!” તેજપાલે કહ્યું. અનુપમાથી હસાઈ ગયું. તે દેખી તેજપાલ જરીક ગરમ થયા. વસ્તુપાલે એને વાર્યો: “તેજલ! આ શું? બોલો અનુપમા, કેમ હસ્યાં?” “એ તો એમ કે, દાન કરીએ આપણે, દ્રવ્ય વાપરીએ પારકાનું એ કીર્તિ કેટલા દિવસ?” "તો પછી?” “વિદ્યાદાન તો આપ વિદ્યાના પ્રેમી છો તેથી કરો છો ને અન્નવસ્ત્રનું દાન તો હું મારા અને સ્વજનોના શ્રેયાર્થે કરું છું. એ કરવામાં તો દ્રમ્મદ્રમ આપણી જ કમાઈનો હોય.” “પણ તું કંઈ રસ્તો બતાવશે કે નહીં?” તેજપાલ ચિડાયો. “મને તો એક રસ્તો સૂઝે છે.” અનુપમાનો ચહેરો પ્રકાશી ઊઠ્યો, “રાજ્યે અર્પેલી લક્ષ્મી અક્ષય રહે, જગત આખું એને જુગજુગો સુધી જોઈ રહે, જોઈ જોઈને આનંદ પામે, પ્રભુને ને પુન્યને ઉપાસી રહે, તે છતાં એક દ્રમ પણ એમાંથી કોઈ અપહરી ન શકે.” “એવું બની શકે? “હા, ગિરિશિખરો પર અને તળેટીઓમાં, વનોમાં ને નગરોમાં પ્રભુપ્રાસાદો ને ચૈત્યો ચણાવો, ઉપર સોનાના ધ્વજો, સ્તંભો ને સુવર્ણકળશો ચડાવો, આંહીં આટલું દ્રવ્ય ઠાલવ્યું છે એવી પ્રશસ્તિના શિલાલેખો કોતરાવો, સહુ વાંચશે, કોઈ નહીં લઈ જઈ શકે.”

વસ્તુપાલનો પુત્ર

“વહુની સલાહ વાજબી છે.” જેઠના ઉદ્ગારોમાં આનંદ વિલણ્યો.“એ કામ ઉપાડો તો હું કહું તે સૂત્રધારને (સલાટ-શિલ્પીને) ગોતશો?” અનુપમાની આંખો આમ પૂછતી વેળા જાણે સ્વપ્નભરી બની ગઈ. "કોને?” "શોભનદેવને, એની ભાળ મળશે – કાં અર્બુદગિરિ પર ને કાં શત્રુંજય ઉપર.” એમ કહેતી એ ચાલી ગઈ. “તું કાંઈ સમજી શક્યો, તેજલ!” વસ્તુપાલે ઓરડાની હવાને પણ આશાતના ન પહોંચે તેવા સ્વરે કહ્યું. “ના, ના, પણ એ ઘેલી કોઈ કોઈ વાર 'શોભનદેવ! શોભનદેવ પાછા વળો' એવું એવું કંઈક લવતી હોય છે.” "ઘેલી એ નથી, ભાઈ! ઘેલા તો આપણે છીએ કે એને સમજી શકતા નથી. શોભનદેવ નામનો એક યુવાન શિલ્પી અહીં આવ્યો હતો ને એના હાથનું ભોજન જમી ગયો હતો. અનુપમાએ એને આપણા મૂએલા ભાઈ લૂણિગનો અવતાર માન્યો છે.” તેજપાલ કાંઈ બોલ્યો નહીં. "જોજે હો ગાંડા!” વસ્તુપાલે ઊઠતાં ઊઠતાં નાના ભાઈને ચેતવ્યો, “આજે એને સમજી શકતો નથી તે પાછળથી માથાં પટકતો નહીં કે, અરેરે જીવતે તો ન જ ઓળખી!” "પણ એ ધર્મવંતીને પહોંચવું ક્યાં?” તેજપાલનું ભાલ કરચલીએ ખેડાયું, "ઘુઘૂલે જીભ કરડી એનુંય એ તો પ્રાયશ્ચિત્ત કરીને બેઠી છે.” “નારી છે ને! ભલે કરે પ્રાયશ્ચિત્ત. હું તો ઇચ્છું કે ઘુઘૂલના જેવું મોત ગુર્જરભોમના પ્રત્યેક શત્રુને સાંપડે, ભલેને શ્રાવકો ને શૈવો થોડાક લોહીને, થોડીક બિભીષણતાને, થોડી કમકમાટીને ટેવાય!” બોલતો બોલતો એ ભીષણ દેખાયો.